રાજકોટના લાખાજીરાજ રોડના વેપારીઓ પાથરણાવાળાના ત્રાસથી ત્રાહિમામ્ : ગુરૂવારે કરશે ધરણા, કલેકટર સમક્ષ નાખશે ધા
રાજકોટ શહેરની સૌથી જૂની અને શહેરીજનો તેમજ સૌરાષ્ટ્રના અન્ય શહેર, ગ્રામ્ય વિસ્તારોના લોકો માટે પણ મુખ્ય માર્કેટ ગણાતા લાખાજીરાજ રોડ અને આ માર્ગને ઝોડતા વેપારી વિસ્તારોની હાલત દબાણકારો કે આવા ઇસમોના કારણે દોઝખ જેવી બની ગઇ છે. વારંવાર મ્યુનિસિપલ કમિશનર, પોલીસ કમિશનર સહિતનાને રજૂઆતો, ધારાસભ્યો, ભાજપના પ્રમુખો સહિતનાઓ પાસે પણ ખોળા પાથર્યા બાદ પણ કોઈ ઉકેલ ન આવતા હવે આ એરીયાના વેપારીઓ ગુરૂવારે વ્યવસાય બંધ રાખી ધરણા, પ્રદર્શન કરશે. કલેકટર સમક્ષ ધા નાખી સમસ્યામાંથી છૂટકારો અપાવવા માટે લેખિત રજૂઆત કરશે.

રાજકોટ રેડીમેઈડ વેપારી એસોસિએશન તેમજ રાજકોટ હોલસેલ ટેક્ષ ટાઇલ્સ માર્કેટ એસોસિએશનના વેપારીઓની એક દિવસ પૂર્વે એ.જી.એમ. મળી હતી. જેમાં લાખાજીરાજ રોડ, ધર્મેન્દ્ર રોડ, ઘી કાંટા રોડ કે જોડતા અન્ય નજીકના વેપારી માર્ગો પરના દુકાનદારો, ધંધાર્થી ઓ માટે આ માર્કેટ જૂની હોવાથી પહેલેથી માર્ગો સાંકળા હતા. વેપારીઓની દુકાનો, શોરૂમની બહાર ફૂટપાથ રોડ પર પાથરણાવાળા કે અન્ય વાહનધારક દબાણકારો આવીને દુકાનો, શો-રૂમની બહાર આડા બેસી જતાં હોય છે જેને લઈને માર્ગ પર ટ્રાફિક સમસ્યા સખત રહે છે.
આ પણ વાંચો : 5 વર્ષની ઉંમરે ચેસ રમવાનું શરૂ કર્યું’ને આજે બની ચેસ વર્લ્ડકપમાં ચેમ્પિયન : 19 વર્ષીય દિવ્યા દેશમુખે રચ્યો ઇતિહાસ
આવા દબાણકારોને લઇને વેપારીઓના ધંધાને જબ્બરો ફટકો પડયો છે. છેલ્લા એકાદ વર્ષથી આ ત્રાસ અતિરેક બન્યો છે. વેપારીઓ દ્વારા બંને ધારાસભ્યો રમેશભાઈ ટીલાળા, દર્શિતાબેન શાહને રજૂઆત કરાઇ હતી. પૂર્વ મ્યુ.કમિશનર દેસાઈ સમયે બંને ધારાસભ્યોને સાથે રાખીને રજૂઆત કરાઈ હતી. ભાજપના બંને પ્રમુખોને પણ રજૂઆત કરી હતી.
આ પણ વાંચો : ઓપરેશન મહાદેવ : શ્રાવણના પ્રથમ સોમવારે જ કાશ્મીરમાં સેનાનો પ્રચંડ પ્રહાર, માસ્ટરમાઈન્ડ મુસા સહિત 3 આતંકી ઠાર
એસોસિયેશનની ગઇકાલે એજીએમ મળી હતી જેમાં વેપારી સંગઠનો માટે દબાણકર્તાઓનો, પાથરણાવાળાઓનો મુદ્દો ચર્ચાનું કેન્દ્ર રહ્યો હતો. કઈ રીતે આ સમસ્યાથી કાયમી હલ આવે તે બાબતે ચર્ચાઓ થઈ હતી. રાજકીય પ્રતિનિધિઓને રજૂઆત કરાઈ, બે-બે મ્યુનિસિપલ કમિશનર અને બે પોલીસ કમિશનરને પણ રજૂઆત કરાઈ હતી. પોલીસ દ્વારા એવું કારણ આપી દેવાતું હોય છે કે રસ્તા પર દબાણ હટાવવાનું કામ મહાપાલિકાનું છે, પોલીસ જો માગે તો સાથે બંદોબસ્તમાં જોડાઈ શકે, દબાણ ન હટાવી શકે. પોલીસ અને મહાપાલિકા તેમજ રાજકીય પ્રતિનિધિઓના આ ત્રિભેટાથી હજુ સમસ્યાનો કોઈ ઉકેલ આવ્યો નથી. જેથી હવે કલેક્ટરને રજૂઆત કરવા માટે નિર્ણય લેવાયો છે.
વેપારી મંડળના પ્રમુખ હિતેષભાઈ અનડકટના જણાવ્યા મુજબ તા.૩૧ને ગુરુવારના રોજ લાખારાજીરાજ રોડ અને આસપાસના વેપારી માર્ગના વેપારીઓ સવારે ધરણા અને પ્રદર્શન કરશે. ત્યારબાદ કલેક્ટર કચેરીએ જઈને કલેક્ટરને લેખિત રજૂઆત કરવામાં આવશે. અગાઉ યાજ્ઞિક રોડ પર દબાણકારોના આ પેચીદા પ્રશ્નને કલેક્ટરે ઉકેલ્યો હતો.
વેપારીઓમાં એવો બળાપો છે કે સવારે દુકાન-શો રૂમ ખૂલે એ પહેલા આવા દબાણકારો આવીને બેસી જતા હોય છે. રવિવારના રોજ પણ ફોર-વ્હીલ વાહનો લઇને આવીને વસ્તુઓ વેચવા દુકાન કે શોરૂમ આડા ઉભા રહી જાય છે અને જો દૂર જવાનું કહેવામાં આવે તો ઝઘડા-મારામારી પર ઉતરી આવે છે.
