રાજકોટના લાખાજીરાજ રોડ પર પાથરણા વાળાઓના ત્રાસથી વેપારીઓએ બંધ પાળ્યું: બપોરે 1 વાગ્યા સુધી તમામ દુકાનો બંધ
રાજકોટના હજારો લોકો જ્યાં ખરીદી કરવા માટે જાય છે તે લાખાજીરાજ રોડ ઉપર છેલ્લા ઘણા વર્ષથી ફેરિયાઓ અલગ-અલગ દુકાન બહાર પથારા કરીને બેસી જતાં હોવાને કારણે વેપારીઓએ રીતસરના ત્રાહિમામ પોકારી જઈને વારંવાર રજૂઆત કરી છતાં પરિણામ ન મળી રહ્યું હોવાથી વધુ એક વખત આજે મંગળવારે બજાર બંધ રાખી સૂતેલા તંત્રને જગાડવાનો પ્રયાસ કરવામાં આવ્યો હતો જેમાં સવારે 11થી 1 વાગ્યા સુધી વિસ્તારની 300 જેટલી નાની-મોટી દુકાન તેમજ શો-રૂમ આ બંધમાં જોડાયા હતા.

રાજકોટની સૌથી જૂની અને વ્યસ્ત ગણાતી લાખાજીરાજ રોડ તથા ધર્મેન્દ્ર રોડની મુખ્ય બજારો આજે અડધો દિવસ બંધ રાખવાનો નિર્ણય વેપારીઓ દ્વારા લેવામાં આવ્યો છે. છેલ્લા લાંબા સમયથી રસ્તા પર થતા પાથરણાંના દબાણને લઈને દુકાનના વેપારીઓ અને પાથરણાંવાળાઓ વચ્ચે વિવાદ ચાલી રહ્યો છે. આ મુદ્દે વારંવાર વેપારીઓએ મહાનગરપાલિકા અને પોલીસ તંત્રને રજૂઆત કરી હોવા છતાં હજુ સુધી કાયમી નિરાકરણ ન આવતાં વેપારીઓએ બંધનું એલાન આપ્યું છે. તેમજ વેપારીઓ દ્વારા બંધ પાડીને રામધૂન કરવામાં આવી હતી.

વેપારીઓનું કહેવું છે કે મુખ્ય માર્ગો પર પાથરણાંના વધતા દબાણને કારણે ગ્રાહકોની અવરજવર ખોરવાઈ રહી છે તેમજ દુકાનદારોને વ્યાપારમાં ભારે મુશ્કેલી પડી રહી છે. રસ્તા પર થતાં અતિક્રમણને લઈને તંત્ર તરફથી અસરકારક કાર્યવાહી ન થતાં વેપારીઓમાં નારાજગી ફેલાઈ છે, જેના પગલે આજે સૌથી જૂની બજારના વેપારીઓ અડધો દિવસનું બંધ પાડ્યું છે. આ મુદ્દે ધારાસભ્ય રમેશભાઈ ટીલાળાએ હતું કે, થોડા મહિના અગાઉ પણ આ જ મુદ્દે વેપારીઓ, મહાનગરપાલિકા અને પોલીસ તંત્ર વચ્ચે બેઠક યોજાઈ હતી. તે સમયે પાથરણાંના દબાણ મુદ્દે સમાધાન કરવામાં આવ્યું હતું.
આ પણ વાંચો :રાજકોટના જંગલેશ્વરમાં 800 મકાન તૂટવાનું ‘ફાઇનલ’: નોટિસ ફટકાર્યા બાદ હવે તંત્રએ દબાણકર્તાઓને કોર્ટમાં જવાનો રસ્તો પણ કર્યો બંધ

જોકે હાલ ફરીથી પાથરણાંને લઈને સમસ્યા ઊભી થતાં વેપારીઓએ બંધ રાખ્યાની માહિતી સામે આવી છે. વેપારીઓને અન્યાય ન થાય અને પ્રશ્નનો કાયમી ઉકેલ આવે તે માટે પોલીસ, મહાનગરપાલિકાના અધિકારીઓ અને દબાણ શાખા સાથે ફરી બેઠક યોજીને યોગ્ય રસ્તો કાઢવામાં આવશે. તંત્ર દ્વારા વહેલી તકે નિર્ણય લેવામાં આવશે તેવી આશા પણ તેમણે વ્યક્ત કરી છે. હાલ તો આ બંધને કારણે શહેરની આ મુખ્ય બજારમાં ખરીદી માટે આવતા ગ્રાહકોને હાલાકીનો સામનો કરવો પડી રહ્યો છે. જ્યારે વેપારીઓ તંત્ર પાસેથી સ્પષ્ટ અને કાયમી કાર્યવાહી કરવાની માંગ કરી રહ્યા છે.
