સિગ્નેચર બ્રીજ બનતા “હનુમાન દાંડી” મંદિરના દર્શન માટે પ્રવાસીઓ વધશે
વિશ્વનું એકમાત્ર મંદિર કે જ્યાં હનુમાનજી એમને પુત્ર સાથે છે બિરાજમાન
૬ વાગ્યા બાદ ફેરી બોટ બંધ થઈ જવાથી ભક્તોને દર્શનનો લાભ નતો મળતો: હવે લોકો પોતાના વાહનો થકી પહોંચી શકશે મંદિર
ઓખા અને બેટ-દ્વારકા વચ્ચે આશરે ૧૦૦૦ કરોડના ખર્ચે બનેલા સિગ્નેચર બ્રિજનું રવિવારે લોકાર્પણ છે અને આ લોકાર્પણની સાથે જ બેટ દ્વારકાના નસીબ ખુલી જશે તેમાં કોઈને શંકા નથી. અત્યારે બેટ દ્વારકામાં ઘણી સમસ્યા છે અને અહીના સ્થાનિક લોકોને એવી આશા છે કે અહી પ્રવાસીઓની અવર-જવર વધવાની સાથે જ આ સમસ્યા હળવી થઇ જશે.
બેટ દ્વારકાથી ૫ કિ.મી દૂર હનુમાનજીનું પ્રાચીન અને અતિ પ્રસિદ્ધ એવું હનુમાન દાંડી મંદિર આવેલું છે. આ વિશ્વનું એકમાત્ર એવું મંદિર છે, જ્યાં હનુમાનની સાથે સાથે તેના પુત્ર મકરધ્વજની પણ પૂજા કરવામાં આવે છે. હાલ અહી શ્રદ્ધાળુઓની સંખ્યા ઓછી છે પરંતુ સિગ્નેચર બ્રીજ બન્યા બાદ અહી ભાવિકોની સંખ્યમાં ખૂબ વધારો થશે તેવું માનવામાં આવી રહ્યું છે. અત્યારે ઓખાથી બેટ દ્વારકા જવા માટે એક માત્ર ફેરી બોટનો જ સહારો છે. જેના કારણે બેટ દ્વારકામાં રૂક્ષ્મણીજીએ બનાવેલી શ્રી કૃષ્ણની મૂર્તિના દર્શન કરવા માટે જોખમી મુસાફરી કરીને પ્રવાસીઓ આવે છે. આ ઉપરાંત અહીં સમગ્ર વિશ્વના એક માત્ર મંદિર કે જ્યાં હનુમાનજી અને તેમના પુત્ર મકરધ્વજ સાથે હોય તેવા મંદિરના દર્શન કરવામાં અવગડતા ભોગવતા હતા. જો કે હવે ઓખાથી બેટ દ્વારકા જવા માટે સિગ્નેચાર બ્રીજ બનાવવામાં આવતા અહી શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થશે.
બેટ દ્વારકાથી હનુમાન દાંડી મંદિર પાંચ કિલોમીટર દૂર આવેલું છે. અતિ પ્રાચીન આ મંદિરમાં છેલ્લા ૩૦ વર્ષથી નિ:શુલ્ક અન્નક્ષેત્ર આવલું છે. જ્યારે રહેવા માટેની પણ સુંદર વ્યવસ્થા છે આમ છતાં સુધી મંદિરમાં આવતા ભક્તોની સંખ્યા ખૂબ ઓછી હતી. તેનું કારણ અત્યાર સુધી બેટ દ્વારકા પહોંચવા માટે માત્ર ફેરી બોટ જ ચાલુ હતી. ઓખાથી બોટ મારફત બેટ દ્વારકા જેટી પહોંચીને ત્યાંથી ચાલીને દ્વારકા મંદિર આવવું પડતું હતું અને ત્યારબાદ રિક્ષામાં હનુમાન દાંડી જવું પડતું હતું.
મહત્વનું છે કે, બેટ દ્વારકામાં બોટ દ્વારા જવાતું હોય સાંજે ૬ વાગ્યા બાદ ફેરી બોટ બંધ થઈ જાય છે ત્યારબાદ શ્રદ્ધાળુઓ મંદિર સુધી પહોંચી શકતા નથી . પરંતુ હવે તા.૨૫મીએ વડાપ્રધાન દ્વારા સિગ્નેચર બ્રિજના લોકાર્પણ બાદ શ્રદ્ધાળુઓ પોતાના વાહનો લઇને બેટ દ્વારકા અને હનુમાન દાંડી મંદિર સુધી પહોંચી શકશે. જેથી શ્રદ્ધાળુઓની સંખ્યામાં વધારો થશે અને મંદિરનો પણ વિકાસ થશે. ઉપરાંત બેટ દ્વારકાના ગામનો પણ વિકાસ થશે. જેના કારણે રોજગારીની અનેક તકો પણ ઊભી થવાની શક્યતા છે.
શું તમે જાણો છે કે હનુમાનજીને એક પુત્ર પણ હતો?
ઘણા લોકોને નહી ખબર હોય કે હનુમાનજીને એક પુત્ર પણ હતો. હનુમાનજી તો બ્રહ્મચારી હતો તો પુત્ર કઈ રીતે હોય ? ધર્મશાસ્ત્રોમાં જણાવ્યા પ્રમાણે જે સમયે હનુમાનજી સમગ્ર લંકાને સળગાવી નાખી હતી. બાદમાં હનુમાનજીએ સમુદ્રના જળથી પોતાની પૂંછડીમાં લાગેલી ગાગ શાંત કરવા સમુદ્ર પર પહોંચ્યા હતા. આ દરમિયાન હનુમાનજીના પરસેવાનું એક ટીંપું પાણીમાં ટપક્યું હતું, જેને એક મગરીએ પી લીધું હતું. એ પરસેવાના ટીપાથી એ મગરી ગર્ભવતી થઈ અને એણે એક પુત્રને જન્મ આપ્યો, જેનું નામ મકરધ્વજ હતું. તે પણ હનુમાનની જેમ જ મહાન પરાક્રમી અને તેજસ્વી હતા.
શું છે હનુમાન દાંડી મંદિરનો ઇતિહાસ ?
પૌરાણિક માન્યતા પ્રમાણે ‘અહિરાવણ’ શ્રીરામ અને લક્ષ્મણને દેવીની સમક્ષ બલિ ચઢાવવા માટે પાતાળમાં લઈ ગયા હતા ત્યારે હનુમાનજી તેમને છોડાવવા માટે પાતાળમાં ગયા હતા. જ્યાં અહિરાવણના પહેરદાર હનુમાનજીનો પુત્ર મકરધ્વજ હતો. આ દરમિયાન બન્ને પિતા અને પુત્ર વચ્ચે યુદ્ધ થયું હતું. આ સમયે મકરધ્વજની માતા મકરી આવી હતી અને હનુમાનજીને કહ્યું કે તમે જેની સાથે યુદ્ધ કરો છો, તે તમારો જ પુત્ર છે. બાદમાં અહિરાવણનો વધ કરી હનુમાનજીએ ભગવાન રામ અને લક્ષ્મણને મુક્ત કરાવ્યા હતા. જ્યારે શ્રીરામે મકરધ્વજને પાતાળ લોકના અધિપતિ નિયુક્ત કર્યા હતા. આ મંદિરમાં સોપારીની માનતા રાખવામાં આવે છે. મંદિરમાં સોપારીની પૂજા કરવાથી મનોકામના પૂર્ણ થાય છે. જે મહિલાઓને પુત્ર ન થતાં હોય તેઓ અહી માનતા રાખે છે.
કઈ રીતે પડ્યું હનુમાન દાંડી નામ ?
જે જગ્યાએ મંદિર છે ત્યાં હનુમાનજી અને મકરધ્વજ વચ્ચે જે યુદ્ધ થયું હતું તે સમયે હનુમાનજી પાસે ગદા નહી પરંતુ મુગદર દંડો હતો. જેના દ્વારા જ યુદ્ધ થયું હતું.જેથી આ મંદિરનું નામ હનુમાન દાંડી પડ્યું હોવાની દંતકથા છે. જ્યારે હનુમાનજીની મૂર્તિ માનવ સ્વરૂપમાં છે અને હનુમનજી અને મકરધ્વજની મૂર્તિ સ્વયંભૂ માનવામાં આવે છે. આ મંદિરમાં હનુમાનજીની મૂર્તિ નાની અને મકરધ્વજની મૂર્તિ મોટી છે. એવું માનવામાં આવે છે કે દર વર્ષે ચોખાના દાણા જેટલી હનુમાનજીની મૂર્તિ પાતાળમાં જાય છે.