આવતીકાલે મુખ્યમંત્રી રાજકોટમાં : 194 કરોડના વિકાસકાર્યોનું ખાતમુહૂર્ત,સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાશે રાજ્યકક્ષાનો કાર્યક્રમ
આવતીકાલે રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ રાજકોટની મુલાકાતે આવી રહ્યા છે. પંચાયત વિભાગના રાજ્યકક્ષાના કાર્યક્રમનું રાજકોટમાં આયોજન કરાયું હોય રાજ્યના તમામ જિલ્લાઓ વર્ચ્યુઅલી આ કાર્યક્રમમાં જોડાશે. કાલાવડ રોડ સ્વામિનારાયણ મંદિર ખાતે આયોજિત આ કાર્યક્રમમાં રાજકોટ શહેર-જિલ્લાના કુલ 194 કરોડના 18 કામોના ખાતમુહર્ત કરાશે.
રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ આવતીકાલે ફરી એક વખત રાજકોટના મહેમાન બની રહ્યા છે. શહેરના કાલાવડ રોડ પર આવેલ સ્વામિનારાયણ મંદિરના ખાતે પંચાયત વિભાગનો રાજ્યકક્ષાનો કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો હોવાથી મુખ્યમંત્રીના આ સમારોહમાં રાજ્યભરના જિલ્લાઓ વર્ચ્યુઅલી જોડાશે. જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે, કાર્યક્રમમાં રાઘવજીભાઇ પટેલ, ભાનુબેન બાબરીયા, કુંવરજીભાઇ બાવળીયા તેમજ સાંસદો અને ધારાસભ્યો જોડાશે.
આ પણ વાંચો :રાષ્ટ્રપતિ દ્રૌપદી મુર્મુ આજે સોમનાથની મુલાકાતે : સાસણમાં કરશે સિંહદર્શન, ગીરમાં વસવાટ કરતા આદિવાસીઓને મળશે
વધુમાં જિલ્લા કલેકટર ડો.ઓમપ્રકાશે જણાવ્યું હતું કે પંચાયત વિભાગના રાજયકક્ષાના કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલના હસ્તે રાજકોટ શહેર અને જિલ્લાના અંદાજે 194 કરોડના વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે. વધુમાં રાજકોટની મુલાકાત દરમિયાન મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અંદાજે દોઢેક કલાકનું રોકાણ કરનાર હોવાથી જિલ્લા વહીવટીતંત્ર તેમજ પંચાયત વિભાગ દ્વારા તૈયારીઓ શરૂ કરવામાં આવી છે.કાર્યક્રમ દરમિયાન રાજકોટ મહાનગર પાલિકા, માર્ગ અને મકાન વિભાગ પંચાયત તેમજ સ્ટેટ તેમજ પંચાયત વિભાગના વિવિધ કામોના ખાતમુહૂર્ત કરવામાં આવશે.
