હનુમાન મઢી પાસેનું શૌચાલય 100% ‘ન્યુસન્સ’ : લોકોના ‘મત’ સાથેનો અહેવાલ પ્રસિદ્ધ થતાં જ RMC દ્વારા હટાવવાની તૈયારી શરૂ
જ્યાંથી દરરોજ હજારો નાના-મોટા વાહન પસાર થાય છે તે હનુમાન મઢી ટ્રાફિક સિગ્નલ પાસે એક દશકા કરતા વધુ સમયથી ખડકાયેલું શૌચાલય હવે ન્યુસન્સ બની ગયાનું અને સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકો માટે `સજા’ બની ગયાનો લોકોના `મત’ સાથેનો અહેવાલ `વોઈસ ઓફ ડે’ દ્વારા પ્રસિદ્ધ કરવામાં આવતા જ અધિકારીઓ તેમજ જેમના વોર્ડમાં આ શૌચાલય આવેલું છે તે વોર્ડ નં.8ના કોર્પોરેટરો એક્શનમાં આવ્યા હતા અને શૌચાલયને 100% ન્યુસન્સ ગણી તેને હટાવવા માટેની તૈયારીઓ શરૂ કરી હોવાનું જણાવ્યું હતું.

વોર્ડ નં.8ના કોર્પોરેટર અશ્વિન પાંભરે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે આ મહિનામાં જનરલ બોર્ડ મળવાનું છે તે પહેલાં જ અધિકારીઓ સાથે બેઠક કરીને આ શૌચાલયને અન્ય સ્થળે ખસેડવા અથવા તો સાવ દૂર કરી દેવા માટે તૈયારી કરી લેવામાં આવશે અને બોર્ડમાં તેને હટાવવા માટેની દરખાસ્ત પણ કરવામાં આવશે. અગાઉ છ મહિના પહેલાં પણ સેન્ટ્રલ ઝોનના ઈજનેર સહિતના અધિકારીઓ સાથે આ મુદ્દે ચર્ચા કરવામાં આવી હતી પરંતુ હજુ સુધી આ શૌચાલય શા માટે દૂર થયું નથી તેનો જવાબ પણ પૂછાશે. કોર્પોરેટરે પણ સ્વીકાર કર્યો કે આ શૌચાલય હટી જવાથી ડાબી બાજુ મતલબ કે નિર્મલા રોડ તરફ જનારા વાહનચાલકોને રાહત મળશે સાથે સાથે આસપાસના વેપારીઓ તેમજ સિગ્નલ પર ઉભા રહેતા વાહનચાલકોને દૂર્ગંધરૂપી સજામાંથી મુક્તિ મળી જશે.

આ જ પ્રમાણે વોર્ડ નં.8ના કોર્પોરેટર બીપીન બેરાએ જણાવ્યું કે સૌથી પહેલાં આસપાસના લોકોનો શૌચાલય અંગે પ્રતિક્રિયા જાણવામાં આવશે. ત્યારબાદ અધિકારીઓ સાથે બેઠક કરી શૌચાલયને અહીંથી હટાવાય તો અન્ય કઈ સ્થળે બનાવી શકાય તે અંગે ચર્ચા કરીને જનરલ બોર્ડમાં દરખાસ્ત કરી શકાય તેમ હોવાથી આ તમામ કાર્યવાહી ઝડપથી પૂર્ણ થાય તે પ્રમાણે કામગીરી કરાશે. જો ન્યુસન્સ હોય તો તેને અવશ્ય હટાવવું જ પડે અને ઉપયોગ પણ ઓછો થતો હોય તો પછી આ પ્રકારે શૌચાલય ત્યાં રાખવાની જરૂરિયાત ન હોવાનું પણ તેમણે ઉમેર્યું હતું.
જ્યારે વોર્ડ નં.8ના અન્ય કોર્પોરેટર દર્શનાબેન પંડ્યા તેમજ પ્રીતિબેન દોશીનો સંપર્ક સાધવાનો પ્રયાસ કરવામાં આવતાં થઈ શક્યો ન્હોતો.
ન્યુસન્સ જ છે તો પછી કોર્પોરેટરોએ શા માટે અત્યાર સુધી રસ ન લીધો ?
અત્રે મહત્ત્વનો પ્રશ્ન એ પણ છે કે હનુમાન મઢી ટ્રાફિક સિગ્નલ પાસેનું શૌચાલય ન્યુસન્સ હોવાનું અનેક વખત સ્થાનિક લોકો તેમજ વેપારીઓ કહી ચૂક્યા છે અને રજૂઆત પણ કરી ચૂક્યા છે છતાં કશું નિરાકરણ આવ્યું નથી. આ ઉપરાંત કોર્પોરેટર દ્વારા પણ આ મુદ્દે છ મહિના પહેલાં અધિકારીઓ સાથે બેઠક કરવામાં આવી હતી પરંતુ તે બાદ પણ કોઈ કાર્યવાહી કરાઈ નથી ત્યારે હવે આ શૌચાલય ન્યુસન્સ જ હોવાનું ખુદ કોર્પોરેટરો પણ સ્વીકાર રી રહ્યા છે ત્યારે જો શૌચાલય ન્યુસન્સ જ હતું તો પછી કોર્પોરેટરોએ શા માટે અત્યાર સુધી અંગત રસ લઈને લોકોને દૂર્ગંધમાંથી મુક્તિ ન અપાવી ? શા માટે `વોઈસ ઓફ ડે’માં અહેવાલ પ્રસિદ્ધ થયો પછી જ કાર્યવાહી કરવાની તૈયારી દર્શાવી ?
