આજે ક્રિકેટના મેદાન ઉપર ભારત-પાકિસ્તાન વચ્ચે યુદ્ધ : ‘ઓપરેશન સિંદૂર’ બાદ પહેલીવાર બન્ને વચ્ચે ટક્કર,રાજકોટ જ નહીં આખા દેશમાં રહેશે ‘ક્રિકેટ કર્ફયુ’
22 એપ્રિલ-2025નો એ દિવસ કે જ્યારે આતંકવાદીઓએ પહલગામ ઉપર કાયરતાભર્યો હુમલો કરી નિર્દોષ લોકોના જીવ હણી નાખ્યા હતા. આ પછી ભારત-પાકિસ્તાન વચ્ચે ક્યારેય ન બુરાય તેવી તીરાડ પડી ગઈ છે બરાબર ત્યારે જ એશિયા કપનો કાર્યક્રમ જાહેર થયો અને તેમાં 14 સપ્ટેમ્બરે દુબઈમાં બન્ને વચ્ચે મુકાબલો થશે તેવી જાહેરાત થતા ભારતમાં રીતસરનો રોષ ફાટી નીકળ્યો હતો અને આ મેચ કોઈ પણ ભોગે ન રમવી જોઈએ તેવી માંગ તીવ્ર બની હતી. જો કે બીસીસીઆઈ પણ `મજબૂર’ હોવાથી ટીમ ઈન્ડિયાને આ મેચ રમતી અટકાવી શકે તેવી સ્થિતિમાં ન હોવાથી હવે આજે આ બન્ને વચ્ચે જબરદસ્ત મુકાબલો થવાનો છે ત્યારે ભારતમાં ક્યારેય જોવા ન મળ્યો હોય તેવો `ક્રિકેટજુવાળ’ આ મેચ થકી જોવા મળશે તે નિશ્ચિત છે.
આતંકી હુમલા બાદ ભારતીય સેનાએ `ઓપરેશન સિંદૂર’ થકી પાકિસ્તાનના દાંત રીતસરના ખાટા કરી નાખ્યા હતા. એકંદરે આ તમામ કાર્યવાહી બાદ હવે ક્રિકેટના મેદાન ઉપર બન્ને ટીમ વચ્ચે યુદ્ધ થવાનું છે ત્યારે રાજકોટ જ નહીં બલ્કે આખા દેશમાં ક્રિકેટ કર્ફયુ લાગુ પડી જશે.
આ મેચ રવિવારે રાત્રે આઠ વાગ્યાથી દુબઈ ઈન્ટરનેશનલ ગ્રાઉન્ડ ઉપર રમાવાની છે. એશિયા કપની વાત કરવામાં આવે તો ભારતનું પલડું હંમેશા પાકિસ્તાન ઉપર ભારે રહ્યું છે. અત્યાર સુધી આ ટૂર્નામેન્ટમાં ભારત 18 વખત પાકિસ્તાન સામે ટકરાઈ ચૂક્યું છેજેમાં વન-ડે ફોર્મેટની 15માંથી આઠ મેચ તો ટી-20 ફોર્મેટની ત્રણમાંથી બે મેચ ભારતે પોતાના નામે કરી હોય ઉપરાંત આ વખતે પણ પાકિસ્તાન કરતા ભારતીય ટીમનું પલડું ભારે દેખાઈ રહ્યું હોય આ મેચ પણ ભારત જ જીતશે તેવી શક્યતા ક્રિકેટરસિકો વ્યક્તિ કરી રહ્યા છે.
આ મેચમાં ભારત વતી કેપ્ટન સૂર્યકુમાર યાદવ, હાર્દિક પંડ્યા, શુભમન ગીલ, તિલક વર્મા, શિવમ દૂબે, અભિષેક શર્મા સહિતના બેટરોની બેટિંગ તો જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી, કુલદીપ યાદવ સહિતના બોલરોની બોલિંગ ઉપર સૌની નજર રહેશે.
બીજી બાજુ પાકિસ્તાનની ટીમ ત્રિકોણિય શ્રેણીમાં યુએઈ અને અફઘાનિસ્તાન જેવી ટીમને હરાવીને આવી હોય તે ભારત જેવી બળુકી ટીમ સામે કેવું પ્રદર્શન કરે છે તે જોવું પણ રસપ્રદ બની રહેશે.
ટીમ ઈન્ડિયા
સૂર્યકુમાર યાદવ, શુભમન ગીલ, તિલક વર્મા, રિન્કુ સિંઘ, અભિષેક શર્મા, હાર્દિક પંડ્યા, શિવમ દૂબે, અક્ષર પટેલ, જીતેશ શર્મા, સંજુ સેમસન, અર્શદીપ સિંહ, કુલદીપ યાદવ, હર્ષિત રાણા, જસપ્રિત બુમરાહ, વરુણ ચક્રવર્તી
ટીમ પાકિસ્તાન
સલમાન આગા (કેપ્ટન), ફખર જમા, હસન નવાઝ, ખુશદીલ શાહ, સૈમ અયુબ, હુસેન તલટ, ફહીમ અસરફ, મોહમ્મદ નવાઝ, મોહમ્મદ હારીસ, સાહિબઝાદા ફરહાન, અબરાર અહેમદ, હારીસ રઉફ, હસન અલી, સલમાન મિર્ઝા, શાહિન આફ્રિદી, સુફિયાન મુકીમ, મોહમ્મદ વસીમ
