ઈન્દિરા સર્કલ પાસે સિટી બસના ગોઝારા અકસ્માતને આજે એક મહિનો પૂર્ણ : સિટી બસ RMC ગળાનું હાડકું બની ગઈ !
વાહનોની અવર-જવરથી રાત-દિવસ ધમધમતાં ઈન્દિરા સર્કલ પાસે 16 એપ્રિલે સવારે 9ઃ52 કલાકે સિટી બસ હેઠળ ચાર લોકો ચગદાઈ જવાની ગોઝારી દૂર્ઘટનાને આજે એક મહિનો પૂર્ણ થઈ જવા પામ્યો છે. આ દૂર્ઘટના સર્જાયા બાદ મહાપાલિકા સિટી બસનું સંચાલન કરતી એજન્સી સામે કડક હાથે કામ લેશે તેવું લાગી રહ્યું હતું અને તંત્રએ કડક બનીને સંચાલન માટે નિયમો પણ ઘડ્યા પરંતુ તે `મીસફાયર’ થયા હોય તેવી રીતે એક મહિનાની અંદર સંચાલન સુધરવાને બદલે દિવસેને દિવસે બગડી ગયું અને આજની તારીખે 234માંથી માંડ 82 જેટલી સિટી બસ જ રસ્તા ઉપર દોડી રહી છે. એકંદરે સિટી બસ હવે મહાપાલિકાના ગળાનું હાડકું બની ગઈ હોય તેવી રીતે તંત્ર ન તો તેને બહાર કાઢી શકતું કે ન તો તેને ગળી શકતું ! આ બધાની વચ્ચે મરો તો લોકોનો જ થઈ રહ્યો છે.
આવું શા માટે બની રહ્યું છે તે જાણવું પણ જરૂરી બની જાય છે. સૌથી પહેલાં વાત કરીએ તો મહાપાલિકા દ્વારા 2022માં દિલ્હી સ્થિત પીએમઆઈ એજન્સીને દસ વર્ષ માટે રાજકોટમાં બસ સંચાલનનો કોન્ટ્રાક્ટ આપવામાં આવ્યો હતો. આ પછી જેમ-જેમ બસની જરૂરિયાત વધતી ગઈ તેમ તેમ બસની સંખ્યામાં વધારો કરવામાં આવ્યો અને હાલ 234 બસ જેમાં ઈલેક્ટ્રિક, સીએનજી અને સાદી એમ ત્રણેય પ્રકારની બસ ઉપલબ્ધ છે. અકસ્માત બાદ મહાપાલિકા દ્વારા ડ્રાઈવર સહિતના માટે નિયમો બનાવતાં જ સંચાલન ખોરવાઈ ગયું હતું અને એક મહિનાની અંદર 234માંથી 82 બસ જ અત્યારે રસ્તા પર સંચાલિત થઈ રહી છે બાકીની બસ કાં તો રિપેરિંગ માટે ડેપોમાં પડી છે કાં તો તેને ચલાવવા માટે ડ્રાઈવર નથી !
કંપની દ્વારા રીતસરની દાંડાઈ કરવામાં આવી રહી હોવા છતાં મહાપાલિકા તેની સાથે કોન્ટ્રાક્ટ તોડી શકવાની સ્થિતિમાં નથી તેના પણ ઘણા બધા કારણો છે. સૌથી પહેલું કારણ એ છે કે તંત્રએ એજન્સી સાથે 10 વર્ષ સુધી બસના સંચાલનનો કરાર કર્યો છે. જો ત્રણ વર્ષ પૂર્ણ થયા કે કરાર તોડી નાખવામાં આવે તો બની શકે કે કંપની એવું કહીને કોર્ટના દ્વાર ખટખટાવે કેમ કે તંત્ર દ્વારા 10 વર્ષની જગ્યાએ ત્રણ વર્ષમાં જ કરારનો અંત લાવવામાં આવ્યો છે. જો કંપની કોર્ટનું શરણું ન લે તો પછી બીજી તકલીફ તંત્રને એ સતાવી રહી છે કે દેશમાં અત્યારે બસનું સંચાલન કરતી પાંચ જેટલી જ એજન્સી કાર્યરત છે અને આ પાંચેય એજન્સી સિન્ડીકેટ મતલબ કે એક થઈને કામ કરે છે. મહાપાલિકા પીએમઆઈ (આ સિવાય પીએમઆઈ હેઠળ વિશ્વમ અને તેના હેઠળ એમ્ફેટિક એજન્સી છે) કે જે મુળ એજન્સી છે તેની સાથે કરાર તોડવામાં આવે તો પીએમઆઈ દ્વારા અન્ય એજન્સીને રાજકોટમાં કામ ન કરવા દેવા માટે મનાવી લેવામાં આવે. જો આમ થાય તો પછી સિટી બસનું સંચાલન સાવ ખોરવાઈ જાય.
હવે જો કોઈ એજન્સી જ ન આવે તો પછી મહાપાલિકાએ સિટી બસનું સંચાલન હાથમાં લેવું પડે જે તેના ગજા બહારની વાત છે. આ વાત ખુદ મહાપાલિકાના અધિકારી સ્વીકારી રહ્યા છે સાથે સાથે એમ પણ કહી રહ્યા છે કે સિટી બસનું સંચાલન મહાપાલિકાનો વિષય જ નથી અને સંચાલન માટે મેનપાવર પણ નથી !
તંત્ર માત્ર દંડ જ વસૂલી શકે પણ તેનાથી લોકોને શું ફાયદો ?
અત્યારે મહાપાલિકા દ્વારા જેટલી બસ બંધ રહે તેટલી બસ બદલ દંડ વસૂલાઈ રહ્યો છે. આ રીતે જોવા જઈએ તો પ્રતિ બસ 10,000નો દંડ ફટકારાઈ રહ્યો હોવાથી એક મહિનાની અંદર કરોડો રૂપિયાનો દંડ લગાવાયો છે પરંતુ આ પ્રકારે દંડ વસૂલાતથી લોકોને શું ફાયદો થઈ રહ્યો છે તે જોવું પણ જરૂરી છે. દંડથી લોકોને કશો જ ફાયદો થઈ રહ્યો નથી કેમ કે બસ બંધ હોય એટલે તેમણે રિક્ષા સહિતનું મોઢે માંગ્યું ભાડું ચૂકવીને એક સ્થળેથી બીજા સ્થળે જવું પડી રહ્યું છે.
પોલીસની નજરમાં ડ્રાઈવર અને સુપરવાઈઝર જ જવાબદાર !
બીજી બાજુ અકસ્માતને અંજામ આપનાર વિશ્વમ એજન્સીના ડ્રાઈવર શીશુપાલસિંહ રાણા અને સુપરવાઈઝર કે જેણે લાયસન્સ એક્સપાયર્ડ થઈ ગયું હોવા છતાં શીશુપાલસિંહને બસ ચલાવવા દીધી તેની જવાબદારી ફિક્સ કરીને બન્નેને પકડી લેવામાં આવ્યા છે. આ સિવાય અન્ય કોઈ પણ દોષિત ન હોવાનું પોલીસ માની રહી હોવાથી હવે આ મામલે આગળ કાર્યવાહી થવાની શક્યતા ન બરાબર રહી છે.