આજે વર્લ્ડ ATC ડે : રાજકોટના એરપોર્ટ ઉપર મુંબઈ અને સુરતની ફ્લાઈટ લેન્ડ થઇ ત્યારે ATC અને પાઈલોટ વચ્ચે કેવી રીતે વાત થઇ….??
- હેલ્લો..Al-FAH, BRAH-VOH, CHAR-LEE, DELL-TAH
- પાઈલોટ ઉપરાંત એર ટ્રાફિક કંટ્રોલરના હાથમાં હોય છે મુસાફરોની સલામતિની જવાબદારી
- રાજકોટમાં તો હજુ રોજની ૧૧ ફ્લાઈટ જ છે પણ મુંબઈ જેવા શહેરમાં દર મિનિટે એક ફ્લાઈટ લેન્ડ થાય છે ત્યારે જવાબદારી વધી જાય છે
- ATCના સ્ટાફને સપ્તાહમાં ૪૨ કલાકની નોકરી અને દર બે કલાકે મેડીટેશન ફરજિયાત હોય છે
આપણે સામાન્ય રીતે પોલીસ કંટ્રોલ રૂમ, ફાયર કંટ્રોલ રૂમ કે પછી એસ.ટી.બસનો કંટ્રોલ રૂમ કેવી રીતે કામગીરી કરતો હોય છે તે જાણતા હોઈએ છીએ પણ હવામાં ઉડતા વિમાનોને કોણ અને કેવી રીતે કંટ્રોલ કરતુ હશે તેની ખબર હોતી નથી. આપણા માટે એરપોર્ટ, ટર્મિનલ, રન-વે, ફ્લાઈટ આ બધા બહુ જ ફેમીલીયર વર્ડ છે અને તેની કામગીરીની પણ ખબર હોય છે પરંતુ એરપોર્ટ ઉપર એર ટ્રાફિક કંટ્રોલર (ATC) એક એવું સ્થળ છે જેના માટે લોકોમાં હંમેશા ઉત્સુકતા રહી છે. રવિવારે વર્લ્ડ એર ટ્રાફિક કંટ્રોલર ડે છે અને આ દિવસ નિમિત્તે વોઈસ ઓફ ડેએ ATCના ટાવરમાંથી વિમાનોને કેવી રીતે કંટ્રોલ કરવામાં આવે છે એટલું જ નહી વિમાનોને કેવા સંજોગોમાં લેન્ડીંગ માટે મનાઈ કરવામાં આવે છે તે સહિતની માહિતી મેળવી છે. વોઈસ ઓફ ડેની ટીમ રાજકોટના ઇન્ટરનેશનલ એરપોર્ટ ઉપર ATC ટાવરમાં હાજર હતી ત્યારે જ મુંબઈ અને સુરતની બે ફ્લાઈટ લેન્ડ થઇ હતી અને આ આખી પ્રક્રિયા, ATCની બંને વિમાનના પાઈલોટ સાથેની વાતચીત અને લેન્ડીંગ તથા ટેઈક ઓફ સહિતની આખી પ્રક્રિયા નિહાળી હતી. પહેલી વખત કોઈ અખબારે ATCમાં હાજર રહીને આખી પ્રક્રિયા નિહાળી તેનો ચિતાર વાંચકો માટે રજૂ કર્યો છે.
આમ તો ATCની કામગીરી મુસાફરોની સલામતિ સહિતની બાબતોમાં સૌથી મહત્વની છે. તાજેતરમાં ત્રિચી એરપોર્ટ ઉપર શારજાહ જતા વિમાનની હાઈડ્રોલિક સિસ્ટમમાં ખરાબી આવી હતી ત્યારે ATCએ જે રીતે કામગીરી કરી હતી અને પાઈલોટ સાથે સંપર્ક રાખીને ફ્લાઈટનું સફળ લેન્ડીંગ કરાવ્યુ હતુ ત્યારે ATCની કામગીરીની વિશ્વભરમાં નોંધ લેવાઈ હતી.
જે રીતે કોઈ પણ વાહન રાજમાર્ગો પર દોડે છે ત્યારે તે રૂટમેપ ઉપર દોડતું હોય છે. એવી જ રીતે આસમાનમાં ફ્લાઈટ ઉડાન ભરતી હોય છે અને જે તે શહેર સુધી પહોંચે છે તેમાં એર ટ્રાફિક કંટ્રોલરનું કાર્ય નોંધપાત્ર હોય છે. સરળ શબ્દોમાં કહીએ તો પ્લેનની ઉડાન અને ઉતરાણ બન્ને માટે એટીસી એક બ્રિજ બનીને કાર્ય કરે છે. એકંદરે એર ટ્રાફિક કંટ્રોલરનું કામ પણ ન્યુરોસર્જન જેવું જ ગણી શકાય. એટીસીની કામગીરીથી લોકો અજાણ છે કારણ કે આ ખૂબ જ ટેક્નીકલ વર્ક હોવાથી સામાન્ય વ્યક્તિ તેનાથી વાકેફ હોતી નથી. રાજકોટમાં એટીસી ટાવરમાં ૧૧ સભ્યો ફરજ બજાવે છે. હાલમાં એટીસી ઈન્ચાર્જ તરીકે નીરજકુમાર અને તેમની ટીમ સુઝબુઝ અને કુનેહથી કામ કરી રહી છે જેના કારણે અત્યાર સુધીનો રેકોર્ડ છે કે રાજકોટ એરપોર્ટ પર ગંભીર દૂર્ઘટનાને અટકાવી શકાઈ છે.
એટીસીની કામગીરી પર પ્રકાશ પાડતાં જોઈન્ટ ઈન્ચાર્જ ડાયરેક્ટર મનિષકુમાર સિંઘ અને સીનિયર મેનેજર અભિષેક શ્રીવાસ્તવે જણાવ્યું હતું કે આ એર રૂટ છે કે જેમાં ઈલેક્ટ્રોનિક રેડિયો વેવ દ્વારા વિમાન માટે એર રૂટ તૈયાર કરાયો હોય છે અને આ રૂટનો ગાઈડ બને છે એટીસી વિભાગ. રાજકોટ સાથે અત્યારે અમદાવાદ, મુંબઈ, હૈદરાબાદ, દિલ્હી, પૂના, બેંગ્લોર, સુરત, ગોવા અને ઈન્દોર ઉપરાંત ચાર્ટર પ્લેન અને વીઆઈપી, વીવીઆઈપીની મૂવમેન્ટ દૈનિક રહેતી હોવાથી આ તમામ સંચાલનને કંટ્રોલ કરવાની જવાબદારી એટીસીની રહે છે. આ જવાબદારી એટલી મહત્ત્વપૂર્ણ હોય છે કે નાની અમથી ભૂલ મોટી ખુંવારી સર્જી શકે તેમ હોવાથી એટીસી વિભાગમાં કાર્યરત દરેક સ્ટાફ માટે એક એક સેક્નડ જીવનની કસોટી સમાન બની રહે છે.
હવામાન કેવું છે ? પાયલોટનો પહેલો જ પ્રશ્ન…વોઈસ ઓફ ડે' ટીમની ઉપસ્થિતિમાં બપોરે ૧૨:૧૦ વાગ્યે મુંબઈથી ઈન્ડિગોની ફ્લાઈટ રાજકોટ આવી પહોંચી હતી. જેવી રીતે રાજકોટ એટીસીના એરિયામાં આવી એટલે ફ્લાઈટના પાયલોટ દ્વારા ટ્રાફિક કંટ્રોલરને સૌથી પહેલો પ્રશ્ન
રાજકોટનું હવામાન કેવું છે, અત્યારે લેન્ડીંગ શક્ય છે કે નહીં ?, રન-વે ઉપર કોઈ પશુ તો નથી ને ?’ આ સહિતના પ્રશ્નો પૂછવામાં આવ્યા હતા. ત્યારબાદ ટ્રાફિક કંટ્રોલર દ્વારા સઘળી બાબતોની ખરાઈ કર્યા બાદ પાયલોટને તેમની ભાષામાં `ઓકે’નો જવાબ મળતાં જ પાયલોટે ફ્લાઈટ લેન્ડીંગ માટેની તૈયારી કરી લીધી હતી. જો ટ્રાફિક કંટ્રોલર દ્વારા સ્થિતિ ઠીક નથી તેવો જવાબ મળ્યો હોત તો ફ્લાઈટે હવામાં જ ચક્કર લગાવવા પડ્યા હોત અને જ્યાં સુધી સ્થિતિ ઠીક ન થાય ત્યાં સુધી હવાઈ ચક્કર લગાવ્યા બાદ પણ જો લેન્ડીંગ માટે યોગ્ય વાતાવરણ ન મળે તો પછી અન્ય એરપોર્ટ પર ફ્લાઈટને લેન્ડીંગ કરાવવી પડી હોત. આ અંગે રાજકોટ એટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે રાજકોટ સાથે કનેક્ટેડ રૂટ એટલે કે જેમ કે મુંબઈ, અમદાવાદ કે અન્ય શહેરોમાંથી ફ્લાઈટનું લેન્ડીંગ થવાનું હોય ત્યારે ૬૦ નોટિકલ માઈલ અર્થાત્ ૧.૬ કિલોમીટર દૂરથી એટીસી અને પાયલોટનું કોમ્યુનિકેશન શરૂ થઈ જાય છે. ઈલેક્ટ્રોનિક રેડિયો વેવ થકી અમે પાયલોટ સાથે કનેક્ટ હોઈએ છીએ. મુંબઈ-દિલ્હીના રૂટની ફ્લાઈટમાં સૌપ્રથમ કનેક્શન અમદાવાદ એરપોર્ટ સાથેનું હોય છે. ત્યારબાદ મહેસાણા નજીકથી રાજકોટ સાથે કોમ્યુનિકેશન શરૂ થઈ જાય છે. આ સમયે એર ટ્રાફિક કંટ્રોલર એક સેક્નડ માટે પણ સિસ્ટમ પરથી ખસી શકતો નથી. જો આંખનો પલકારો માર્યો કે નજર હટી દૂર્ઘટના ઘટી જેવી સ્થિતિ ઉભી થાય છે આથી પાયલોટની સાથે એટીસી પણ જ્યાં સુધી ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડીંગ કે ટેકઓફ ન થઈ જાય ત્યાં સુધી તે રાહતનો શ્વાસ લઈ શકતો નથી.
પાયલોટ અને કંટ્રોલર વચ્ચે `હવાઈ’ ભાષામાં થાય છે વાતચીત !!
જ્યારે કોઈ પ્લેન આકાશમાં ઉડતું હોય છે ત્યારે દરેક પરિસ્થિતિનો તાગ મેળવવા માટે પાયલોટ અને કંટ્રોલર વચ્ચે જે ભાષાથી સંકલન થાય છે તે પણ સામાન્ય ભાષા કરતા અલગ હોય છે જેને એવિએશનની ખાસ લેંગ્વેજ તરીકે ઓળખવામાં આવે છે જેના માટે વિશેષ કોડ હોય છે. આ ભાષા સામાન્ય વ્યક્તિની સમજની બહાર હોય છે. એવિએશન ભાષા માટે અમુક સમયે કંટ્રોલરને અને પાયલોટ બન્નેને ટેસ્ટ આપવા માટે હોય છે. એવિએશન લેંગ્વેજ ફેડરલ એવિએશન એડમિનિસ્ટે્રશન અમુક સમયાંતરે બદલાવ લાવતું હોય છે.
સપ્તાહમાં ૪૨ કલાક નોકરી, દર બે કલાકે મેડિટેશન
એટીસીના અધિકારીઓની નોકરી પણ તણાવ ભરેલી હોય છે. દરેક પરિસ્થિતિમાં તેમને મગજને શાંત રાખવાનું હોય છે. ડીજીસીએના નિયમ અનુસાર એક સપ્તાહમાં ૪૨ કલાક ડ્યુટી નીભાવી શકે છે. દર બે કલાકે ૩૦ મિનિટનો બ્રેક કંટ્રોલરને આપવામાં આવતો હોય છે જેમાં આ ૩૦ મિનિટના બ્રેકમાં ફોનમાં ગપગોળા કે બીજી કોઈ પ્રવૃત્તિ નહીં પણ તેને મેડિટેશન દ્વારા મગજને શાંત રાખવાનું હોય છે. અમુક સમયે સ્કીલ ટેસ્ટ પણ દરેક કંટ્રોલરને આપવા પડતા હોય છે.
સફળ ફ્લાઈટ ઓપરેશનના આ છે સુકાનીઓ
- નીરજકુમાર (ઈન્ચાર્જ જોઈન્ટ ડાયરેક્ટર)
- મનિષકુમાર સિંઘ (જોઈન્ટ ઈન્ચાર્જ ડાયરેક્ટર)
- આશિષ તીવારી (સીનિયર મેનેજર)
- અભિષેક શ્રીવાસ્તવ (સીનિયર મેનેજર)
- અમનકુમાર (મેનેજર)
- કૌશલ કમલ (મેનેજર)
- જીલ શાહ (મેનેજર)
- સુદીપકુમાર (મેનેજર)
- પ્રીતી સિંઘ (આસિસ્ટન્ટ મેનેજર)
- મનોજકુમારસિંહ (આસિસ્ટન્ટ મેનેજર)
- સૂર્યાંક રઘુવંશી કુમાર (આસિસ્ટન્ટ મેનેજર)
- શા માટે ઉજવાય છે એટીસી-ડે
હવાઈ યાત્રાને સુરક્ષિત રાખવામાં મહત્ત્વની ભૂમિકા ભજવનારા તમામ એટીસી સ્ટાફના સમર્પણ અને હાડર્વકનું સન્માન કરવા માટે દર વર્ષે ૨૦ ઑક્ટોબરે આખા વિશ્વમાં એર ટ્રાફિક કંટ્રોલર દિવસ ઉજવવામાં આવે છે. આ પ્રસંગે રાજકોટ એરપોર્ટ ઉપર કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યા છે. અહીંનો સ્ટાફ એક વર્ષમાં ૨૪ કલાકથી ૧૨૦ કલાક સુધી કામ કરે છે. પ્લેનનું લેન્ડીંગ અને ટેકઓફ જેના વગર અધૂરા છે તે એટીસી વિભાગ દ્વારા આ દિવસને યાદગાર બનાવવા માટે અનેરી ઉજવણી કરાશે. એટીસી વિભાગ દ્વારા કેકકટિંગ સાથે ઉજવણી થશે તેમજ મુસાફરી કરનારા પેસેન્જર્સને એટીસીની કામગીરી અંગે જાગૃત કરવામાં આવશે.
રિલ અને રિયલ બન્નેમાં જમીન-આસમાનનો ફરક
એટીસીની કામગીરીને ફિલ્મી સ્ટાઈલથી લોકો સામે દર્શાવવામાં આવે છે. જ્યારે આ જવાબદારી જોઈએ એટલી સરળ નથી. આ અંગે એટીસીના અધિકારીઓએ જણાવ્યું હતું કે લોકો પણ ફ્લાઈટ ઓપરેશનથી લઈ એટીસીની કામગીરીને બહુ સરળતાથી લેતા હોય છે. અમારે સુરક્ષિત સંચાલન માટે ખૂબ જ સભાનતા રાખવી પડતી હોય છે. ઘણી વખત એવું જોવા મળી રહ્યું છે કે લોકો રીલ બનાવી અને વાયરલ કરે છે જેના લીધે હોબાળો મચી જતો હોય છે ત્યારે અમે લોકોને અપીલ કરીએ છીએ કે રિયલમાં અને રિલ લાઈફમાં જમીન-આસમાનનું અંતર છે આથી આ વાતને ગંભીરતા અને વિવેકબુદ્ધિથી લોકોએ લેવી જોઈએ.
એટીસી ટાવર: ફ્લાઈટ ઓપરેશન માટેનું કાઉન્ટડાઉન શરૂ
બપોરે ૧૨:૧૦ વાગ્યે મુંબઈની ઈન્ડિગો ફ્લાઈટના લેન્ડીંગની તૈયારી
એર ટ્રાફિક કંટ્રોલરનું પાયલોટ સાથે કમ્યુનિકેશન
ફ્લાઈટનું સફળતાપૂર્વક લેન્ડીંગ
એટીસીના રેડિયો ઈલેક્ટ્રોનિક વેવ અને અન્ય સાધનો
એટીસીના ડેપ્યુટી જોઈન્ટ ડાયરેક્ટરે જણાવ્યું હતું કે એટીસીની મુખ્ય ભૂમિકા આકાશમાં બે પ્લેન વચ્ચે બને એટલી ઓછી જગ્યા રાખવી અને બન્ને વચ્ચે ટક્કર પણ ન થાય તે ખાસ ધ્યાન રાખવાની હોય છે. રોડની જેમ હવે આકાશમાં પણ ફ્લાઈટની સંખ્યામાં વધારો થવાને કારણે ટ્રાફિક વધી રહ્યો છે આથી ટ્રાફિક કંટ્રોલરની ભૂમિકા આકાશમાં ફ્લાઈટને સિક્યુરિટી પૂરી પાડવાની રહે છે. વધુમાં તેઓએ કહ્યું હતું કે બને એટલા પ્લેન સમયસર અને સુરક્ષિત રીતે ઉડાન ભરે તે કામ જોવાનું કામ અમારા માટે અગત્યનું છે. રાજકોટમાંથી ૧૧ ફ્લાઈટ ઉડાન ભરે છે પરંતુ રાજકોટનો સ્કાયમેપ પણ વ્યસ્ત રહ્યો છે કારણ કે કચ્છ, ભૂજ, કંડલા, કેશોદ, પોરબંદર, જામનગર, ભાવનગર એરપોર્ટ પરથી ઉડાન ભરતી ફ્લાઈટ રાજકોટના આકાશમાંથી પસાર થાય છે.