આજે દશેરા : રાજકોટવાસીઓએ માણી ફાફડા-જલેબીની જ્યાફત, સાંજે 54 ફૂટ ઊંચા રાવણના પૂતળાનું દહન
આજે 2 ઓક્ટોબરે ગાંધી જયંતી અને વિજયાદશમી એટલે કે દશેરાનો તહેવાર સાથે છે. આ પર્વ નિમિત્તે પરંપરા અનુસાર, રાજકોટવાસીઓ સવારે ફાફડા-જલેબી તથા અવનવી મીઠાઈ ખાઈને ઉજવણી કરી રહ્યા છે. વહેલી સવારથી જ ફરસાણની દુકાન પર લાંબી લાઈનો લાગી છે. એટલે જ તો કહેવાય છે કે દશેરા એટલે ગુજરાતીઓ માટે ફાફડા-જલેબી ખાવાનો પર્વ. તેમજ આજે સાંજે ર7 વાગ્યે રાજકોટના રેસકોર્સમાં રાજ્યના સૌથી ઊંચા રાવણના પુતળાનું દહન થશે.આ રાવણદહન જોવા માટે સાંજે રેસકોર્સમાં મોટી સંખ્યામાં લોકો એકત્ર થાય છે. આ વખતે ઉત્તરપ્રદેશના કારીગરોએ 54 ફૂટ ઊંચુ રાવણનું પુતળું બનાવ્યું છે. રાવણ ઉપરાંત કુંભકર્ણ ( 45 ફૂટ) અને મેઘનાદ ( 40 ફૂટ) ના પુતળા પણ બનાવાયા છે.

વિશ્વ હિંદુ પરિષદ દ્વારા પુતળા દહન ઉપરાંત શસ્ત્રપૂજા અને આતશબાજી જેવા કાર્યક્રમો પણ થશે. આ વર્ષે દશેરાનો પવિત્ર તહેવાર રવિ યોગ અને ઉત્તરાષાઢા નક્ષત્રના શુભ સંયોગ સાથે આવ્યો છે. દર વર્ષે આસો મહિનાના શુક્લ પક્ષની દશમી તિથિએ ઉજવાતુ આ પર્વ સત્ય અને ધર્મના વિજયનું પ્રતીક છે. આ દિવસે વિજય મુહૂર્ત દરમિયાન શસ્ત્રોની પૂજા કરવાનો અને સાંજે રાવણનું દહન કરવાનો રિવાજ છે.

પૌરાણિક માન્યતાઓ અનુસાર, ભગવાન શ્રી રામ અને રાવણ વચ્ચેનું યુદ્ધ દસ દિવસ સુધી ચાલ્યું હતું અને દશમા દિવસે, એટલે કે આસો મહિનાના શુક્લ દશમીના દિવસે, ભગવાન શ્રી રામે રાવણનો સંહાર કર્યો હતો. આ વર્ષે દશમી તિથિ 1 ઓક્ટોબરના રોજ સાંજે 7:01 વાગ્યે શરુ થઇ ગઈ છે અને તે 2 ઓક્ટોબરના રોજ સાંજે 7:10 વાગ્યે સમાપ્ત થશે. ઉદયતિથિના આધારે, દશેરાનો તહેવાર 2 ઓક્ટોબર, ગુરુવારે ઉજવાશે અને એ જ દિવસે સાંજે રાવણ દહનનો કાર્યક્રમ યોજાશે.

