આજે ગુજરાતનું બજેટ જૂના તમામ રેકોર્ડ તોડી નાંખશે
નાણામંત્રી કનુભાઈ દેસાઈ નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે.
બજેટમાં દેખાશે લોકસભાની ચૂંટણીની છાંટ
રામ મંદિર માટે આવશે પ્રસ્તાવ
ગુજરાત વિધાનસભાનું બજેટ સત્ર શરૂ થયું છે અને શુક્રવારે સરકાર અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ રજૂ કરશે. આ સાથે સરકારે બજેટ સત્રમાં રામ મંદિરને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરવાની પણ તૈયારી કરી છે.આજે રાજ્યપાલના ભાષણ સાથે સત્રનો પ્રારંભ થયો હતો અને એ પૂર્વે પાછલા સમયમાં જેમનું નિધન થયું છે તેવા પૂર્વ ધારાસભ્યો માટે શોક પ્રસ્તાવ રાખવામાં આવ્યો હતો.
નાણામંત્રી કનુ દેસાઈ 2નાણાકીય વર્ષ 2024-25નું બજેટ રજૂ કરશે. એવું કહેવાય છે કે પાછલા વર્ષોની સરખામણીમાં આ અત્યાર સુધીનું સૌથી મોટું બજેટ હશે. લોકસભા ચૂંટણી પહેલા આયોજિત આ બજેટ સત્ર 29 ફેબ્રુઆરી સુધી ચાલશે. એક મહિના સુધી ચાલનાર બજેટ સત્ર દરમ્યાન 26 બેઠકો યોજાશે. બજેટમાં મહિલાઓ, યુવાનો અને નોકરીયાત લોકો માટે મહત્વની જાહેરાતો થઈ શકે છે. રાજ્ય સરકાર દ્વારા કેટલાક મહત્વના પ્રોજેક્ટની જાહેરાત કરવામાં આવે તેવી પણ શક્યતા છે.
રાજ્યના સંસદીય બાબતોના મંત્રી કમ પ્રવક્તા મંત્રી ઋષિકેશ પટેલે જણાવ્યું હતું કે આ સત્રમાં સરકાર અયોધ્યામાં રામ મંદિરના પ્રાણ પ્રતિષ્ઠાને લઈને અભિનંદન પ્રસ્તાવ રજૂ કરશે. તેમણે કહ્યું કે બજેટ રજૂ થશે જે આગામી 25 વર્ષના રોડ મેપ સાથેનું બજેટ હશે જેમાં સરકારનું વિઝન જોવા મળશે.
ગુજરાત સરકાર છેલ્લા ઘણા સમયથી બજેટમાં સતત વધારો કરી રહી છે જેનો લાભ લોકોને સીધો મળી રહ્યો છે. એવામાં હવે માનવામાં આવે છે કે આ વખતે લોકસભા ચૂંટણીને ધ્યાનમાં રાખીને રાજ્ય સરકાર કેટલીક મોટી જાહેરાતો કરી શકે છે.
