રાજકોટમાં વધુ પાણી ખેંચવા-લાઈનને સાચવવા’ કરોડો રૂપિયાનું ‘પાણી’ કરાશે ! સ્ટેન્ડિંગની બેઠકમાં દરખાસ્ત મંજૂર
રાજકોટ મહાપાલિકાની સ્ટેન્ડિંગ કમિટીની મિટિંગમાં આજે 81કરોડના વિકાસકામ મંજૂર કરવામાં આવ્યા હતા. ત્યારે વાત કરીએ રાજકોટની વસતી અને વિસ્તાર બન્નેમાં વધારો થઈ રહ્યો છે જેના કારણે જળમાંગમાં દિવસેને દિવસે વધારો થઈ જતા તંત્ર દ્વારા મર્યાદિત જળસ્ત્રોત વચ્ચે પણ અન્ય ‘રસ્તા’ કાઢવાનું શરૂ કરવામાં આવ્યું છે ત્યારે ડેમમાંથી વધુ પાણી ખેંચવા તેમજ પીવાનું પાણી પૂરું પાડતી લાઈનને `સાચવવા’ માટે કરોડો રૂપિયાનો ખર્ચ કરવાની દરખાસ્ત પર આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે અને દરખાસ્ત મંજૂર કરવામાં આવી છે. આશ્ચર્યજનક રીતે આ બન્ને કામ માટે 28.32%થી લઈ 54% સુધીની `ઓન’ મતલબ કે કુલ ખર્ચના અંદાજ કરતા વધુ ખર્ચ આવતા તંત્ર પાસે પૈસાનું `પાણી’ કરવા સિવાય કોઈ રસ્તો બચશે નહીં.
મહાપાલિકા દ્વારા ન્યારી-1 ડેમ ખાતે હાલ 195 એમએલડીની ઈન્ટેક વેલ કાર્યરત છે ત્યારે આ ડેમમાંથી વધુ પાણી ખેંચી શકાય તે માટે વધારાની 150 એમએલડીની ઈન્ટેક વેલ બનાવવા તેમજ તેનું ઓપરેશન અને મેઈન્ટેનન્સ કામ સોંપવા માટેની દરખાસ્ત સ્ટેન્ડિંગ કમિટીને મોકલવામાં આવી છે. આ માટે પ્રથમ પ્રયત્નની ટેન્ડર પ્રક્રિયામાં ફિનિક્સ પ્રોજેક્ટ પ્રા.લિ. નામની એજન્સીએ કુલ 17.06 કરોડના આ કામ માટે 67.67% વધુ ભાવ ભરતા રિ-ટેન્ડર કરવામાં આવ્યું હતું. એકંદરે ચાર વખત પ્રયત્ન કર્યા બાદ ફિનિક્સ પ્રોજેક્ટ પ્રા.લિ.એ કુલ ખર્ચના 28.32% વધુ રકમથી કામ કરવા તૈયારી દર્શાવતા હવે 17 કરોડનું કામ 21 કરોડના ખર્ચ ફિનિક્સ એજન્સીને આપવા દરખાસ્ત કરાઈ છે જેના પર આજે નિર્ણય લેવાયો છે
આ ઉપરાંત 2025-26ના વર્ષ માટે વેસ્ટ+ન્યારી ઝોન, સેન્ટ્રલ+ભાદર ઝોન, ઈસ્ટ ઝોન અને ન્યારા-હડાળા-બેડી ઝોનના પમ્પીંગ સ્ટેશન તેમજ ફિલ્ટર પ્લાન્ટમાં પાઈપ લાઈન તેમજ શહેર વિસ્તારની મુખ્ય પાઈપ લાઈનના મેઈન્ટેનન્સ અને નવી પાઈપ લાઈન નાખવાના કામ માટે કરાયેલી ટેન્ડર પ્રક્રિયામાં અધધ 36%થી લઈ 54% સુધીની `ઓન’ સાથે કામ આપવા દરખાસ્ત કરવામાં આવી હતી.
આટલી બધી `ઓન’ આવવાનું કારણ શું ?
પાણી વિતરણ તેમજ સંગ્રહને લગત કોઈ કામ હોય એટલે તેમાં તોતિંગ `ઓન’ આવી રહી હોવાથી આ પાછળનું કારણ શું હશે તેના વિશે વોટર વર્કસ વિભાગના ઈન્ચાર્જ એડિશનલ સિટી ઈજનેર (સેન્ટ્રલ ઝોન) કે.પી.દેથરિયાને પૂછવામાં આવતા તેમણે જણાવ્યું હતું કે ઉપરોક્ત બન્ને દરખાસ્તમાં `ઓન’ આવવા પાછળ ગમે ત્યારે ખોટકો સર્જાય એટલે દોડવાનું હોવાને કારણે એજન્સી દ્વારા વધુ રકમ માંગવામાં આવી રહી છે મતલબ કે 24 કલાક દરમિયાન ગમે ત્યારે લાઈન લીકેજ થાય, લાઈન તૂટે, વાલ્વમાં ખરાબ આવવા સહિતની કોઈ પણ સમસ્યા સર્જાય એટલે એક ફોનથી એજન્સીએ દોટ મુકવાને લીધે `ઓન’ સાથે ભાવ ભરવામાં આવે છે.
