વાજડીગઢ-વેજાગામની ત્રણ ટીપી સ્કીમ સરકારમાં રવાના : હવે ખોખડદડનો ‘વારો’, ટાઉન પ્લાનિંગ સ્કિમના ડ્રાફ્ટની તૈયારી
શુક્રવારે રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ની 179મી બોર્ડ બેઠક મળી હતી જેમાં વાજડીગઢ-વેજાગામની ત્રણ ટાઉન પ્લાનિંગ સ્કીમ માટે આવેલા વાંધા-સુચન મુદ્દે ચર્ચા કર્યા બાદ સરકાર તરફ મંજૂરી માટે રવાના કરી દેવામાં આવી હતી. આ ત્રણ ટાઉન પ્લાનિંગ સ્કીમની મંજૂરી આવે તે પહેલાં ‘રૂડા’ દ્વારા ખોખડધડમાં પણ ટાઉન પ્લાનિંગ સ્કિમના ડ્રાફ્ટની તૈયારી શરૂ કરવામાં આવ્યાનું જાણવા મળ્યું હતું.
બોર્ડ બેઠકમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.80 (વાજડીગઢ-વેજાગામ), ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.૮૧ (વેજાગામ) અને ટાઉન પ્લાનિંગ સ્કીમ નં.82 (વેજાગામ) માટે આવેલા વાંધા-સુચન તેમજ રજૂઆતો અંગે ચર્ચા કર્યા બાદ ત્રણેય સ્કીમને મંજૂરી માટે સરકારમાં મોકલવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો.
છ મહિનાની અંદર જ મંજૂરી મળી જાય તેવી શક્યતા રહેલી છે. અધિકારી સૂત્રોએ જણાવ્યું કે આ ત્રણેય સ્કીમમાં વધુ કોઈ વાંધા-સુચન કે રજૂઆત ન હોવાને કારણે તેને છ મહિનાની અંદર મંજૂરી મળી શકે છે. જ્યારે વધુ વાંધા-સુચન કે રજૂઆત હોય તો એક વર્ષ કરતા પણ વધુ સમય લાગી જતો હોય છે. બીજુ બાજુ વેજાગામ-વાજડીગઢ ટીપી સ્કીમને મંજૂરી મળે તે દરમિયાન ખોખડદડમાં ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરવાનો ધમધમાટ શરૂ કરી દેવામાં આવ્યો છે.
