અમદાવાદમાં 12 કલાકમાં મહિલા સહિત ત્રણની હત્યા
શહેરમાં 12 કલાકમાં ત્રણ હત્યાની ઘટના બની છે. જેમાં બે યુવાનો અને એક મહિલાનું મોત નીપજ્યુ છે. એક હત્યા શહેરના ઓળખ સમા રિવરફ્રન્ટ પર થઇ છે. જ્યારે વટવા વિસ્તારમાં મહિલાની હત્યા કરવામાં આવેલા છે.
અમદાવાદની ઓળખ બની ગયેલું રિવરફ્રન્ટ હવે જાણે કે, ગુનાખોરીનું હબ બની રહ્યું હોય તેમ લાગી રહ્યું છે. ગત મોડી રાત્રે દધીચિ બ્રિજ નજીક ફાયરિંગ કરી ને યુવક ની હત્યા કરી દેવા માં આવી છે. જો કે પોલીસ ને જાણ થતાં જ ક્રાઇમ બ્રાન્ચ સહિત પોલીસ કાફલો ઘટના સ્થળે પહોંચી ને વધુ તપાસ શરૂ કરી છે.
રિવરફ્રન્ટ પર હત્યા
આજે વહેલી સવારે રિવરફ્રન્ટ પશ્ચિમ વિસ્તારના દધીચિ બ્રિજ નીચે લોહી લુહાણ હાલમાં યુવકનો મૃતદેહ હોવાની જાણ થતાં જ રિવરફ્રન્ટ વેસ્ટ પોલીસ તાત્કાલિક ઘટના સ્થળે પહોંચી હતી. પોલીસે તપાસ કરતા યુવકના છાતીના ભાગે ગોળી વાગેલાનું નિશાન મળી આવ્યું હતું. જેથી ફાયરિંગ કરીને યુવકનું હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. જોકે, યુવક પાસેથી એક મોબાઈલ ફોન અને ચાવીનું ઝૂમખું મળી આવતા પોલીસે આસપાસ તપાસ કરી હતી. જ્યાંથી યુવકનું વાહન મળી આવ્યું હતું. જેમાં તપાસ કરતા કેટલાક દસ્તાવેજો મળી આવ્યા હતા. જેના આધારે પોલીસે યુવકની ઓળખ કરી હતી. મૃતક યુવકનું નામ સ્મિત ગોહેલ અને ચાંદલોડિયાનો રહેવાસી હોવાનુ સામે આવ્યું છે. સમગ્ર ઘટનાની જાણ થતાં જ ક્રાઈમ બ્રાન્ચનો કાફલો પણ ઘટના સ્થળે પહોંચ્યો હતો.
હાલ પોલીસે મૃતક યુવકના પિતાની ફરિયાદ નોંધીને આરોપીઓ સુધી પહોંચવા માટે અલગ અલગ ટીમો બનાવીને તપાસ શરૂ કરી છે. આ હત્યા કોણે અને શા માટે કરી. હત્યા ક્યારે કરવામાં આવી અને યુવક રિવરફ્રન્ટ કોની સાથે આવ્યો હતો. યુવક ને કોઈ ની સાથે અદાવત હતી કે કેમ. આ અલગ અલગ મુદ્દા ઓને લઈ ને પોલીસ એ વધુ તપાસ હાથ ધરી છે.
અંગત અદાવતમાં હત્યા
શાહપુર પોલીસ સ્ટેશનની હદમાં પણ મર્ડરનો એક બનાવ સામે આવ્યો છે. આજે સવારના 09:30 ની આસપાસ અંગત અદાવતમાં હત્યા થઇ હોવાની સામે આવી છે. મિર્ઝાપુર કુરેશ હોલ પાસે ઉપરાછાપરી તીક્ષ્ણ હથિયારના ધા મારીને યુવાનની હત્યા નીપજાવવામાં આવી છે. 24થી 25 વર્ષીય બિલાલનું અંગત અદાવતમાં મર્ડર થયાનું ચર્ચાઇ રહ્યુ છે.
મહિલાનું ગળુ દબાવીને મોત
આજે આશરે રાતના સાડા બાર કલાકની આસપાસ વટવા વસંત ગજેન્દ્ર ગડકર નગર ચાર માળીયામાં રહેતા 21 વર્ષની આફરીનબાનુનું અન્ય મહિલાએ ગરદન દબાવીને મોત નીપજાવ્યુ છે. જ્યારે તેમના પતિને માર પણ માર્યો હોવાનું સામે આવ્યું છે. અન્ય ઘરમાં રેહતા લોકોએ મૃતક સાથે બોલાચાલી કરીને કહ્યુ હતુ કે, મોટેમોટેથી વાતો કરવાથી મારા બાળકો જાગી ગયા છે તેમ કહીને અપશબ્દો બોલીને મારામારી કરી હતી. આ દરમિયાન પાડોશમાં રહેતા આરોપી મુસ્કાનબાનુએ આફરીનબાનુના ગળે હાથની આંટી મારીને ગરદન દબાવીને મોત નીપજાવ્યુ છે.