રાજકોટ-અમદાવાદ હાઈવે ઉપર બન્ને બાજુ હજારો વૃક્ષો વવાશે : આજે રાજ્ય સરકાર અને સદ્ભાવના ટ્રસ્ટ વચ્ચે MOU થશે
રાજકોટ-અમદાવાદ સિક્સ લેન હાઈ-વેનું કામ ઘણા ખરા અંશે પૂરી થઇ ગયું છે અને હવે તેને આનુસંગિક કામગીરી શરુ થશે. રાજ્ય સરકારે ૨૨૫ કિલોમીટર લાંબા આ હાઈ-વેની બંને બાજુ હજારોની સંખ્યામાં વૃક્ષો વાવવાનો નિર્ણય લીધો છે અને આ માટેની કામગીરી રાજકોટના સદભાવના ટ્રસ્ટને સોંપી છે. આ માટે રવિવારે રાજ્ય સરકાર અને રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ વચ્ચે એક એમ.ઓ.યુ.પણ સાઈન થશે. આ પછી પહેલી ડિસેમ્બરથી વૃક્ષો વાવવાની કામગીરી શરુ થશે.
રાજ્ય સરકારે રાજકોટ-અમદાવાદ હાઈ વે ઉપરાંત દ્વારકાથી સોમનાથ સુધીના 200 કિલોમીટરના કોસ્ટલ હાઈવે પર 40,000 વૃક્ષો વાવવા માટે પણ ગ્રીન ડ્રાઈવ શરૂ કરી છે. અને આ માટે પણ સદ્ભાવના ટ્રસ્ટ સાથે ભાગીદારી કરી છે, જે ત્રણ વર્ષ સુધી આ વૃક્ષો વાવવા અને તેનું જતન કરવા માટે જવાબદાર રહેશે. પ્રોજેક્ટનો હેતુ ગ્રીન કવરને વધારવા અને હરિયાળા પર્યાવરણને પ્રોત્સાહન આપવાનો છે.
એક ઉચ્ચ અધિકારીએ કહ્યું હતું કે, વૃક્ષના ઉછેરનો દર ૧૦૦ ટકા રહેવો જોઈએ. જો કોઈ એક વૃક્ષ પણ ફેઈલ જશે તો સદભાવના ટ્રસ્ટ નવું વાવી આપશે તેવો કરાર કરવામાં આવશે. હાઈ-વે ઉપર મહદઅંશે વડ અને પીપળના વૃક્ષ વાવવામાં આવશે. આ બંને વૃક્ષની આવરદા લાંબી હોય છે.
આ યોજના હેઠળ સદ્ભાવના ટ્રસ્ટને છ કરોડ રૂપિયા ચૂકવવવામાં આવશે. એમ.ઓ.યુ.ની શરતો અનુસાર, હાઈ-વે ઉપર દર ૧૦ મીટરના અંતરે એક ટ્રી-ગાર્ડ સાથેનું વૃક્ષ વાવવાનું રહેશે. આ પ્રોજેક્ટ ૩ વર્ષનો છે અને આ ત્રણ વર્ષ દરમિયાન વૃક્ષને પાણી પીવડાવવાની જવાબદારી પણ સદ્ભાવના ટ્રસ્ટની રહેશે.
સામાજિક વનીકરણ વિભાગના મુખ્ય વન સંરક્ષક એ.પી.સિંઘે કહ્યું હતું કે, આ આખા પ્રોજેક્ટને હરિત વન પથ યોજના હેઠળ આવરી લેવામાં આવ્યો છે. તબક્કાવાર સમગ્ર રાજ્યમાં હાઈ-વેણી બંને બાજુએ આ પ્રકારે હરિયાળી કરવામાં આવશે. અત્યાર સુધી માત્ર વન વિભાગ દ્વારા વૃક્ષારોપણ કરવામાં આવતું હતું પરંતુ હવે ખાનગી ટ્રસ્ટ દ્વારા પણ કરવામાં આવનાર છે.
અત્રે ઉલ્લેખનીય છે કે, અત્યાર સુધી વન વિભાગ દ્વારા હાઈ-વે ઉપર વૃક્ષો વાવવામાં આવતા હતા પરંતુ યોગ્ય મેઈન્ટેનન્સના અભાવે તેનો સર્વાઈવલ રેશિયો ૫૦ ટકા જેટલો જ હતો.
સદ્ભાવના ટ્રસ્ટના પ્રમુખે શું કહ્યુ ?
સદ્ભાવના ટ્રસ્ટના પ્રમુખ વિજયભાઈ ડોબરિયાએ વોઈસ ઓફ ડેને કહ્યું હતું કે, રવિવારે સદ્ભાવના ટ્રસ્ટ અને રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ વચ્ચે એમ.ઓ.યુ. સાઈન થવાના છે અને આ પછી અમે ડિસેમ્બરથી વૃક્ષારોપણની કામગીરી શરુ કરશું.