આવું તો રાજકોટમાં જ હોય : ફૂટપાથ ઉપર અને સાઇકલ વે પર સ્કૂટર તો ઠીક, કાર પણ ચલાવવાની છૂટ !! ફકત હાઇવે પર જ નહિ, શહેરના દરેક ચોકમાં બ્લેક સ્પોટ છે
- રામાપીર ચોકડીથી માધાપર ચોકડી અથવા રૈયા સર્કલથી ટેલિફોન એક્સચેન્જ સર્કલ સુધી પિક અવર્સમાં નીકળવાથી સાઇકલ વેની હાલત ખબર પડશે
રાજકોટ
માલિયાસણ પાસે મંગળવારે બનેલી અમંગળ ઘટનામાં છ છ નિર્દોષ નાગરિકોને તંત્રના પાપે ભ્રષ્ટાચારના દાવાનળમાં પોતાની જિંદગી હોમી દેવી પડી. નિયમ એમ કહે છે કે બ્લેક સ્પોટ એટલે એવી જગ્યા જ્યાં ત્રણ વર્ષમાં પાંચથી વધુ અકસ્માત થયાં હોય અને ૧૦ થી વધુ લોકોના મોત નીપજ્યા હોય. કેટલી સસ્તી જિંદગી! આ નિયમ પરથી એટલું જ સ્પષ્ટ થાય છે કે આપણે ડેમેજ એનાલીસિસ એટલે કે નુકસાનીનું વિશ્લેષણ કરીએ છીએ, એ પણ નુકસાન થઈ ગયાં બાદ! ડેમેજ પ્રિવેંશન એટલે કે નુકસાન પૂર્વેના નિવારક પગલાં લેવામાં આપણે સદંતર નિષ્ક્રિય અને નિષ્ફળ છીએ, પ્રજા તરીકે અને તંત્ર તરીકે પણ!

જો તંત્રને નિવારક પગલાં લેવા હોય તો શહેરના દરેક ચોકની ફકત ચોવીસ કલાકની વિડિયોગ્રાફી કરાવે તો પણ ત્રણ ગંભીર પરિસ્થિતિઓ જેવી કે, ૧. નાગરિકોની નિયમ પાલનમાં બેદરકારી, ૨. તંત્રની નિષ્ક્રિયતા અને ૩. શહેરની માળખાકીય ખામીઓ, પુરાવા રૂપે ઓન રેકોર્ડ એમની પાસે આવે અને એનું તત્કાળ વિશ્લેષણ કરીને યોગ્ય કાર્યવાહી કરી શકાય. પણ કોણ કોનું સાંભળે?

વિડિયોગ્રાફી કર્યા વગર પણ આ ત્રણેય પરિસ્થિતિ, હકીકતમાં જોવી હોય તો એવા ઉદાહરણો પણ મોજૂદ છે.
(૧)નાગરિકોની નિયમ પાલનની બેદરકારી જોવી હોય તો શહેરના કોઈ પણ ચોકમાં પહોંચી જાવ અને જુઓ કેવી રીતે બેફિકરાઈથી રોંગ સાઈડમાં વાહનો ચાલે છે તે, જુઓ કેવી રીતે ડાબી તરફ વળવાવાળાની આડા બ્લોક કરીને વાહનો રાખવામાં આવે છે તે, જુઓ કેવી રીતે બિન્દાસ રેડ સિગ્નલ તોડીને વાહનો નીકળે છે તે, જુઓ કેવી રીતે ગ્રીન સિગ્નલ વખતે પણ પોતાના અને વાહન ચાલકોના જીવની પરવા કર્યા વિના લોકો બિન્દાસ રસ્તો ઓળંગતા હોય છે તે!

(૨)તંત્રની નિષ્ક્રિયતા જોવી હોય તો રૈયા સર્કલ સહિતના કોઈ પણ ચોકમાં પહોંચી જવું. પિક અવર્સમાં પણ ત્યાં કોઈ ટ્રાફિક પોલીસ કે ઈવન વોર્ડનની હાજરી જોવા નહિ મળે, અમુક ચોકમાં ટ્રાફિક પોલીસ હાજર હશે તો પણ મોબાઈલમાં ગૂંથાયેલી જોવાં મળશે. એક સમય હતો જ્યારે ટ્રાફિક પોઇન્ટ પર હાજર સ્ટાફને મોબાઈલ વાપરવાની છૂટ નહોતી, ટ્રાફિકનો હવાલો સંભાળતા જોઇન્ટ કમિશ્નર સિદ્ધાર્થ ખત્રી જેવા કડક અધિકારી પોતાની ચેમ્બરમાં સીસીટીવીથી દરેક ચોકનું નિરીક્ષણ કરતાં અને જો કોઈ વોર્ડન મોબાઈલ પર વ્યસ્ત જોવાં મળે તો ત્યારે જ જે તે ઝોનના પીઆઈને ફોનમાં સૂચના આપીને વોર્ડનને ઘરભેગો કરી દેવાતો.
(૩)શહેરની માળખાકીય ખામીઓ માટે જવાબદાર અધિકારીઓ વિશે તો TRP કાંડ બાદ સહુ માહિતગાર છે જ. આ ખામીઓમાં સૌથી મોટી માથાના દુઃખાવા જેવી ખામી હોય તો તે ૧૫૦ ફૂટ રીંગ રોડ પર મલ્ટી-લેન રોડ બનાવેલો છે તે છે. આ તંત્રની મોટામાં મોટી ભૂલ છે કે જેને વર્ષો પછી પણ ન તો જાગૃત નાગરિકો સુધરાવી શક્યાં છે કે ન તો તંત્ર પોતે જેને સુધારવામાં રસ લઈ રહ્યું છે. આખા ૧૫૦ ફૂટ રીંગ રોડ પર ‘સાઇકલ વે’ બનાવીને ક્યારેય દૂર ન થાય એવાં દબાણને અને ટ્રાફિકની અરાજકતાને જન્મ આપવા માટે તંત્ર જ જવાબદાર છે. ખાતરી કરવી હોય તો રામાપીર ચોકડીથી માધાપર ચોકડી અથવા રૈયા સર્કલથી ટેલિફોન એક્સચેન્જ સર્કલ સુધી પિક અવર્સમાં નીકળી જોજો. ફૂટપાથ અને સાઇકલ વે પરથી ટુ વ્હીલર અને ફોર વ્હીલર ગમે તેમ કરીને રસ્તો કરીને સિગ્નલ સુધી પહોંચતા જોવાં મળશે. જો ‘સાઇકલ વે’ પર સાઇકલ સિવાયના જ વાહનો વર્ષોથી ચાલતાં હોય તો એ ‘સાઇકલ વે’ ને દૂર કરો ને! છાતી ઠોકીને કહું છું કે રાજકોટની સાઇકલ ક્લબોના સાઈકલિસ્ટો પણ આ પુણ્યકાર્ય માટે વિરોધ નહિ જ કરે. ‘સાઇકલ વે’, તત્કાલીન મ્યુનિ. કમિશ્નર પરદેશ જઈને શીખી આવેલા અને એમના તરંગ પર આધારિત આ ડિઝાઇન છે. આ નેધરલેન્ડ નથી કે આપણે સાઇકલ સવારોની સગવડ સાચવીએ એટલી જગ્યા આપણી પાસે હોય. જ્યારે જરૂરિયાત જ પૂરી થતી નથી ત્યાં વૈભવ કેવી રીતે ભોગવી શકાય?

જો આપણે પ્રજા તરીકે સક્રિય હોત તો બીજાંને નડીએ એ રીતે વાહન જ ન ચલાવતાં હોત, જો આપણે પ્રજા તરીકે ભ્રષ્ટ ન હોત તો ખોટી રીતો અપનાવીને ડ્રાઇવિંગ લાઇસન્સ જ ન લેતાં હોત, જો આપણે જવાબદાર નાગરિક અને પ્રામાણિક ટ્રાફિક પોલીસ હોત તો ટ્રાફિકના નિયમોનું ચુસ્ત પાલન કરતા અને કરાવતા હોત.

જો આપણે તંત્ર તરીકે સક્રિય હોત, નોકરી ઈમાનદારીથી કરતાં હોત તો જ આપણામાં નિયમોનું ચુસ્ત પાલન કરાવવાનું ઝમીર અને ખમીર હોત અને આપણાં એકલ દોકલ પોલીસમેનને લુખ્ખાઓ મારી ન જતા હોત!
જો આપણે માળખાકીય ખામીઓ સુધારવા માંગતા હોત તો જ્યાં સર્કલથી ચાલતું હોત ત્યાં લોકોના સમય અને પેટ્રોલની બરબાદી કરતા ટ્રાફિક સિગ્નલ ન બનાવત, પ્રજાને રોજેરોજ પડતી હાલાકી દૂર કરવામાં નિષ્ક્રિય ન હોત, પ્રજાનો અવાજ નિયમિત સાંભળવા અધિકારીઓ અને પદાધિકારીઓને ફરજ પાડતાં હોત!પણ ના, આપણે નાગરિક અને તંત્ર બંને તરીકે, ગુનાહિત ઇરાદો ધરાવીએ છીએ, બેજવાબદાર છીએ, ભ્રષ્ટ છીએ અને નિષ્ફળ ગયા છીએ અને ફકત ચમત્કારની રાહ જોતી નપુંસક અને નિર્માલ્ય પ્રજા છીએ. અસ્તુ!
-લોકાભિરામ.