આને કહેવાય સાચા નગરસેવક! રાજકોટ માટે પાર્કિંગ મફત કરો, જે ખર્ચ થશે એ હું ભોગવીશ : ડૉ.નેહલ શુક્લએ આપી ‘ઓફર’
રાજકોટમાં વાહનોની સંખ્યામાં દિવસેને દિવસે વધારો થઈ રહ્યો છે. બીજી બાજુ એક પણ વિસ્તારમાં પાર્કિંગની વ્યવસ્થિત સુવિધા ન હોવાને કારણે લોકો આડેધડ વાહન પાર્ક કરતા હોવાથી ટ્રાફિકજામ સહિતની સમસ્યા વકરી રહી હતી. આ મુદ્દાને ધ્યાનમાં રાખી સરકાર દ્વારા દરેક શહેરમાં પે એન્ડ પાર્કિંગ ઉભું કરવા માટે પોલિસી ઘડવામાં આવી હતી જે અંતર્ગત રાજકોટ મહાપાલિકા દ્વારા શહેરમાં 62 સ્થળે આ પ્રકારે સાઈટ ઉભી કરાઈ હતી જેમાંથી 24 સાઈટ હજુ પણ ખાલી છે. બીજી બાજુ પે એન્ડ પાર્કિંગ સાઈટ પર લોકોને કોન્ટ્રાક્ટર સાથે વારંવાર ઘર્ષણ થવા ઉપરાંત ખીસ્સા પણ ખંખેરાઈ રહ્યાની અનેક ફરિયાદ બાદ આખરે ભાજપના જ કોર્પોરેટર દ્વારા આ દિશામાં એક હિંમતભર્યું પગલું લઈને શાસકોને કહી દેવામાં આવ્યું હતું કે દરેક સાઈટ પર પાર્કિંગ મફત કરી દેવું જોઈએ અને તેનો જે પણ ખર્ચ થશે એ ભોગવવા હું તૈયાર છું !
શુક્રવારે મહાપાલિકા કચેરીમાં સ્ટેન્ડિંગ કમિટીની બેઠક મળી હતી જો કે તેના પહેલાં સંકલન બેઠકમાં વોર્ડ નં.7ના કોર્પોરેટર ડૉ.નેહલ શુક્લ દ્વારા ચેરમેન સહિતના હોદ્દેદારોને ભારપૂર્વક જણાવાયું હતું કે તમામ સાઈટ ઉપર શહેરીજનો માટે પાર્કિંગ મફત કરી દેવું જોઈએ. આ માટે તંત્રને દર વર્ષે સાઈટ પરથી જે આવક થાય તેના કરતા એક લાખ વધુ આપવા તેમણે તૈયારી દર્શાવતા બેઠકમાં હાજર લોકોમાં સોપો પડી ગયો હતો.
આ પણ વાંચો :અન્ય ધારાસભ્યનું ઉદ્ઘાટક તરીકે નામ લખાતાં દર્શિતાબેન-મેયર વચ્ચે જામી પડી : ફરીવાર ઘરના જ ‘વાસણ’ ખખડતાં નવી ચર્ચા
આ અંગે ડૉ.નેહલ શુક્લએ `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે પે એન્ડ પાર્કની મહત્તમ સાઈટ કોમર્શિયલ વિસ્તારોમાં આવેલી છે જ્યાં લોકો ખરીદી કરવા માટે તેમજ વેપારીઓ પોતાના ધંધે અવર-જવર કરતા હોય છે. અહીં સાઈટના કોન્ટ્રાક્ટર દ્વારા જે માણસ રાખવામાં આવ્યા હોય છે તેનું વાણી-વર્તન અશોભનીય હોવાથી સાઈટ ભાડે આપવાની પ્રથા જ બંધ કરી દેવી જોઈએ. રહ્યો સવાલ તંત્રની આવકનો તો વેપારીઓ પણ આ જવાબદારી ઉઠાવવા તૈયાર છે અને તેઓ પાર્કિંગનો ચાર્જ ટોકનદર પણ નક્કી કરી શકે છે. એકંદરે હું તંત્રને સાઈટ થકી જે પણ આવક થાય છે તેના કરતા એક લાખ રૂપિયા વધારે આપવા માટે તૈયાર છું. આમ કરવાથી સરકારની પાર્કિંગ પોલિસીનો ભંગ પણ નહીં થાય કેમ કે તંત્રના ચોપડે તો સાઈટ ભાડે આપી જ દેવામાં આવી છે !
વિમેન હોસ્ટેલ શહેરની વચ્ચોવચ્ચ હોવી જોઈએ, શાળા સોંપવા સહિતની 13 દરખાસ્તો પર વિરોધ
ડૉ.નેહલ શુક્લ દ્વારા સ્ટેન્ડિંગ કમિટીના એજન્ડામાં સમાવિષ્ટ 13 દરખાસ્ત અંગે પોતાનો મત રજૂ કરી વિરોધ કરવામાં આવ્યો હતો. તેમણે કહ્યું કે વિમેન હોસ્ટેલ શહેરની વચ્ચોવચ્ચ હોવી જોઈએ પરંતુ તેને છેક રૈયા સ્માર્ટ સિટીમાં બનાવવામાં આવી રહી છે, આવું શા માટે ? રેસકોર્સ રિંગરોડ પર પહેલાંથી જ લાઈટ ઉપલબ્ધ છે આમ છતાં નવી લાઈટ શા માટે ફિટ કરવી અને તેના માટે ક્નસલ્ટન્ટ રોકવાનો ખર્ચ શા માટે કરવો, દિવાળી કાર્નિવલ માટે અલગથી ટેન્ડર શા માટે કેમ કે આ માટે અગાથી જ રેટ કોન્ટ્રાક્ટ અપાયેલો છે સહિતની દરખાસ્ત ઉપર વાંધો વ્યક્ત કર્યો હતો.
