આને કહેવાય સ્માર્ટ સીટી !? જ્યાં 3 મિનિટના કામ માટે લોકોને 6 કલાક લાઈનમાં ઉભા રહેવું પડે
રાજકોટ સ્માર્ટ સિટી બની ગયું છે, મહાપાલિકાનું બધું કામ હવે આંગળીના ટેરવે પૂર્ણ થઈ જાય છે…આ સહિતના દાવા પદાધિકારીઓ-અધિકારીઓના મોઢેથી અનેક વખત સાંભળવા મળ્યા છે અને તે પણ એ.સી.ચેમ્બરમાં બેઠા-બેઠા ! જો કે તેમને એ ખ્યાલ નહીં હોય કે માત્ર સ્માર્ટ રાજકોટ કહી દેવાથી બધું પતી જતું નથી અને ખરેખર સ્માર્ટ બનાવવા માટે ગ્રાઉન્ડ ઝીરો ઉપર કામ કરવું પડે છે. આવું જ કંઈક જન્મ-મરણ શાખામાં વર્ષોથી જોવા મળી રહ્યું છે. અનેક પ્રયત્ન કરવા છતાં અહીં લાઈન ઘટવાનું નામ જ લેતી નથી. બુધવારે પણ જન્મના દાખલામાં સુધારો કરવા માટે છેક ગેઈટ સુધી લાઈન જોવા મળી હતી. જન્મનો દાખલો કઢાવવાનો હોય કે તેમાં સુધારો કરાવવાનો હોય તે કામ ત્રણ મિનિટમાં પૂર્ણ થઈ જાય છે પરંતુ અરજદારોએ પોતાના વારા માટે છ કલાક સુધી લાઈનમાં ઉભા રહેવા માટે મજબૂર બનવું પડ્યું હતું.
જન્મના દાખલામાં આખું નામ ઉમેરવાનો નિયમ સરકાર દ્વારા અમલી બનાવવામાં આવ્યો હોય સ્કૂલમાં એડમિશન હોય કે પછી પાસપોર્ટ ઈશ્યુ-રિન્યુ કરાવવાનું હોય કે અન્ય સરકારી કચેરીમાં ઉપયોગ કરવાનો હોય સુધારાવાળો જન્મનો દાખલો ફરજિયાત હોવાથી દરરોજ હજારો લોકો મહાપાલિકા કચેરીના પગથીયા ઘસી રહ્યા છે. સરકાર દ્વારા જે આધારકાર્ડ ઈશ્યુ કરાયું છે તેમાં અટક, નામ અને પિતાનું નામ એમ ત્રણેય એક લાઈનમાં લખેલા હોય છે પરંતુ જન્મના દાખલામાં અત્યાર સુધી પહેલાં નામ, તેના નીચે પિતાનું નામ અને પછી અટક એમ લખેલા હોવાથી જૂના દાખલાને હવે માન્ય ગણવામાં આવતો નથી.
એકંદરે કોઈને સરકારી લાભ લેવો હોય કે પછી કોઈ બીજી કાર્યવાહી કરવાની હોય નવો દાખલો જરૂરી હોવાને કારણે નાછૂટકે સુધારો કરવા માટે આવવું પડે છે. બુધવારે પણ આવું જ જોવા મળ્યું હતું. વહેલી સવારે છ વાગ્યાથી મોટી સંખ્યામાં લોકો સેન્ટ્રલ ઝોન કચેરીએ લાઈનમાં ઉભા રહી ગયા હતા. બપોરે બારેક વાગ્યા આસપાસ બળબળતાં તાપમાં ન તો છાંયડો કે ન તો પાણીની વ્યવસ્થા હોવા છતાં લોકોએ જન્મના દાખલામાં સુધારો કરાવવા માટે લાઈનમાં ઉભા રહેવું પડતાં ગજબનો રોષ જોવા મળ્યો હતો. જાણવા મળ્યા પ્રમાણે સેન્ટ્રલ ઝોન કચેરીમાં અત્યારે રોજના 800થી 1000 દાખલા ઈશ્યુ થાય છે. વળી, સરકાર દ્વારા પ્રતિ દાખલાની નકલદીઠ 50 રૂપિયા વસૂલવામાં આવતા હોય લોકોને તેનો ચાંદલો પણ થઈ રહ્યો છે.
આરોગ્ય સમિતિ ચેરમેન દ્રવી ઉઠ્યાઃ તાત્કાલિક કિટમાં વધારો, પાણી-છાંયડાની વ્યવસ્થા કરાવી
મહત્તમ પદાધિકારીઓ પોતાની સત્તાવાર કાર જ્યાં પાર્ક કરે છે ત્યાં જ આવેલા સિવિક સેન્ટર પર મોટી લાઈન હોવા છતાં કોઈના ધ્યાન ઉપર તે વાત આવી ન્હોતી પરંતુ આરોગ્ય સમિતિ ચેરમેન કેતન પટેલ કે જેઓ સ્કૂટર લઈને કચેરીમાં અવર-જવર કરે છે તેઓ જેવા મુખ્ય ગેઈટમાં પ્રવેશ્યા કે લાંબી લાઈન જોઈને ચોંકી ઉઠ્યા હતા. આ પછી તેમણે તાત્કાલિક આરોગ્ય અધિકારી ડૉ.જયેશ વંકાણી અને નોંધણી અધિકારી પ્રેરિત જોશીને સ્થળ પર બોલાવ્યા હતા અને લાઈન બતાવી હતી. આટલેથી જ ન અટકી તેમણે તાત્કાલિક જવાબદાર અધિકારીઓ પાસે જન્મના દાખલામાં સુધારા માટે વધારાની ચાર કિટ મંગાવી હતી. આ ચાર કિટનો ઉમેરો થતાં હવે સાત કિટથી કાર્યવાહી થવાને કારણે વધુ દાખલા નીકળી શકશે.
