રાજકોટની આ 3 સહેલીઓ ‘વ્હાલુડીનાં વધામણાં’કરશે: 25 દીકરીઓનાં શાહી લગ્નો કરાવવાનો સંકલ્પ, ચહેરા પર સ્મિત પાથરી સાસરે વળાવશે
ફ્રેન્ડ્સ ભેગી થાય તો કીટી પાર્ટી કે ટ્રીપ પ્લાન કરે..!!પણ રાજકોટની આ બહેનપણીઓએ ભેગા મળીને “વ્હાલુડીનાં વિવાહ” માટે યજમાન બનવાનું નક્કી કર્યું ને આ સખી એટલે વર્ષાબેન આદ્રોજા, નિપાબેન કાલરીયા,કોષાબેન મહેતા આ વર્ષે 25 વ્હાલુડીનાં ભવ્ય વધામણાં કરી તેને હૈયાના હેત સાથે સાસરે વળાવશે.
“વોઈસ ઓફ ડે” નાં સ્પેશ્યલ ગેસ્ટમાં “દિકરાનું ઘર” વૃદ્ધાશ્રમ આયોજિત વહાલુડીના વિવાહ માટે યજમાન બનેલા વર્ષાબેન કિરીટભાઈ આદ્રોજા, નીપાબેન રાજેશભાઈ કાલરીયા અને કોષાબેન સુનિલભાઈ મહેતાએ તેમને આ સામાજિક કાર્ય માટે કઈ રીતે પહેલ કરી..? દિકરીઓના લગ્ન માટે કેવી રીતે તૈયારીઓ કરી..? આ વિશે હૃદયસ્પર્શી વાત કરી હતી.
આ સખીઓ ઘણાં વર્ષોથી વ્હાલુડીનાં વિવાહનાં આયોજન સાથે જોડાયેલા રહ્યા છે.પ્રથમ વખત શાહી લગ્નોત્સવનું આયોજન થયું ત્યારથી વિચાર આવતો કે અમે પણ ક્યારેક આ ભવ્ય આયોજનમાં યજમાન બનીએ..બસ,હવે આ ઘડી રળિયામણી આવી પહોંચી છે.ત્રણ સહેલીઓ એક બીજાના મનને વાંચી શકતી હતી ને ગત વર્ષે જ્યારે વર્ષ 2025નાં આયોજન માટેની જાહેરાત થઈ ત્યારે આ ત્રણેય સખીઓએ યજમાન થવા માટેની જાહેરાત કરી તો પરિવારનાં દરેક સભ્યોએ પણ સરાહના કરીને આ આયોજનમાં મદદ કરવા ખાતરી આપી ને આમ, એક વર્ષથી 25 દીકરીઓના લગ્ન માટેની તૈયારીઓ ચાલી રહી છે.

” વોઇસ ઓફ ડે” સાથેની વાતચીતમાં આ બહેનોએ જણાવ્યું હતું કે,અમને એવી લાગણી થાય છે કે અમે અમારી જ દીકરીઓને વળાવી રહ્યા છીએ.અમારા પરિવારમાં જ પ્રસંગ આવ્યો હોય તેમ ઘરનાં બધા જ સભ્યો કામે લાગી ગયા છે. આ દીકરીઓને એવી યાદગાર વિદાય આપવી છે કે, તેમને આજીવન સંસ્મરણ બની રહે તેના માટે છેલ્લા એક મહિનાથી અમે બધા તૈયારીઓ કરી રહ્યા છીએ.તા.20મીએ નિરાલી રિસોર્ટસ ખાતે ખાસ આ દીકરીઓ માટે વર્ષાબેન,નિપાબેન અને કોષાબેન દ્વારા વિશેષ આયોજન જેમાં “વ્હાલુડીનાં વધામણાં” યોજાસે.જેમાં દીકરીઓના કંકુ પગલાં, ભવ્ય વેલકમ,રાસગરબાની રમઝટ સાથે હાસ્ય કલાકાર ગુણવંત ચુડાસમાનો કાર્યક્રમ રાખ્યો છે. દીકરીને સાસરે રડતાં રડતાં નહિ પણ હસતાં હસતાં વળાવી છે.આ બહેનો કહે છે કે,આ દીકરીઓને કોઈ વાતની કચાશ ન રહેવી કે અમે ગરીબ છીએ કે મમ્મી કે પપ્પા નથી તો અમારા માટે કંઈ ન થયું…!! તેઓ ખુશ થઈ સાસરે જાય ને નવજીવનને નવપલ્લવિત કરે તેવા શુભાષિશ આપીશું.
આ પણ વાંચો :મોબાઈલ રિચાર્જ મોંઘું અને CNG, PNG સસ્તા થશે! રિચાર્જ માટે વધુ પૈસા ખર્ચવા પડશે, કંપનીઓ ભારે વધારો કરે તેવી સંભાવના
યજમાન બનેલી ત્રણેય સખીઓએ લગ્ન માટે એક સરખી “બનારસી” સાડી બનાવડાવી
જે દિવસથી યજમાન માટેનો મોકો મળ્યો ત્યારથી જાણે કે આ ત્રણ સખીઓ પોતાની દીકરીઓને સાસરે વળાવતી હોય એમ તૈયારીઓ કરી રહયા છે. આ ફ્રેન્ડ્સએ લગ્ન પ્રસંગ માટે એક સરખી “બનારસી”સાડી બનાવડાવી છે.એટલું જ નહીં કોષાબેનની દીકરી જે બહાર અભ્યાસ કરે છે પણ આ લગ્ન માટે તે રજા રાખીને ખાસ આવી છે.
25 દીકરીઓને માતા બનીને વિદાય આપશે
વર્ષોબેન મોટા ગજાનાં ઉદ્યોગપતિ એન્જલ પંપના સંચાલક શિવલાલભાઈ આદ્રોજા પરિવારના પુત્રવધુ છે, અગાઉ આ લગ્નમાં એક દીકરીને આદ્રોજા દંપતીએ કન્યાદાન પણ આપ્યું છે.આજે પણ દર વર્ષે આ દીકરી રક્ષાબંધન પર આવે છે ને વર્ષાબેન અને કિરીટભાઈ દર વર્ષે એક વાર પોરબંદર વળાવેલી દીકરી અને તેના પરિવારને મળવા જાય છે. યજમાનમાં જોડાયેલા નિપાબેન પાટીદાર સમાજના મોભી અગ્રણી ઉદ્યોગપતિ સનફોર્જના સંચાલક નાથાભાઈ કાલરીયાના પુત્રવધુ છે,વર્ષાબેન અને નિપાબેન સારી સહેલીઓની સાથે વેવાણ પણ છે.જ્યારે કોષાબેન અને સુનિલભાઈ મહેતાને ત્યાં 2 દીકરીઓ છે તેમ છતાં આ 25 દીકરીઓનાં માતા પિતા બન્યાં છે. જાણીતા વેપારી અને મોઢવણિક સમાજનાં અગ્રણી સ્વ.પ્રાણલાલભાઈ મહેતાનાં પુત્રવધુ છે.
