પુલની કામગીરીમાં ભ્રષ્ટાચારની ગંધ : ગુજરાતમાં ત્રણ વર્ષમાં નાના મોટા પુલ તૂટવાની દસ ઘટના, પ્રજા ભગવાન ભરોસે
વડોદરા જિલ્લામાં મહીસાગર નદી પરનો ગંભીરા પુલ ધરાશય થવાને પગલે વધુ એક વખત સરકારી ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારી સામે સવાલો ઊભા થયા છે. સરકાર તો પુલ ધરાશય થયા પછી પણ એવો દાવો કરવામાં સંકોચ નથી અનુભવતી કે એ પુલની
સ્થિતિનું સમયાંતરે ચેકિંગ થતું હતું. ચેકિંગ થતું હતું તો આ પુલ ગમે ત્યારે તૂટી પડે તેમ છે તે ખબર કેમ ન પડી તેનો જો કે કોઈની પાસે જવાબ નથી.

ગુજરાતમાં પુલો ધરાશાયી થવા, તેના નિર્ધારિત આયુષ્ય પહેલા જ નુકસાનગ્રસ્ત થવા, પુલના કેટલાક ભાગ ધસી પડવા એ કોઈ નવી વાત નથી. પૂલોના બાંધકામમાં એ હદે લોટ પાણી અને લાકડા થાય છે કે કેટલાક કિસ્સાઓમાં તો ચાલુ બાંધકામે જ પુલ ધસી પડ્યા હોય તેવા ઉદાહરણો પણ ઉપલબ્ધ છે.કહેવાની જરૂર નથી કે એવી દરેક ઘટના માટે ભ્રષ્ટાચાર અને તંત્રની બેદરકારી કારણભૂત હતા
મોરબી દુર્ઘટના :

સૌથી ગંભીર અને કરુણ ઘટના મોરબીમાં બની હતી. 30 ઓક્ટોબર 2022ના રોજ મોરબી શહેરમાં મચ્છુ નદી પર બનેલો ઝુલતો પુલ તૂટી પડતા ઓછામાં ઓછાં 141 લોકોનાં મોત થયા હતા. આ પુલ ચાર દિવસ અગાઉ જ સમારકામ બાદ ખુલ્લો મૂકયો હતો. લાંબા સમય સુધી બંધ રહ્યા બાદ નવા વર્ષના દિવસે ફરીથી ખોલવામાં આવ્યો હતો.તેનું સંચાલન ખાનગી કંપનીને સોંપવામાં આવ્યું હતું. ખુલ્લો મુકાયાના માત્ર ચાર દિવસ બાદ જ એક સાથે મોટી સંખ્યામાં લોકો પુલ ઉપર એકત્ર થતાં આ દુર્ઘટના સર્જાઈ હતી.
હળવદમાં પુલ ભારે વરસાદમાં ધરાશાયી
મોરબીના હળવદમાં એક વર્ષ પહેલા જ બનાવવામાં આવેલો પુલ 26 ઓગષ્ટ 2024ના રોજ ધરાશાયી થઇ ગયો હતો. નવા કોયબાથી જુના કોયબાને જોડતો પુલ ભારે વરસાદમાં ધરાશાયી થઇ ગયો હતો. એ પુલનું એક વર્ષ પહેલા જ નિર્માણ થયું હતું પણ બાંધકામ એ હતો નબળું હતું કે એક ભારે વરસાદની સામે પણ એ પુલ ઝીંક ન ઝીલી શક્યો.
મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ બેસી ગયો

મહેસાણામાં આવેલો આંબેડકર બ્રિજનો એક ભાગ 14 ફેબ્રુઆરી 2024ના રોજ બેસી ગયો હતો. બ્રિજને ઉપરના ભાગે જોડતી એક્સલ અને રોડ વચ્ચે બે ફૂટનું ગાબડું પડ્યું હતું. આ બ્રિજ બન્યાને તે સમયે માત્ર દસ વર્ષ થયા હતા.
આ પણ વાંચો : ગંભીરા બ્રીજ તૂટશે તેની કોઈને ગંભીરતા જ ન હતી : દુર્ઘટનામાં મૃત્યુઆંક 14એ પહોંચ્યો, હજુ 6 લોકો લાપતા
પુલો ધરાશાયી થવાની ખૂબ મોટી યાદી
- ગત વર્ષે 7 ઓગસ્ટના રોજ ચોટીલા તાલુકામાં ભારે વરસાદને કારણે હબિયાસર ગામ પાસેનો પુલ ધરાશાયી. એ બનાવને કારણે પાંચ ગામો સંપર્ક વીહોણા થઈ ગયા હતા
- ખેડા જિલ્લાના પરીએજથી બામણ ગામને જોડતો કેનાલ પરનો બ્રિજ 4 ઓક્ટોબર 2023ના રોજ ધરાશાયી થઈ ગયો હતો..આ બ્રિજ લાંબા સમયથી જર્જરિત થયો હોવાની અનેક વખત રજૂઆતો થઈ હતી પરંતુ તંત્રએ નોંધ લેવાની દરકાર નહોતી કરી.
- જુનાગઢ જિલ્લામાં 20 ગામને જુનાગઢ સાથે જોડતો ઉબેણ નદી પર આવેલો ધંધુસરનો 45 વર્ષ જૂનો બ્રિજ 5 જુલાઈ 2023ના રોજ તૂટી પડ્યો હતો. આ પુલ 45 વર્ષ જૂનો હતો. દરરોજ મોટી સંખ્યામાં તેના ઉપરથી વાહનોની અવરજવર થતી હતી. પણ તંત્ર દ્વારા તેની મજબૂતાઈ ચકાસવાની ક્યારેય તસ્દી લેવામાં ન આવી હોવાનો ગ્રામજનોએ આક્ષેપ કર્યો હતો.
અમદાવાદનો હાટકેશ્વર પુલ: માત્ર 4 વર્ષમાં 40 કરોડનું આંધણ

વર્ષ-2017માં રુપિયા 40 કરોડના ખર્ચે બનાવવામાં આવેલો અમદાવાદના સી.ટી.એમ.ચાર રસ્તા તરફના હાટકેશ્વર જંકશન ઉપર બનેલો હાટકેશ્વર બ્રિજ માત્ર ચાર વર્ષથી પણ ઓછા સમયમાં ડેમેજ થઇ ગયો હતો. તેને તોડી પાડવા માટે અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન દ્વારા ટેન્ડર બહાર પાડવામાં આવ્યું હતું. આ બ્રિજ 100 વર્ષ સુધી અડીખમ રહેવાનો હતો તેને બદલે માત્ર ચાર વર્ષમાં તેનું બાળ મરણ થઈ ગયું હતું. અમદાવાદના જ મુમતપુર બ્રિજનો એક ભાગ 21 ડિસેમ્બર 2021ના રોજ ધરાશાયી થયો હતો.
સુરતમાં તો પુલ ઉદ્ઘાટન પહેલા જ નમી ગયો

સુરત શહેરનાં સારોલી વિસ્તારમાં મેટ્રો ફ્લાયઓવરનો એકભાગ ઉદ્ઘાટન થાય એ પહેલા જ ક્ષતિગ્રસ્ત થતાં નમી ગયો હતો. સાથે બ્રિજનાં સ્લેબમાં તિરાડ પણ પડી હતી. સારોલી વિસ્તારમાં મેટ્રોની કામગીરી ચાલુ હતી તે દરમિયાન જ બ્રિજ નમી પડ્યો હતો.
પાલનપુરમાં ચાલુ બાંધકામે ઓવરબ્રિજ ધડામ થઈ ગયો

પાલનપુર આરટીઓ સર્કલ નજીક નિર્માણાધિન ઓવરબ્રિજ 23 ઓટોબર 2023 ધરાશાયી થયો હતો. ફ્લાયઓવરના બે ગર્ડર તુટી પડતા આ દુર્ઘટના સર્જાય હતી. બ્રિજનું બાંધકામ રાજ્યના રોડ એન્ડ બિલ્ડીંગ વિભાગ દ્વારા હાથ ધરાયું હતું. આ દુર્ઘટનામાં એક રિક્ષાચાલકનું મૃત્યુ થયું હતું.
