લગ્નન ઢોલ ઢબૂકશે : 3 મહિના રાજકોટમાં ધૂમ લગ્ન,RMCના 21 કોમ્યુનિટી હોલ ‘પેક’, 346 પરિવારનું બુકિંગ
રાજકોટમાં હાલ ગણેશોત્સવની ધામેધૂમે ઉજવણી ચાલી રહી છે ત્યારબાદ નવરાત્રિ, દશેરા અને દિવાળીના તહેવાર આવી રહ્યા છે. એકંદરે હાલ તહેવારોની વણઝાર ચાલી રહી છે જે પૂર્ણ થયા બાદ ઑક્ટોબર મહિનાથી લગ્નગાળો શરૂ થઈ રહ્યો છે ત્યારે ડિસેમ્બર સુધી શહેરમાં ધૂમ લગ્ન લેવામાં આવ્યા હોવાનું મહાપાલિકા સંચાલિત કોમ્યુનિટી હોલના બુકિંગ પરથી લાગી રહ્યું છે. ઑક્ટોબરથી ડિસેમ્બર દરમિયાન મહાપાલિકાના 26 માંથી 21 કોમ્યુનિટી હોલ “પેક’ થઈ ગયાનું એસ્ટેટ વિભાગમાંથી જાણવા મળ્યું હતું.
આ પણ વાંચો :વોર્ડનું આધાર કેન્દ્ર હવે એક ક્લિક પર મળી જશે : નજીકના આધાર કેન્દ્રનું સરનામું ‘RMC સિટીઝન એપ’ પરથી જાણી શકાશે
કોમ્યુનિટી હોલ ત્રણ મહિના પહેલાં બુક થાય છે એટલા માટે મહત્તમ પરિવાર દ્વારા 1લી ઓગસ્ટથી જ હોલ બુકિંગ કરવાનું શરૂ કરી દેવામાં આવ્યું હતું. આ પ્રમાણે 346 પરિવાર દ્વારા ઓક્ટોબર, નવેમ્બર અને ડિસેમ્બર એમ ત્રણ મહિના દરમિયાન પ્રસંગો ‘સાચવી’ લેવા માટે 1 ઓગસ્ટથી 30 ઓગસ્ટ સુધીમાં બુકિંગ કરાવી લીધું હતું. સૌથી વધુ હોલનું બુકિંગ રણછોડદાસજી બાપુ કોમ્યુનિટી હોલનું થયું છે. અહીં 42 પરિવાર દ્વારા બુકિંગ કરાવાયું છે. ત્યારબાદ પંડિત દિયાળ કોમ્યુનિટી હોલનું 41 પરિવાર, આ જ હોલના બીજા યુનિટનું 33 પરિવારે બુકિંગ કરાવ્યું છે. જ્યારે વિનોદભાઈ શેઠ, એકલવ્ય, મનસુખભાઈ ઉધાડ અને અમૃત ઘાયલ કોમ્યુનિટી હોલનું બુકિંગ થવા પામ્યું નથી. એકંદરે કુલ 26 માંથી 21 હોલનું ભરપૂર બુકિંગ થયું હોય અન્ય પરિવાર કે જેમને વેઈટિંગમાં રાખવામાં આવ્યા છે તેમણે ઑક્ટોબર બાદ બુકિંગ માટે પ્રયત્ન કરવાનો રહેશે.
ઉપરાંત કોમ્યુનિટી હોલ ઓડિટોરિયમનું બુકિંગ પણ પૂરજોશમાં થયું હોય તેમ રૈયા રોડ પર પ્રમુખ સ્વામી ઓડિટોરિયમના બન્ને યુનિટ, પેડક રોડ પર અટલ બિહારી વાજપેયી ઓડિટોરિયમ તેમજ રમેશ પારેખ રંગદર્શન (રેસકોર્સ)નું બુકિંગ પણ નોંધપાત્ર રહ્યું છે. ઉપરોક્ત હોલ તેમજ કોમ્યુનિટી હોલનું ભાડું ચાર હજારથી ચાલીસ હજાર સુધીનું હોવાનું એસ્ટેટ વિભાગ દ્વારા જણાવાયું હતું.
