લોકો પાયલટની સતર્કતાથી 10 સિંહોનો જીવ બચ્યો: સાસણગીર પાસે મોટી દુર્ઘટના ટળી, વન વિભાગની ટીમે સાવજોને સુરક્ષિત રીતે ખસેડ્યા
ટ્રેન દોડતી હોય અને અચાનક એક નહિ દસ, દસ સિંહ ટ્રેક પર આવી ચડે તો શું થાય, આ કોઈ ફિલ્મી દ્રશ્ય નહી પરંતુ આ ઘટના વાસ્તવિક સાસણગીર નજીક કાસિયા નેસ પાસે રેલવે ટ્રેક પર બની હતી. લોકો પાયલટની સતર્કતાથી 10 સિંહનો બચાવ થયો હતો. વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેન પસાર થઇ રહી હતી ત્યારે સામે ટ્રેક પર એક ,બે નહિ દશ સિહોનું ટોળું હતું. લોકો પાયલટે સિંહોને જોઈને તાત્કાલિક ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેન રોકી દીધી હતી. વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરે સિંહોને સુરક્ષિત રીતે દૂર કર્યા, જેનાથી મોટી દુર્ઘટના ટળી.
ગીર સોમનાથ જિલ્લાના સાસણગીર નજીક કાસિયા નેસ પાસે બનેલી આ ઘટના
વેરાવળ-જૂનાગઢ પેસેન્જર ટ્રેન પોતાના નિર્ધારિત માર્ગે આગળ વધી રહી હતી. અચાનક રેલવે ટ્રેક પર 10 સિંહોના સમુહ રેલવે ટ્રેક પર હતો. આ દૃશ્ય કોઈ પણ માટે ભયજનક બની શકે, પરંતુ અહીં લોકો પાયલટ અને સહાયક લોકો પાયલટએ સમયસુચકતા દાખવી હતી. સિંહોને જોતા જ પાયલટે પળવારનો વિલંબ કર્યા વિના ઇમરજન્સી બ્રેક લગાવી ટ્રેનને થંભાવી દીધી હતી.
આ પણ વાંચો:કાનપુર: NICUમાં વોર્મર મશીનમાં નવજાત બાળકીના મૃત્યુ મામલે કાર્યવાહી: રાજા નર્સિંગ હોમનું રજીસ્ટ્રેશન રદ, FIR નોંધાઈ
લોકો પાયલટે તરત જ ટ્રેન મેનેજરને માહિતી આપી અને ટ્રેનમાં હાજર વન વિભાગના ફોરેસ્ટ ટ્રેકરે પરિસ્થિતિને ગંભીરતાથી લીધી. વન વિભાગની ટીમે સત્વરે સ્થળ પર પહોંચી તમામ 10 સિંહોને સુરક્ષિત રીતે રેલવે ટ્રેક પરથી દૂર કર્યા હતા. તમામ સિહો પસાર થઈને દુર નીકળી ગયા બાદ ટ્રેનને ખૂબ સાવચેતી સાથે રૂટ પર આગળ ધપાવાઈ હતી. મુસાફરો માટે આ ઘટના એક તરફ એક સાથે ૧૦, ૧૦ સિંહોના દર્શન અને બીજી તરફ ચિંતા જન્માવી ગઈ હતી.
લોકો પાયલટની સમજદારી અને વન વિભાગના કર્મચારીઓની ઝડપી કામગીરીને કારણે 10 નિર્દોષ સિંહોના જીવ બચી શક્યા. રેલ્વે તથા વન વિભાગના અધિકારીઓ દ્વારા ટ્રેન પાયલટ તથા ટ્રેકર બન્નેની સાવધાની પૂર્વકની ફરજને બિરદાવાઈ હતી.
