વરસાદ સામે ૯મી સુધી તંત્રને એલર્ટ ઉપર રહેવા સૂચના
ગાંધીનગરમાં વેધર વોચ ગ્રુપની એક બેઠક મળી હતી અને તેમાં તા. ૯ સુધી તંત્રને એલર્ટ રહેવા સુચના આપવામાં આવી હતી. આ બેઠકમાં આઇએમડીના અધિકારીદ્વારા તા.૦૩ થી ૦૯ સપ્ટેમ્બર, ૨૦૨૪ સુધી રાજયમાં ભારેથી હળવા વરસાદની આગાહી બાબતે સમીક્ષા કરવામાં આવી હતી. રાજ્યમાં પ્રવર્તમાન પરિસ્થિતિને ધ્યાને રાખી સંબંધિત વિભાગો સાથે જરૂરી ચર્ચા કરી સંભવિત જોખમો સામે એલર્ટ રહેવા રાહત નિયામકે જણાવ્યું હતુ.
રાહત નિયામકદ્વારા રાજ્યમાં વરસાદના કારણે ઊભી થયેલ પ્રવર્તમાન પરિસ્થિતિને અનુલક્ષીને પશુપાલન, ઊર્જા અને પેટ્રોકેમિકલ્સ, કૃષિ, સીડબલ્યુસી, માર્ગ અને મકાન, આરોગ્ય અને પરિવાર કલ્યાણ, પંચાયત, જી.એમ.બી., શહેરી વિકાસ વિભાગ, સિચાઈ, એસએસએનએનએલ, એનડીઆરએફ અને કોસ્ટ ગાર્ડ વગેરે વિભાગોના નોડલ અધિકારીઓ સાથે સમીક્ષા કરી હતી.
હાલમાં પરિસ્થિતિને ધ્યાને રાખી વરસાદ બંધ થયા બાદ પાણી ભરાઈ ન રહે, રોગચાળો ન ફેલાય તથા બંધ રોડ-રસ્તા સત્વરે પૂર્વવત કાર્યરત થાય તે અંગે સંબંધિત લાઈન ડિપાર્ટમેન્ટને જરૂરી કાર્યવાહી કરવા અંગે પણ જણાવ્યું હતું. આ ઉપરાંત બેઠકમાં રાજ્યની જીવાદોરી સરદાર સરોવર ડેમ અને નદીઓના લેવલ અંગે રાહત નિયામકશ્રી દ્વારા સમીક્ષા કરવામાં આવી હતી.