રીબડા પંપ પર ફાયરિંગ કરનારા રોટલિયા 8 દિવસે પકડાયા : સુત્રધાર હજુ ફરાર, કુખ્યાત ગુનેગાર,હાર્દિકસિંહ જાડેજાએ આપી’તી સોપારી
રાજકોટ નજીક ગોંડલ હાઈ-વે પર રીબડા ગામે અનિરૂધ્ધસિંહ જાડેજાના ભત્રીજા જયદીપસિંહના પેટ્રોલ પંપ પર ફાયરિંગ થયાની ઘટનામાં રાજકોટ રૂરલ પોલીસે ફાયરિંગ કરનાર બેલડી સહિત ચાર રોટલિયાને આઠ દિવસ બાદ મુંબઈ તથા આગ્રાથી પકડી પાડ્યા છે.

ગત તા.24ના રોજ રાત્રીના એકાદ વાગ્યે બાઈક પર આવેલા બુકાનીધારી બે શખસો પંપ પર ઓફિસના કાચના દરવાજે એક રાઉન્ડ ફાયરિંગ કર્યું હતું. ફાયરિંગ થતાં જ પંપનો કર્મચારી દોડીને બહાર આવ્યો હતો તેની સામે ગન તાકીને બાઈક પર નાસી છૂટયા હતા.
ફાયરિંગ થયાની બીજા દિવસે સવારે જ જામકંડોરણાના અડવાળ ગામના વતની અને મર્ડર સહિત અને ગુનાઓમાં સંડોવાયેલા કુખ્યાત ગુનેગાર હાર્દિકસિંહ હરદેવસિંહ જાડેજાએ સોશિયલ મીડિયામાં વીડિયો વાઈરલ કરીને ફાયરિંગ પોતે જ કરાવ્યું છે અને હજુ તો આ ટ્રેલર છે તેવા ચેલેન્જ આપતા વીડિયો મુક્યા હતા જે આધારે રાજકોટ રૂરલ પોલીસને એ દિશા મળી કે ફાયરિંગ હાર્દિકસિંહે કરાવ્યું છે. ફાયરિંગ કરનારા રોટલિયા કોણ તેની તપાસ આરંભી હતી. એલસીબી, એસઓજી, ગોંડલ તાલુકા પોલીસની અલગ-અલગ ટીમો બનાવાઈ હતી.

હાર્દિકસિંહનું નેટવર્ક યુ.પી. તરફ હોવાની પોલીસને કડી મળી હતી. ફાયરિંગ કરીને આરોપીઓ રાજકોટ તરફ આવ્યા હતા. સીસીટીવી કેમેરા ટેકનીકલ તેમજ હ્યુમન સોર્સ મારફતે એવી માહિતી મળી હતી કે મુંબઈ અને આગ્રા તરફ ભાગ્યા છે.

રાજકોટ રૂરલ પોલીસની અલગ-અલગ ટીમો આરોપીઓને શોધવા એ તરફ દોડી ગઈ હતી. યુ.પી.ના રાયબરેલીના જિલ્લાના બરેલી મટકીના અને અમદાવાદના દાણા લીમડા પાંચ પીપળાની દરગાહ આબાદનગરના છાપરા ઈરફાન ઉર્ફે સીયા મોહંમદરઈસ કુરેશી (ઉ.વ.32) તથા યુ.પી.ના હાથરસના મદકભોજના વિપીનકુમાર વિરેન્દ્રસીંગ જાટ (ઉ.વ.26)ને તેમજ આગ્રામાં સિકંદરા બોદલા રોડ પર આવેલી આવાસ વિકાસ કોલોની સેક્ટર-૫માં રહેતા હાથરસના આદાબાદ સુરજગંજના વતની બે ભાઈઓ અભિષેક પવનકુમાર જીંદલ/અગ્રવાલ (ઉ.વ.28) તથા પ્રાન્સુકુમાર (ઉ.વ.29)ને ઝડપી પાડયા હતા. ચારેય શખસોની રાજકોટ રૂરલ પોલીસના ઉચ્ચ અધિકારીઓ એસ.પી. હિંમકરસિંહ, ડીવાયએસપી કે.જી. ઝાલા, એએસપી (IPS) સિમરન ભારદ્વાજ સહિતના માર્ગદર્શન હેઠળ પૂછતાછ હાથ ધરાઈ છે. પોલીસની પ્રાથમિક તપાસ-પૂછતાછમાં હાર્દિકસિંહ જાડેજાએ જ ફાયરિંગ કરવા માટે ચારેયને તૈયાર કર્યા હતા અને બાઈક, હથિયારની વ્યવસ્થા કરી આપ્યાનું ખુલ્યું છે.

સપ્તાહ સુધી રૂરલ પોલીસ અન્ય પ્રાંતમાં દોડતી રહી
રાજકોટ રૂરલ પોલીસ માટે પડકારરૂપ બનેલી ફાયરિંગની ઘટનામાં આરોપીઓને ઝડપી લેવા માટે રાજકોટ રૂરલ એલસીબીના પીઆઈ વી.વી. ઓડેદરા, ગોંડલ તાલુકાના પીઆઈ એ.ડી. પરમાર, એસઓજીના પીઆઈ એફ.એ. પારગી, એલસીબીના પીએસઆઈ એચ.સી. ગોહિલ, એસઆજી પીએસઆઈ કે.એમ. ચાવડા, ગોંડલ તાલુકા પોલીસ મથકના પીએસઆઈ આર.જી. જાડેજા તથા સ્ટાફની અલગ-અલગ ટીમો મળી સપ્તાહ સુધી 60થી વધુ પોલીસકર્મીઓ અન્ય પ્રાંતમાં દોડતા રહ્યા હતા.

ચારેય આરોપીઓમાં કોણે શું ભૂમિકા ભજવી ?
ફાયરિંગ કેસમાં રાજકોટ રૂરલ પોલીસ ફાયરિંગ કરનારા બે હતા, પકડી પાડયા ચાર આરોપી. ચારેયમાં અન્ય બે કોણ હતા અને શું રોલ હતો? તે બાબતે પોલીસે સ્પષ્ટતા કરી હતી કે ફાયરિંગ કરવા ઈરફાન અને વિપીન આવ્યા હતા. ઈરફાન બાઈક ચલાવતો હતો. વિપીને ફાયરિંગ કર્યું હતું. જ્યારે જીંદાલબંધુમાં અભિષેક અમદાવાદ સુધી વિપીનને છોડવા આવ્યો હતો. જ્યારે પ્રાન્સુએ નાણાંની વ્યવસ્થા કરી હતી.
અઠંગચોર ઇરફાનનો હાર્દિકસિંહને સાબરમતી જેલમાં ભેટો થયો હતો
યુ.પી.ના વતની અને અમદાવાદમાં રહેતો કે જેના માથે ચોરી, ઘરફોડીના તેમજ અન્ય મળી 23 ગુનાઓ નોંધાયા છે અને ચાર-ચાર વખત પાસામાં જઈ ચૂક્યો છે એવા અઠંગ ચોર, શાતીર ઈરફાન તેમજ મર્ડર, લૂંટ, હત્યાના પ્રયાસ સહિતના 11 ગુનાના આરોપી કુખ્યાત હાર્દિકસિંહ બન્નેનો સાબરમતી જેલમાં ભેટો થયો હતો. હાર્દિકસિંહે ફાયરિંગ માટે ઈરફાનને સાધ્યો હતો.
બાઇક ઇરફાને ચલાવ્યું, યુ.પી.થી આવેલા વિપીને ફાયરિંગ કર્યું’તુ
પેટ્રોલ પંપ પર ફાયરિંગ કરવા આવ્યા ત્યારે બાઈક ઈરફાન ચલાવતો હતો. ઈરફાન ગુજરાતમાં રહેતો હોવાથી અહીંના રસ્તાઓથી વાકેફ હતો. ફાયરિંગ કરવા પૂર્વે આવીને રેકી કરી હતી. ત્યારબાદ ગત તા. 24ના રોજ બન્ને બાઈક પર આવ્યા હતા. ઈરફાને બાઈક ચલાવ્યું અને યુ.પી.થી આવેલા વિપીને ફાયરિંગ કર્યુ હતું. ફાયરિંગ કરી રાજકોટ થઈ બાઈક પર અમદાવાદ પહોંચ્યા હતા ત્યાંથી ઈરફાન મુંબઈ તરફ વિપીન આગ્રા ભાગ્યો હતો.
આ પણ વાંચો : ટ્રમ્પે 69 દેશો પર નવા ટેરિફ કર્યા જાહેર : બ્રાઝિલ પર સૌથી વધુ 50 ટકા, જાણો કયા દેશે કેટલો ટેરિફ ચૂકવવો પડશે?
વિપીનને માતાની સારવાર માટે નાણાં જોઇતા હોય તૈયાર કર્યો હતો
પંપ પર ફાયરિંગ કરવાના ગુનામાં પકડાયેલા ચાર પૈકી વિપીનકુમાર જાટની માતાને કેન્સર હોવાથી માતાની સારવાર માટે નાણાંની જરૂરિયાત હતી. આગ્રામાં હાર્દિકસિંહનો વિપીન સાથે ભેટો થયો હતો. હાર્દિકસિંહે ગુજરાતમાં એક ફાયરિંગ કરવાનું છે તો બદલામાં પાંચ લાખ આપીશ કહી વિપીનને તૈયાર કર્યો હતો.
આ પણ વાંચો : રાજકોટનું હીરાસર એરપોર્ટ નવા પાયલોટ માટે આશીર્વાદ સમાન: દરરોજ 5 થી 7 ટ્રેનિંગ ફલાઈટની પ્રેક્ટિસ
બે ભાઇઓને એક લાખ રૂપિયાની લાલચ આપી
આગ્રામાંથી ઝડપાયેલા આગ્રાના વતની અભિષેક તથા પ્રાન્સુ બન્ને ભાઈ આગ્રામાં એમ.એસ. હોટલમાં રહેતા હતા. હાર્દિકસિંહે આ બન્નેને પણ ફાયરિંગ માટે તૈયાર કર્યા હતા અને કામ થયે એક લાખ રૂપિયા આપવાની વાત કરી હતી.
જેના મોબાઇલ નંબર, ઠેકાણા, ખ્યાલ ન્હોતા એ પકડાયાઃ કારણ હજુ અકબંધ
રાજકોટ રૂરલ પોલીસે જાદુઈ કામગીરી સાથે ફાયરિંગ કરી અન્ય પ્રાંતમાં કે ભૂગર્ભમાં ઉતરી ગયેલા ચાર પરપ્રાંતીયને પકડી પાડયા એ સારી બાબત છે પરંતુ જેણે જવાબદારી લીધી હતી જેનું સોશિયલ મીડિયા એકાઉન્ટ ચાલું હતું એ સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજાને પોલીસ પકડી શકી નથી. જ્યારે ચાર પૈકી એકેય આરોપીના મોબાઈલ નંબર ન્હોતા, નામ, ઠેકાણાના ખ્યાલ ન્હોતા તે ચાર શખસો રાજકોટ રૂરલ પોલીસે શોધી કાઢ્યા. હજુ સૂત્રધાર હાર્દિકસિંહ જાડેજા પોલીસને હાથ લાગ્યો નથી. જેના અત્યારે તો કારણ શું હશે ? તે અકબંધ છે. હાર્દિકસિંહ પકડાયે જ કારણ બહાર આવશે.