કચ્છના બન્ની વિસ્તારમાં ફરી સંભળાશે ચિત્તાની દહાડ! આફ્રિકાથી આવશે ચિત્તા,કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર તૈયાર
હિંસક વન્ય પ્રાણીઓના વસવાટના મામલે ગુજરાત વધુને વધુ સમૃદ્ધ થતું જાય છે. અહી ગીરમાં એશિયાટીક લાયનની વસતિ છે, દીપડા પણ મોટી સંખ્યામાં છે અને હમણાં રતનમહલના જંગલોમાં વાઘની હાજરી પણ જોવા મળી છે અને હવે કચ્છના બન્નીના ઘાસિયા જંગલો આવનારા સમયમાં ચિત્તા માટે બીજુ ઘર બનશે.બન્ની વિસ્તારમાં ચિત્તા માટે કન્ઝર્વેશન બ્રીડિંગ સેન્ટર બન્યુ છે. 600 હેકટરમાં પથરાયેલા આ જંગલમાં મોટાભાગે 2026માં ચિત્તાનું આગમન થઈ જશે.
વન વિભાગના સુત્રોના જણાવ્યા અનુસાર, બન્નીનું ઘાસિયા જંગલ ચિત્તાને આવકારવા માટે તૈયાર છે અને કેન્દ્ર સરકાર આફ્રિકન દેશો સાથે ચિત્તાની પહેલી ખેપ લાવવા સંદર્ભે વાતચીત કરી રહી છે. ગુજરાતના પ્રિન્સીપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટ ( વાઈલ્ડ લાઈફ) એ.પી.સિંઘે તાજેતરમાં જ કહ્યું હતું કે, અમે કેન્દ્ર સરકારને વહેલી તકે ચિત્તા ગુજરાતમાં લાવવા માટે વિનંતી કરી છે. હજુ સમય નક્કી નથી થયો પરંતુ એક વાત નક્કી છે કે દેશમાં મધ્યપ્રદેશ પછી ગુજરાત ચિત્તાનું બીજુ ઘર બનશે. મોટાભાગે ૨૦૨૬માં ચિત્તા કચ્છમાં આવી જશે.
આ પણ વાંચો :કિંગ કોહલી 15 વર્ષ બાદ વિજય હઝારે ટ્રોફીમાં રમશે: 24 ડિસેમ્બરથી થશે શરૂ ટૂર્નામેન્ટ, વિરાટ દિલ્હીની ટીમ વતી રમશે
તાજેતરમાં વન વિભાગના અધિકારીઓએ મધ્યપ્રદેશમાં ચિત્તાનાં રાષ્ટ્રીય ઉદ્યાનની મુલાકાત પણ લીધી હતી અને મારુરી માર્ગદર્શન મેળવ્યુ હતું. ચિત્તાને બન્નીના ઘાસવાળા જંગલોમાં વસાવવા સંદર્ભે ખેડૂતો સાથે ચર્ચા થઇ ગઈ છે અને તેમના પ્રશ્નો ઉકેલાઈ ગયા છે. કેન્દ્ર સરકારે આ વિસ્તારમાં કન્ઝર્વેશન અને બ્રીડિંગ સેન્ટર બનાવવા માટે મંજુરી પહેલેથી જ આપી દીધી છે. આ સેન્ટરમાં વેટરનરી હોસ્પિટલ, એડવાન્સ મોનીટરીંગ સીસ્ટમ અને બ્રીડિંગ સેન્ટર બની ગયું છે. આ વિસ્તારમાં ચિત્તાના શિકાર માટે જરૂરી એવા ૩૫૦ જેટલા તૃણભક્ષી પણ છોડવામાં આવ્યા છે. જેમાં હરણ અને બ્લેકબક્સનો પણ સમાવેશ થાય છે.
ગુજરાતમાં વાઘ રીઝર્વ ફોરેસ્ટ હોય એવું સપનુ પણ વહેલી તકે સાકાર થશે. છેલ્લા નવ માસથી રતનમહલના જંગલોમાં વાઘની હાજરી જોવા મળી છે અને રાજ્ય સરકારે નેશનલ ટાઈગર કન્ઝર્વેશન ઓથોરિટીને પત્ર લખીને વધારાના ચારથી પાંચ વાઘની માંગણી કરી છે જેથી ગુજરાતનું પહેલું ટાઈગર રીઝર્વ ફોરેસ્ટ જાહેર થઈ શકે.
