રાજકોટના રૈયા સ્માર્ટ સિટીથી કાલાવડ રોડ સુધીના રસ્તાને 44.79 કરોડના ખર્ચે થ્રી-લેન કરવામાં આવશે
રાજકોટ મહાપાલિકા દ્વારા રૈયા સ્માર્ટ સિટીથી કાલાવડ રોડ સુધીના રસ્તાને 44.79 કરોડના ખર્ચે થ્રી-લેન કરવાનો નિર્ણય લેવાયા બાદ આ અંગેની દરખાસ્ત પણ કરી દેવામાં આવી છે જેના ઉપર આજે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા નિર્ણય લેવામાં આવ્યો છે. હાલ આ રસ્તો ટુ-લેન છે જેને પહોળો કરવામાં આવશે. આ રસ્તો તૈયાર થઈ ગયા બાદ પાંચ લાખ લોકોને ફાયદો થશે તેવો અંદાજ તંત્રવાહકો દ્વારા વ્યક્ત કરવામાં આવ્યો છે.

તંત્ર દ્વારા જામનગર રોડથી કણકોટ રોડ સુધીના રસ્તાને ડેવલપ કરવામાં આવશે જેમાં પ્રથમ તબક્કામાં જામનગર રોડથી રૈયા સ્માર્ટ સિટી સુધીના રસ્તાને પહોળો કરવાનું કામ શરૂ થઈ ગયા બાદ હવે બીજા તબક્કામાં રૈયા સ્માર્ટ સિટીથી કાલાવડ રોડને ડેવલપ કરાશે. આ કામ ક્લાસિક નેટવર્ક પ્રાઈવેટ લિમિટેડને 2.52% `ઓન’ મતલબ કે વધુ ભાવ ચૂકવી 44.79 કરોડમાં આપવા માટે મ્યુનિસિપલ કમિશનર દ્વારા સ્ટેન્ડિંગ કમિટીને દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવી છે.

દરખાસ્તમાં જણાવ્યા પ્રમાણે 3900 રનિંગ મીટરમાં રસ્તાને ડેવલપ કરવામાં આવશે જેમાં બંને બાજુ 10.50 મીટરનો કેરેઝ-વે, સ્ટોર્મ વોટર ડ્રેનેજ લાઈ તેમજ ત્રણ પાઈપ કલ્વર્ટ સહિતની કામગીરી કરવામાં આવશે. બીજો તબક્કો પૂર્ણ થયા બાદ ત્રીજા તબક્કામાં કાલાવડ રોડથી કણકોટ રોડ સુધીના રસ્તાને ડેવલપ કરવાનું કામ શરૂ કરવામાં આવશે.
વિપક્ષના વોર્ડનો પણ લેવાયો ‘વારો’
સ્ટેન્ડિંગ કમિટી સમક્ષ વોર્ડ નં.15માં અમુલ સર્કલથી નેશનલ હાઈવે તેમજ રામવન રોડ પર ગરુડ ગેઈટ (ગેઈટ નં.2)થી મહાપાલિકાની હદ સુધીના રસ્તાને ડેવલપ કરવા 14.70 કરોડના ખર્ચે શ્રીજી દેવકોન (ઈન્ડિયા) પ્રા.લિ.ને 0.45% ડાઉન ભાવથી કામ આપવાની દરખાસ્ત કરવામાં આવી હતી જે મંજૂર કરવામાં આવી છે. આ માટે અંદાજે 60500 ચોરસ મીટરમાં રોડ ડેવલપ કરાશે.
આ પણ વાંચો : જે કામ બે વર્ષે પૂર્ણ થાય તેને છ મહિનામાં પૂરું કરાવશે રાજકોટ મનપા ! ત્રણ એજન્સી પાસેથી રોડ-રસ્તાનું કામ લેવાશે
થ્રી-લેન રસ્તો કઈ રીતે બનશે ?
આ અંગે વેસ્ટ ઝોન સિટી ઈજનેર કુંતેશ મહેતાનો સંપર્ક સાધતાં તેમણે જણાવ્યું કે રૈયા સ્માર્ટ સિટીથી કાલાવડ રોડ સુધીનો રસ્તો થ્રી-લેન બનશે કેમ કે સ્માર્ટ સિટી આસપાસના રસ્તાના પડખામાં તેમજ બીઆરટીએસ રૂટ ઉપર કોઈ પ્રકારની કામગીરી કરવામાં આવનાર નથી એટલા માટે આ રોડ થ્રી-લેન બનશે.