રાજકોટના પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રસ્તો ડામરથી મઢી દેવાશે : 5.81 કરોડના ખર્ચે નવું ડામરકામ તેમજ પેવિંગ બ્લોક પથરાશે
જ્યાંથી એસ.ટી., લકઝરી બસ, ટ્રક, ફોર-વ્હીલર, ટુ-વ્હિલર સહિતના હજારો વાહનોની દૈનિક અવર-જવર રહે છે તે રાજકોટના પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રસ્તો ડામરથી મઢી દેવા માટે સ્ટેન્ડિંગ કમિટીએ મંજૂરી આપી હતી. છેલ્લા ઘણા સમયથી આ રસ્તો રિપેરિંગ માંગી રહ્યો હોય આખરે મ્યુ.કમિશનર દ્વારા દરખાસ્ત કરાઈ હતી જેને મંજૂરી આપવામાં આવી હતી.

સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન જયમીન ઠાકરે જણાવ્યું કે વોર્ડ નં.૫ના પારેવડી ચોકથી ગ્રીનલેન્ડ ચોકડી સુધીનો રસ્તો કે જે અંદાજે ત્રણ કિલોમીટર લાંબો છે ત્યાં 5.81 કરોડના ખર્ચે 47600 ચોરસમીટર જગ્યામાં ડામર રિ-કાર્પેટ મતલબ કે ડામરકામ તેમજ 13500 ચોરસમીટરમાં પેવિંગ બ્લોક પાથરવાનું કામ કરવામાં આવશે. આ માટે પ્રસિદ્ધ થયેલા ટેન્ડરમાં છ એજન્સીએ ભાગ લીધો હતો જેમાં 2.25% ‘ઓન’ એટલે કે વધુ ભાવ મારૂતિનંદન કન્સ્ટ્રક્શન દ્વારા આપવામાં આવતાં તેને આ કામ આપવામાં આવ્યું છે.
આ પણ વાંચો : અનિરૂધ્ધસિંહ જાડેજાની આજીવન કેદ સજા માફી 7 વર્ષ બાદ થઇ રદ : વાંચો હત્યા અને સજા માફી સુધીનો સમગ્ર ઘટનાક્રમ
આ ઉપરાંત સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ત્રણે ઝોનમાં ચોમાસા દરમિયાન જેટ પેચર મશીનથી રસ્તા પરના ખાડા બૂરવા માટે 2.53 કરોડના ખર્ચ, વોર્ડ નં.18માં કોઠારિયા સોલવન્ટ વિસ્તારમાં આરોગ્ય કેન્દ્ર બનાવવા, વોર્ડ નં.18ના અલગ-અલગ વિસ્તારોમાં પેવિંગ બ્લોક નાખવા સહિતના કામોની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી.
