ધો.10 અને ધો.12 નું પરિણામ 15 દિવસ ‘વહેલું’જાહેર થશે..!!
આ વર્ષે શિક્ષણ બોર્ડ દ્વારા 15 દિવસ પરીક્ષા વહેલી લેવાય અને મૂલ્યાંકનની કામગીરી ઝડપથી શરૂ થઈ જતાં એપ્રિલ મહિનાના અંત સુધીમાં રિઝલ્ટ જાહેર તેવો નિર્દેશ
આ વર્ષે ધોરણ 10 અને ધોરણ 12 ની બોર્ડની પરીક્ષાનું પરિણામ 15 થી 20 દિવસ જેટલું વહેલું આવશે તેવું શિક્ષણ વિભાગનાં તજજ્ઞોએ જણાવ્યું હતું. ગુજરાતના શિક્ષણ માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક બોર્ડ દ્વારા બોર્ડની પરીક્ષા દર વર્ષ કરતાં આ વખતે 15 દિવસ વહેલાસર લેવાય હતી.આ સપ્તાહમાં બોર્ડની પરીક્ષા પૂરી થશે તે પૂર્વે જ રાજકોટ સહિત રાજ્યભરમાં મધ્યસ્થ મૂલ્યાંકન કેન્દ્રોમાં પેપરની ચકાસણી શરૂ થઈ ગઈ છે.તા.13 માર્ચ સુધીમાં મુખ્ય પરીક્ષા પુરી થઈ જશે.
ગુજરાતમાં ધોરણ 10 ના 214 મૂલ્યાંકન સેન્ટર જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહના 175 અને ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહના 69 મળી કુલ 458 મધ્યસ્થ મૂલ્યાંકન સેન્ટરો પર પેપરોની ચકાસણી શરૂ થઈ ગઈ છે, ઉત્તરવહીની ચકાસણીમાં કુલ 69,284 પરીક્ષકો દ્વારા ઉત્તરવહીનું મૂલ્યાંકન કરવામાં આવી રહ્યું છે.
દર વર્ષે 15 મે પછી પરિણામ જાહેર થાય છે. ગયા વર્ષે ધોરણ 10નું પરિણામ 9 મે અને ધો.12 વિજ્ઞાન પ્રવાહનું પરિણામ 11 મે ના રોજ જાહેર થયું હતું. જ્યારે ધોરણ 12 સામાન્ય પ્રવાહનું પરિણામ 20 મે પછી જાહેર કરવામાં આવ્યું હતું. તેની સરખામણીએ આ વર્ષે 15 થી 20 દિવસ પહેલા એટલે કે એપ્રિલ મહિનાના અંત સુધીમાં આ પરિણામ જાહેર થાય તેવી પ્રબળ સંભાવના વ્યક્ત કરી છે.જો કે આ બાબતે બોર્ડ દ્વારા કોઈ સત્તાવાર જાહેરાત કરાઈ નથી.