ધો.10-12નું પરિણામ એકાદ મહિનો વહેલું જાહેર થશે
પરીક્ષા પૂરી થયાના બીજા જ દિવસથી શરૂ થશે પેપર ચેકિંગ.
ડેટા એન્ટ્રી 45ના બદલે 10-15 દિવસમાં જ પૂરી કરાશે.
ધો. ૧૦ અને ધો. ૧૨ની પરીક્ષા સોમવારથી શરુ થઇ રહી છે અને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચતર માધ્યમિક શિક્ષણ બોર્ડે પરીક્ષા લેવા ઉપરાંત આ વખતે પરિણામો પણ એકાદ મહિનો વહેલા આપવાની તૈયારી કરી છે
સામાન્ય રીતે ધોરણ 10 અને 12ની બોર્ડની પરીક્ષાનું પરિણામ મે મહિનામાં જાહેર થતું હોય છે. પરંતુ આ વખતે એકાદ મહિના વહેલું પરિણામ જાહેર કરી દેવાશે. એપ્રિલ મહિનાના મધ્યમાં કે અંત સુધીમાં બોર્ડની પરીક્ષાનું પરિણામ જાહેર થઈ જશે.
બોર્ડના સૂત્રોના જણાવ્યા અનુસાર, પેપરના મૂલ્યાંકનમાં ફેરફાર કરવામાં આવ્યા છે અને તેના કારણે પરિણામ વહેલું જાહેર થશે. બોર્ડની પરીક્ષા પૂર્ણ થવાના બીજા જ દિવસે પેપર તપાસવાની કામગીરી શરૂ કરી દેવામાં આવશે.
પરિણામ તૈયાર કરવા માટે બોર્ડ 500 જેટલા ડેટા ઓપરેટરોને રોકશે. સામાન્ય રીતે 60 ડેટા ઓપરેટરોને આ કામગીરી માટે રોકવામાં આવે છે પરંતુ ચાલુ વર્ષે તેમાં મોટો વધારો કરવામાં આવ્યો છે.
સૂત્રોના જણાવ્યા અનુસાર, પેપર તપાસ્યા પછી માર્ક ઓનલાઈન અપલોડ કરવાની કામગીરીમાં સામાન્ય રીતે 45 દિવસ લાગે છે. પરંતુ ચાલુ વર્ષે 10-15 દિવસમાં જ ડેટા એન્ટ્રીનું કામ પૂર્ણ કરી દેવાશે. જેથી બોર્ડ સામાન્ય કરતાં એક મહિનો વહેલું પરિણામ જાહેર કરી શકે. અત્યાર સુધી એવું બનતું હતું કે, ઉત્તરવહીઓ તપાસવાનું કામ પૂર્ણ થયા પછી ડેટા એન્ટ્રી શરૂ થતી હતી. પરંતુ આ વખતે ડેટા એન્ટ્રી ઉત્તરવાહીઓ તપાસવાની સાથે જ થશે.