રાજકોટ મનપામાં TPOની જગ્યા ફરી ખાલી પડી: ઈન્ચાર્જ TPOની સુમરાની બદલીઃ ‘રૂડા’ના બે અધિકારી બદલાયા
રાજકોટ ટીઆરપી ગેઈમ ઝોન અગ્નિકાંડ બાદ મહાપાલિકાની ટાઉન પ્લાનિંગ શાખાને જાણે કે ‘ગ્રહણ’ લાગી ગયું હોય તે પ્રકારે કાયમી ટાઉન પ્લાનિંગ ઓફિસર જ મળી રહ્યા નથી. એમ.ડી.સાગઠિયાના જેલમાં ગયા બાદ અહીં ઈન્ચાર્જથી જ ગાડું ગબડાવાઈ રહ્યું છે. આઠ મહિના પહેલાં અહીં ઈન્ચાર્જ અધિકારી મુકાયા હતા જેમની હવે સુરત બદલી થઈ જતા ફરી નવા અધિકારીની રાહ જોવી પડશે.
સરકાર દ્વારા રાજકોટ સહિત ગુજરાતના 12 પ્રવર નગર નિયોજક વર્ગ-1ના પાંચ અધિકારીની બદલી કરી હતી જેમાં રાજકોટ અર્બન ડેવલપમેન્ટ ઓથોરિટી (રૂડા)ના પ્રવર નગર નિયોજક દિનકર એમ.પટેલની સુરત, પ્રવર નગર નિયોજક, રાજકોટ નગર રચના યોજના તેમજ મહાપાલિકાના ઈન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર કિરણ આર.સુમરાની સુરત ખાતે બદલી કરવામાં આવી હતી.
આ પણ વાંચો :દાદા સરકારનું નવું મંત્રીમંડળ : 19 નવા ચહેરાઓ, 8 કેબિનેટ મંત્રી, આ દિગ્ગજોનું પત્તું કપાયું, જાણો કોને પડતાં મુકાયા
જ્યારે સાત અધિકારીની પ્રવર નગર નિયોજક વર્ગ-1 તરીકે બઢતી કર્યા બાદ નિમણૂક કરી પોસ્ટીંગ આપવામાં આવ્યું હતું જેમાં જામનગર વિસ્તાર વિકાસ સત્તામંડળના મુકુંદરાય બી.કોઠિયાને રાજકોટ શહેરી વિકાસ સત્તામંડળ (રૂડા) તેમજ જૂનાગઢ શહેરી વિકાસ સત્તામંડળના રામસીંગ દલાભાઈ પરમારને રાજકોટ નગર રચના યોજના અધિકારી તરીકે મુકવામાં આવ્યા હતા.
આ પ્રકારે રૂડાના બે અધિકારી ઉપરાંત મહાપાલિકાના ઈન્ચાર્જ ટાઉન પ્લાનિંગ ઓફિસર અને રાજકોટ સહિત સૌરાષ્ટ્રના તમામ જિલ્લાની ટાઉન પ્લાનિંગ સ્કીમ તૈયાર કરનારા એક અધિકારી મળી ત્રણ અધિકારીની બદલી થવા પામી હતી.
