2029ની લોકસભાની ચૂંટણી પહેલા બદલાઈ જશે ગુજરાતનો રાજકીય નક્શો: રાજકોટમાં લોકસભાની બે સીટ થશે
કેન્દ્ર સરકાર આગામી લોકસભાની ચૂંટણી પૂર્વે મહિલા અનામત લાગુ કરવાનો વિચાર કરી રહી છે અને આ દિશામાં કાર્યવાહી પણ શરુ કરી દીધી છે સાથોસાથ લોકસભાની સીટમાં વધારો કરવાની તૈયારી પણ ચાલી રહી છે. સરકારે સૂચન કર્યું છે કે લોકસભાની વર્તમાન 543 સીટોને વધારી 816 કરવામાં આવે, જેમાં મહિલાઓ માટે 273 સીટો સામેલ છે. લોકસભાની આ નવી વ્યવસ્થા 2029ની લોકસભા ચૂંટણીથી લાગૂ થઈ શકે છે. ત્યારે ગુજરાતમાં પણ બેઠકો વધશે તેવું સુત્રો માની રહ્યા છે. જાણકારો એવી ગણતરી રાખી રહ્યા છે કે નવા સીમાંકન બાદ ગુજરાતમાં લોકસભાની સીટની સંખ્યા ૨૬માંથી વધીને ૩૯ થશે અને રાજકોટ, વડોદરા અને સુરત જેવા શહેરોમાં જ્યાં એક એક બેઠક છે ત્યાં ત્યાં બે બેઠક થઇ શકે છે.
હાલમાં અમદાવાદમાં પૂર્વ અને અમદાવાદ પશ્ચિમ એમ બે બેઠક છે અને ત્યાં પણ એક બેઠક નો વધારો થઇ શકે છે. આ જ રીતે રાજકોટ પૂર્વ અને રાજકોટ પશ્ચિમ એમ બે બેઠક થઇ શકે. આ જ પ્રમાણે વડોદરા અને સુરતમાં પણ એક એક બેઠકનો વધારો કરવામાં આવી શકે છે.

એક અંગ્રેજી અખબારના અહેવાલ અનુસાર, કેટલાક વિપક્ષી નેતાઓ સાથે બેઠકમાં ગૃહમંત્રી અમિત શાહે અધિનિયમમાં સંશોધન કરી અને દરેક રાજ્યોને ફાળવાયેલી સીટોના વર્તમાન ગુણોત્તરને બનાવી રાખતા લોકસભાની કુલ સંખ્યાને અલગથી વધારવાનું સૂચન કર્યું. પરંતુ સીટોની મર્યાદા નક્કી કરવા (પરિસીમન) નું કામ 2011ની વસ્તી ગણતરીના આધારે થવાની સંભાવના છે.
દેશમાં લોકસભાની સીટો વધશે તો તેની અસર ગુજરાતમાં જોવા મળશે. ગુજરાતનો રાજકીય નક્શો 2029 પહેલા બદલાઈ જશે. ગુજરાતમાં વર્તમાનમાં 26 લોકસભા સીટ છે, જેમાં વધારો થશે. વર્તમાન રિપોર્ટ અનુસાર ગુજરાતમાં 39 લોકસભા સીટ થઈ શકે છે, એટલે કે 13 સીટનો વધારો થશે. આ સાથે એસસી અને એસટી અનામતની સીટોમાં પણ ફેરફાર થઈ શકે છે. ગુજરાતની વર્તમાન 26 લોકસભા સીટો વધીને 39 થશે. તો તેમાંથી 1/3 એટલે કે 13 સીટો મહિલાઓ માટે અનામત રાખવામાં આવી શકે છે.
આ સિવાય ગુજરાતમાં કુલ લોકસભાની વર્તમાન 26 બેઠકોમાંથી અનુસૂચિત જાતિ અને અનુસૂજિત જનજાતિ માટે અનામત બેઠકો છે. રાજ્યમાં કુલ બે સીટો અનુસૂચીત જાતિ અને 4 સીટ અનુસૂચિત જનજાતિ માટે અનામત છે. લોકસભાની કુલ બેઠકોની સંખ્યામાં વધારો થવાને કારણે આ અનામત બેઠકોમાં પણ ફેરફાર થઈ શકે છે.
મહિલા અનામત લાગૂ થયા બાદ દેશની સર્વોચ્ચ પંચાયતમાં મહિલા સાંસદોની સંખ્યામાં વધારો થશે. દેશની રાજનીતિમાં મહિલાઓને મુખ્ય ધારામાં સામેલ થવાની તક વધશે. આ સાથે દરેક રાજકીય પાર્ટીઓની અંદર મહિલા નેતાઓનું પ્રતિનિધિત્વ વધશે. આ સિવાય રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિમાં ફેરફાર કરવો પડશે. નવી સીટો અને અનામત બેઠકો પ્રમાણે રાજકીય પાર્ટીઓએ પોતાની રણનીતિ ઘડવી પડશે.
ક્યા રાજ્યોમાં કેટલી સીટો વધશે
ઉત્તર પ્રદેશની વર્તમાન 80 સીટો વધીને 120 થઈ શકે છે (40 સીટનો વધારો). મહારાષ્ટ્રની વર્તમાન 48 સીટો વધી 72 થઈ શકે છે (24 સીટનો વધારો) પશ્ચિમ બંગાળમાં વર્તમાન 42 સીટો વધી 63 થઈ શકે છે (21 સીટનો વધારો). બિહારની વર્તમાન 40 સીટો વધી 60 થઈ શકે છે (20 સીટનો વધારો). મધ્યપ્રદેશમાં 29 સીટો વધી 44 થઈ શકે છે (15 સીટનો વધારો). રાજસ્થાનની 25 સીટો વધી 38 સીટો થવાની સંભાવના (13 સીટનો વધારો). ગુજરાતની વર્તમાન 26 સીટો વધી 39 થઈ શકે છે (13 સીટનો વધારો) થઈ શકે છે.
