લો બોલો! પોલીસ જ દારૂની ધંધાર્થી: એક કારમાં દારૂનો જથ્થો ભર્યો,બીજી કારે કર્યુ પાઇલોટીંગ
દારૂબંધી વાળા પ્રદેશ ગુજરાતમાં પોલીસ દારૂના ધંધાને છુટ આપે છે, હપ્તા લે છે એ સુધી ના તો રાજકીય પ્રહારો થતા રહે છે. પરંતુ પોલીસ પોતે જ દારૂના ધંધા કરતી હોય તો દારૂ બંધીનો અમલ શક્ય જ કેમ થાય? દાહોદના ઝાલોદ તાલુકાના ચાકલીયા પોલીસ મથકના જ ત્રણ પોલીસ કર્મીઓ રાજસ્થાનથી દારૂની ખેંપ મારતા હોવાનો ભાંડાફોડ થતા ત્રણેય પોલીસ મેન સામે તેમના જ પોલીસ મથકમાં ગુનો નોંધાયો છે.
ચાકલીયા પોલીસ મથકનો જમાદાર મોહન પ્રકાશભાઇ તાવિયાડ પોતાની જીજે-35-એન-8922 નંબરની પંચ કારમાં રાજસ્થાન તરફથી વિદેશી દારૂનો જથ્થો ભરીને લઇ આવ્યો હતો. જ્યારે અન્ય બે સાથીદાર પ્રકાશ સબુરભાઇ હઠીલા અને અર્જુન ધનુભાઇ ભુરીયા દારૂ ભરેલી કારનું જીજે-20-સીએ-8959 નંબરની પ્રકાશની કારમાં પાઇલોટીંગ કરતા હતા. ત્રણેય દારૂ ઘર સુધી એટલે કે તેમના પોલીસ મથક વિસ્તારમાં પહોંચી ગયા. જો કે, કાંઠે આવીને ડુબ્યાની માફક તેમની જ દાહોદ પોલીસ ચેકીંગમાં ઉભી હતી.
દાહોદ પોલીસે કાર અટાવતા બંનેએ કાર ફૂલ સ્પીડે ભગાવી હતી. એલસીબી તથા સ્થાનિક પોલીસે પણ પીછો કર્યો હતો. જમાદાર મોહને કાબુ ગુમાવતા દારૂ ભરેલી કાર ગટરમાં ફસડાઇ પડી હતી. જેથી કાર રેઢી મુકી ત્રણેય નાસી છુટ્યા હતાં. બંને કાર, દારૂનો જથ્થો કાર પોલીસે કબજે લીધા હતા. ખાખીની આડમાં દારૂની ખેપ મારનાર ત્રિપુટી સામે ગુનો નોંધ્યો હતો.
