સામાન્ય જનની શાંતિ, સુખાકારી એ અમારા માટે સાચી દિવાળી! રાજકાટ શહેર-જિલ્લાના IAS, IPS ઓફિસર્સનો દિપોત્સવી પર્વ ઉજવણીનો સહિયારો સૂર
ભારત દેશમાં જ નહીં દુનિયાના કોઈપણ ખૂણે વસતા ભારતીયોમાં દિપોત્સવી પર્વમાં અનેરો ઉમંગ હોય છે. હર્ષોલ્લાસથી પ્રકાશ પર્વ દિવાળીને ઉજવે છે. રાજકોટવાસીઓમાં પણ દિવાળીની ઉજવણીનો આનંદ આતશબાજીની માફક આકાશે આંબે તેવો રહે છે. નવી ઉર્જા, ઉજાસના તહેવાર દિવાળીની ઉજવણી રાજકોટ શહેર, જિલ્લામાં ફરજ બજાવતા આઈએએસ, આઈપીએસ ઓફિસર્સ કેવી રીતે કરે છે તે બાબતે `વોઈસ ઓફ ડે’ દ્વારા પ્રયાસ થતાં તમામ ઉચ્ચ અધિકારીઓનો દિપોત્સવી પર્વ ઉજવણીનો સહિયારો સૂર એવો રહ્યો કે લોકોની શાંતિ, સુખાકારી એ અમારી સાચી દિવાળી. સામાન્ય જનના જીવનમાં વર્ષ દરમિયાન આનંદ, ઉલ્લાસ, પ્રકાશ પથરાય તેવા કાર્યો કરવા માટેની ઉર્જા ઉજાસ પાથરતું પર્વ દિવાળી છે.
રાજકોટમાં મારી આ પ્રથમ દિવાળી અધિક કલેક્ટર આલોક ગૌતમ
રાજકોટ જિલ્લાના અધિક કલેક્ટર આલોક ગૌતમે દિવાળી પર્વ કઈ રીતે, ક્યા ઉજવશે એ બાબતે જણાવ્યું હતું કે, પોતાની રાજકોટમાં આ પ્રથમ દિવાળી છે. દિવાળીના પર્વની રજાઓ દરમિયાન લોકોની સુખાકારી તેમજ આવી બાબતોને ધ્યાને લઈને હેડ ક્વાર્ટર (રાજકોટ) છોડવાના નથી. રાજકોટમાં જ પરિવાર સાથે રહીને તેમજ રજામાં રાજકોટ નજીકના આસપાસના કોઈ ઐતિહાસિક કે ફરવાલાયક સ્થળો પર જશે. લોકો ફટાકડા ફોડવામાં, આતશબાજી સમયે પોતે દાઝે નહીં કે આગ કે આવી અન્ય કોઈ દૂર્ઘટનાઓ ન ઘટે તે માટે સચેત રહે તેવી અપીલ પણ કરી છે.
તહેવારોમાં જવાબદારી વધી જાય, પરિવારને અહીં જ બોલાવ્યોઃ સી.પી. બ્રજેશકુમાર ઝા
રાજકોટના શહેરીજનોની શાંતિ, સુખાકારી, સુરક્ષા માટે શહેર પોલીસ દોડતી રહે છે પરંતુ તહેવારોમાં જવાબદારી વધી જાય. દિવાળી પર્વ દરમિયાન કોઈ સ્થળે કોઈ ઘટના, દૂર્ઘટના ન બને તે માટે પોલીસ એલર્ટ મોડ સાથે કાર્યરત છે. પોતે રજાના દિવસે રવિવારે પણ ઓફિસ પર છે. દિવાળી પર્વ ઓન ડ્યુટી સાથે જ મનાવાશે. પરિવાર સાથે દિવાળીની ઉજવણી થઈ શકે તે માટે પરિવારજનોને રાજકોટ બોલાવી લેવાયા છે. કોઈને નુકસાન ન પહોંચે, ફટાકડા ફોડતા સમયે બાળકોનું ખાસ ધ્યાન રાખે, સૌ મન ભરીને દિપોત્સવી પર્વ ઉજવે તેવી શહેરીજનોને શુભેચ્છા.
વૃધ્ધાશ્રમમાં જઇને દિવાળી ઉજવીશું રાજકોટ રેન્જ આઇજી અશોકકુમાર યાદવ
રાજકોટ રેન્જના આઈ.જી. અશોકકુમાર યાદવે જણાવ્યું હતું કે, દિવાળી પર્વ એ પ્રકાશનું પર્વ છે. સૌના ઘરમાં દિપ પ્રજવલિત થાય તેવી શુભેચ્છાઓ તેમજ ક્રાઈમ ફ્રી સોસાયટી બને તેવા પોલીસ અધિકારી તરીકેના પુરી ટીમ સાથેના પ્રયાસો છે. પાંચેય જિલ્લાના એસપીને તેમના જિલ્લામાં જે કોઈ પોલીસ કર્મીઓના દેહાંત થયા હોય તેમના ઘરે જઈને સ્વીટ સાથે પારિવારિક હૂંફ આપવા સૂચિત કરાયા છે. 5ોતે દિવાળીના દિવસે પોતે વૃધ્ધાશ્રમમાં જશે અને ત્યાં વૃધ્ધો, અશક્તોને મીઠાઈ સાથે દિવાળીની શુભેચ્છા આપી દિવાળી મનાવશે.
ડે ટુ ડે ક્રાઇમ ઘટે તેવા પ્રયાસો, પોલીસ સાથે દિવાળીની ઉજવણીઃ S.P. વિજયસિંહ ગુર્જર
રાજકોટ રૂરલના એસ.પી. વિજયસિંહ ગુર્જરે કહ્યું કે, રાજકોટ જિલ્લામાં શાંતિ, સલામિત વધુ સુદૃઢ બને ડે ટુ ડે ક્રાઈમ (દિવસે ને દિવસે ગુનાખોરી) ઘટે. લોકો વધુ સુરક્ષિત બને તેવા રાજકોટ રૂરલ પોલીસના સતત પ્રયત્નો છે. આવા પ્રયાસો સાથે દિવાળી પર્વની ઉજવણી કરાશે. અમારો એક પરિવાર વતનમાં હોય છે. બીજો પરિવાર જ્યાં ડ્યુટી પર હોઈએ તે પોલીસ હોય છે. રાજકોટમાં પરિવાર સાથે ઉપરાંત પોલીસ પરિવારજનો સાથે મળીને મનાવીશું. દિવાળી પર મિનિ વેકેશન જેવી રજામાં લોકો ફરવા જતાં હોય છે ત્યારે ઘરમાં કોઈ કિંમતી વસ્તુઓ, રોકડ ન રાખે તેમજ ખાસ સોશિયલ મીડિયામાં કોઈ પોસ્ટ ન મુકે.
બંદોબસ્ત સાથે મનાવીશું દિવાળી : ડીસીપી ક્રાઇમ જગદીશ બાંગરવા
દિવાળી પર્વ ઉજવણી સંદર્ભે રાજકોટ શહેર ડીસીપી ક્રાઈમ જગદીશ બાંગરવાએ જણાવ્યું કે દિવાળીનો તહેવાર લોકો શાંતિ અને આનંદ, ઉત્સાહપૂર્વક ઉજવી શકે તે માટે પર્વ દરમિયાન પોલીસ પેટ્રોલિંગ કરવામાં આવશે. બંદોબસ્તમાં વ્યસ્ત રહેશે. અમારા માટે તો શહેરીજનો શાંતિથી પર્વ ઉજવી શકે એ જ અમારી સાચી ઉજવણી છે. શહેરીજનોને ખાસ અપીલ છે કે જ્યારે બહાર જાવ ત્યારે ઘરમાં કોઈ કિંમતી વસ્તુઓ કે રોકડ ન રાખો. સોશિયલ મીડિયામાં પોતે કયા છે તે પોસ્ટ, સ્ટેટસ ન મુકે.
જ્યાં ફરજ પર હોય તે જ વતન : ડીસીપી ઝોન-2 રાકેશકુમાર દેસાઇ
રાજકોટશહેર ઝોન-2ના ડીસીપી રાકેશકુમાર દેસાઈએ જણાવ્યું હતું કે, આમ તો તમામ તહેવારોમાં પોલીસ માટે સવિશેષ રીતે ડ્યુટી વધુ રહે છે. અધિકારીઓએ પણ એલર્ટ રહેવું પડે છે. પોતાની રાજકોટ શહેરમાં આ પ્રથમ દિવાળી છે અને જ્યાં પોસ્ટિંગ થાય ત્યાં પરિવાર સાથે શીફ્ટ થઈ જાવ છું. પોલીસ ડિપાર્ટમેન્ટમાં ડ્યુટીને લઈને વતન તો જઈ શકાતું ન હોવાથી જ્યાં ફરજ હોય તે સ્થળને જ વતન માની લઈએ છીએ. આમ, પરિવારના નજીકના સભ્યો સાથે તેમજ પોલીસ પરિવાર કર્મીઓ સાથે દિવાળી પર્વની ઉજવણી કરીશું. ઉજવણી સમયે ખાસ તો ફટાકડા ફોડતા લોકો ધ્યાન રાખે તેવી પણ અપીલ કરી છે.
સિનિયર સિટીઝન્સને સાથે દિવાળી મનાવીશુંઃ ડીસીપી ઝોન-1 હેતલ પટેલ
રાજકોટ શહેર ડીસીપી ઝોન-1 હેતલ પટેલે કહ્યું કે, રાજકોટમાં પોતાની પ્રથમ દિવાળી છે. અહીંનું કલ્ચર ખુબ જ સરસ છે. અમને પરિવાર જેવું લાગે છે. પોલીસ મથકોમાં અધિકારીઓને ખાસ તો સિનિયર સિટીઝન્સ હોય કોઈ જરૂરિયાતમંદ વૃધ્ધ પરિવાર હોય તેઓની મદદ કરવા માટે સૂચિત કરાયા છે. દિવાળી પર્વમાં સ્ટાફ સાથે ઓન ડ્યુટી જ રહેશે. સિનિયર સિટીઝન્સને મળશે તેમની સાથે દિપાવલીની ખુશીઓ બાંટશે. પરિવારજનોને અહીં બોલાવ્યા છે. તેમની સાથે દિવાળી મનાવશે. પૂજા, અર્ચના કરશે તેમજ પોલીસ પરિવારો સાથે મળીને દિવાળીની શુભેચ્છા પાઠવશે.
પરિવાર અને પોલીસ સાથે દિવાળી ઉજવીશુંઃ ડીસીપી ટ્રાફિક ડો.જાડેજા
રાજકોટ શહેરના ડીસીપી ટ્રાફિક ડો.હરપાલસિંહ જાડેજાના કહેવા પ્રમાણે પર્વ પર સલામતિ, સુરક્ષાની સાથે ટ્રાફિકની પણ પોલીસ પર વધુ જવાબદારી રહે છે. રાજકોટમાં શહેરીજનો દિવાળી પર્વમાં ટ્રાફિકની કોઈ મુશ્કેલી ન ઉદ્ભવે તે માટે ટ્રાફિક પોલીસના અધિકારીઓથી લઈ સ્ટાફ સાથેની પુરી ટીમ તકેદારી રાખીશું. આમ તો પોતાની દિવાળીની ઉજવણી સાદગીપૂર્ણ રહેતી હોય છે. પર્વ પર વતનમાં વડિલો પાસે જઈ શકાતું ન હોવાથી માતા સહિતના પરિવારજનોને રાજકોટ બોલાવ્યા છે. પરિવાર તેમજ પોલીસ સ્ટાફ સાથે દિવાળી ઉજવશું.
રાજકોટમાં જ પરિવાર સાથે દિવળી ઉજવશુંઃ મ્યુ. કમિશનર તુષાર સુમેરા
સુરેન્દ્રનગરના વતની અને ભરુચમાં કલેક્ટર તરીકે ફરજ બજાવ્યા બાદ રાજકોટ મ્યુનિસિપલ કમિશનર તરીકે મુકાયેલા તુષાર સુમેરા પરિવાર સાથે રાજકોટમાં જ દિવાળીની ઉજવણી કરશે. આમ તો તુષાર સુમેરા રાજકોટમાં એમ.એ.નો અભ્યાસ કરી ચૂક્યા હોવાથી તેઓ અહીંની પર્વની ઉજવણીથી `તાસીર’થી ખાસ્સા વાકેફ છે પરંતુ મ્યુનિસિપલ કમિશનર તરીકે તેમની પ્રથમ દિવાળી હોય તેની `યાદગાર’ ઉજવણી કરશે. આ અંગે તેમણે જણાવ્યું કે હું જ્યારે અહીં અભ્યાસ કરતો હતો તે સમયે શહેરમાં દિવાળીની ઉજવણી હર્ષોલ્લાસ સાથે જ થતી હતી પરંતુ હવે અહીં દિવાળી કાર્નિવલ સહિતનું આયોજન થઈ રહ્યું હોવાથી તેને માણવાની તક પણ મળી છે.
