મા-બાપ વગરની દીકરીને આખરે મળ્યો ‘ન્યાય’! સરકારના દ્વાર ખટખટાવતાં જ તાત્કાલિક પૈસા પરત મળ્યા,વાંચો શું છે સમગ્ર મામલો
માતા-પિતા વગરની એક દીકરી કે જેના ખભે ઘર ચલાવવાની સાથે જ ભાઈના ઉછેરની જવાબદારી આવી પડી હોય બરાબર ત્યારે જ આવી દીકરીને જમીન માફિયાઓ જમીન ખરીદ કર્યા બાદ બાકી રહેતા પૈસા ન આપતા હોય ત્યારે સૌ કોઈનું હૈયુ હચમચી જવું સ્વાભાવિક છે. આવી જ એક દીકરી ‘ન્યાય’ માટે ચારે બાજુ વલખાં મારી રહી હતી. આખરે બ્રહ્મ અગ્રણીના ધ્યાને તે આવી જતાં તેમણે દીકરીને સાથે રાખી નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીના દ્વાર ખટખટાવ્યા હતા. જો કે હર્ષ સંઘવી પોતાની ઓફિસમાં આવે તે પહેલાં જ OSDA દીકરીની સ્થિતિ પારખી જઈ એક્શન લઈ લેતાં આખરે ‘ન્યાય’ પણ મળી ગયો હતો.
આ વાત જૂનાગઢ બાયપાસ રોડ પર મધુરમ સોસાયટીમાં ભાડાના મકાનમાં રહેતી દીકરીની છે. આ દીકરીને તેની માતાએ મરણપથારીએથી એક નાનું મંગળ સૂત્ર અને બૂટી આપ્યા બાદ દુનિયા છોડી દીધી હતી. આ પછી પિતા કે જે ભિક્ષાવૃત્તિ કરતા હતા તેમની તબિયત પણ બગડતાં તેમને હોસ્પિટલમાં દાખલ કરવા પડયા હતા. પિતાની સારવાર માટે માતાએ આપેલું મંગળસૂત્ર દીકરીએ બેન્કમાં ગીરવે મુકી એક લાખની લોન લીધી હતી પરંતુ એ તમામ પૈસા ખર્ચ થઈ ગયા હતા. આ પછી પિતાના નામે વિસાવદર તાલુકામાં આવેલી ચાર વિઘા જમીનનું વેચાણ કર્યું હતું જેમાંથી ત્રણ લાખ રૂપિયા મળ્યા હતા અને બાકીના એક લાખ જમીનની એન્ટ્રી પડે પછી આપવાની શરતે દસ્તાવેજ કરી દીધો હતો.
ત્રણ લાખની રકમ પણ પિતાની સારવાર પાછળ ખર્ચ થઈ ગઈ હતી પરંતુ સારવાર કારગત ન નિવડતા પિતાનું પણ અવસાન થઈ જતાં દીકરી અને તેનો ભાઈ નોધારા બની ગયા હતા. આ પછી દીકરીએ અમુર ડેલીફાર્મમાં નોકરી કરી હતી પરંતુ તેના મનમાં એક કચવાટ એ હતો કે તેણે માતાની અંતિમ નિશાનીરૂપ મંગળસૂત્ર બેન્કમાં ગીરવે મુક્યું હોય તેને છોડાવી શકતી નથી.
વળી, એક લાખ રૂપિયા જમીન માફિયાઓ દ્વારા પરત અપાઈ રહ્યા ન હોય ન્યાય માટે તેણે દરેક તંત્રના દરવાજા ખટખટાવી લીધા હતા પરંતુ સફળતા મળી ન્હોતી. આ પછી બ્રહ્મ અગ્રણી જયેશ દવેના ધ્યાને આ દીકરી આવી જતાં તેણે નાયબ મુખ્યમંત્રી હર્ષ સંઘવીની મુલાકાત કરાવવાનો નિર્ણય લઈ ગાંધીનગર પહોંચ્યા હતા. હજુ તો હર્ષ સંઘવી પોતાની ઓફિસમાં આવ્યા પણ ન્હોતા તે પહેલાં તેમના ઓએસડી આશિષ વાળાએ દીકરીની વેદના સાંભળી લેતા તેમનું હૈયુ પણ હચમચી ગયું હતું.
ત્યારબાદ તેમણે તાત્કાલિક જૂનાગઢ એસપી સુબોધ ઓડેદરાને ફોન કરી દીકરીને તાત્કાલિક ન્યાય અપાવવા આદેશ આપ્યો હતો સાથે સાથે દીકરી ગાંધીનગરથી જૂનાગઢ ન પહોંચી ત્યાં સુધી ફોન ઉપર તેના ખબર-અંતર જાણ્યા હતા. એસપી દ્વારા પણ તાત્કાલિક સી-ડિવિઝન પીઆઈ વત્સલ સાવજને કાર્યવાહી કરવા આદેશ અપાતા પીઆઈએ બન્ને જમીન માફિયાને પોતાની ઓફિસમાં પોલીસની ભાષામાં સમજાવતા બન્નેના પગ નીચે રેલો આવી ગયો હતો અને તાત્કાલિક એક લાખની રકમ છૂટી કરી દેતા દીકરીને ન્યાય મળ્યો હતો અને તેણે પોતાની માતાની અંતિમ નિશાની સમાન મંગળસૂત્ર બેન્કમાંથી છોડાવી લીધું હતું.
