રાજકોટમાં સમૂહલગ્નનું આયોજન કરી 28 યુગલને રઝળાવનાર આયોજક 2 દિવસના રિમાન્ડ પર,પત્નીને મળવા આવ્યો’ને પોલીસે દબોચ્યો
22 ફેબ્રુઆરીએ રેલનગરમાં ઋષિવંશી સમાજ સેવા સંઘ-રાજકોટ દ્વારા આયોજિત સમૂહ લગ્નોત્સવમાં 28 યુગલ પાસેથી 30-30 હજાર રૂપિયા પડાવવા ઉપરાંત દાતાઓ પાસેથી રકમ ઉસેડી લઈને યુગલ અને મહેમાનોને રઝળાવનાર મુખ્ય આયોજકની આખરે ત્રણ મહિને પોલીસે ધરપકડ કરી હતી. આ કાંડને અંજામ આપનારો ચંદ્રેશ જગદીશભાઈ છત્રોલા છેલ્લા ત્રણ મહિનાથી ભાગતો ફરતો હતો. જો કે જેવો તે પત્નીને મળવા ઘરે આવ્યો કે પોલીસે દબોચી લીધો હતો.
આ અંગે પ્ર.નગર પોલીસ મથકના સૂત્રોએ જણાવ્યું કે 22 ફેબ્રુઆરીએ ચંદ્રેશ છત્રોલાએ સહિતનાએ સમૂહ લગ્નનું આયોજન કર્યું હતું જેમાંથી રાજકોટ સહિત સૌરાષ્ટ્ર આખામાંથી 28 વર-વધૂએ નામ નોંધાવતાં દરેક યુગલ પાસેથી 30-30 હજાર મળી કુલ 8.40 લાખની રોકડ મેળવી લીધી હતી. આ ઉપરાંત અલગ-અલગ દાતાઓ પાસેથી ચંદ્રેશને 90 હજારથી એક લાખ જેટલી રકમ મળી હોવાનું તે અત્યારે રટણ કરી રહ્યો છે. આ સિવાય તેણે વર-ક્નયા પક્ષ પાસેથી પ્રસંગમાં 50થી વધુ આવનારા વ્યક્તિદીઠ 100 રૂપિયા લેખે રકમ મેળવી લીધી હતી. જો કે લગ્નના દિવસે વર-વધૂ તેમજ મહેમાનો આવી ગયા હતા પરંતુ ચંદ્રેશ છત્રોલા સહિતના એક પણ આયોજક દેખાયા ન્હોતા અને ફરાર થઈ ગયા હતા.
ચંદ્રેશની ધરપકડ બાદ તેણે અલગ-અલગ રટણ કરવાનું ચાલું કર્યું હતું. પહેલાં તેણે કહ્યું કે દેણું થઈ જવાને કારણે તેણે આ કાંડ કર્યો હતો. ત્યારબાદ ફરી જઈને એવું કહેવા લાગ્યો હતો કે દાતાઓ તરફથી મોટી રકમ મળવાની આશા હતી અને તે રકમમાંથી તે ક્નયાદાન માટેની વસ્તુ લાવવાનો હતો પરંતુ દાતાઓ દ્વારા અપેક્ષિત રકમ ન મળતાં આખરે તેણે ભાગવું પડ્યું હતું. એકંદરે તે પોલીસને ગોળ ગોળ ફેરવી રહ્યો હોય તેણે ઉઘરાવેલા પૈસા ક્યાં વાપર્યા તે સહિતની વિગતો ઓકાવવા બે દિવસના રિમાન્ડ પર લેવામાં આવ્યો છે.
આ કાંડમાં અગાઉ દીપક હિરાણી, દિલીપ વરસડા, મનિષ વિઠ્ઠલપરા, દિલીપ ઉર્ફે દિલ્પેશ ગોહેલ અને હાર્દિક શિશાંગીયાની ધરપકડ કરી લેવામાં આવી હતી જ્યારે મુખ્ય આયોજક ચંદ્રેશ છત્રોલા ત્રણ મહિનાથી પોલીસને ચકમો આપી રહ્યો હતો. ત્રણ મહિના દરમિયાન તે જેતપુર, સુરત સહિતના સ્થળોએ રોકાયો હોવાનો રટણ કરતો હોવાનું પોલીસે જણાવ્યું હતું.