રાજકોટ શહેર પોલીસમાં સાહેબોના બંગલો પર ખરા અર્થમાં ઓર્ડર્લી પ્રથા બંધ થઇ! વાંચો કાનાફૂસી
રાજ્યના પોલીસ તંત્રમાં આમ તો ઓર્ડલી પ્રથા બંધ છે પરંતુ ઉચ્ચ પોલીસ અધિકારીઓના બંગલો પર પોલીસ કર્મીઓ જ ઓર્ડર્લીના રૂપમાં તહેનાત રહેતા હોવાની જાહેર ખાનગી જેવી વાત છે. પોલીસ અધિકારીને હવે કૂક કે નિયમ મુજબ મળતા સર્વન્ટ મળે. અંગ્રેજો વખતની ઓર્ડલી સિસ્ટમ બંધ થતાં સાહેબોના નિવાસો પર અંગત કામો માટે મહત્તમપણે બ્રાન્ચ, હેડ ક્વાર્ટર કે પોલીસ મથકોના કોઈને કોઈ વિશ્વાસુ કર્મીઓ તહેનાત રહે છે. રાજકોટ શહેર પોલીસમાં પણ વર્ષોની આ પરંપરામાં બદલાવ થયો છે. પોલીસ કમિશનર બ્રજેશકુમાર ઝાએ પોતે જ પોતાના બંગલો પર નિયમ મુજબ મળેલો સ્ટાફ જ રાખ્યો છે. જ્યારે જૂની સિસ્ટમ મુજબ ઓનપેપર અન્યત્ર ફરજ બોલતી હોય અને એ પોલીસ કર્મીઓ (ઓર્ડર્લી રૂપમાં) બંગલો પર ખડેપગે રહેતા હોય તે સિસ્ટમ બંધ કરી દેવાઈ છે. સિટીના અન્ય ઉચ્ચ અધિકારીઓના બંગલો પર પણ નિયમ મુજબનો જ સ્ટાફ રખાયો છે. આમ, હવે રાજકોટ શહેર પોલીસમાં ખરા અર્થમાં ઓર્ડર્લી સિસ્ટમ બંધ થઈ ગઈ તેવું કહી શકાય. એક સમય એવો પણ હતો કે સાહેબોના બંગલો પર (અંગત કામોમાં) તહેનાત રહેવા કે સાહેબોના કે પરિજનોના પડયા બોલ ઝીલવા માટે જેમને આવી ફાવટ રહેતી તેવા કર્મીઓની બોલબાલા રહેતી અને બંગલે રહેવા માટે આવા કર્મીઓ માટે પણ આંતરિક હોડ જેવું રહેતું.
કોર્પોરેટરો-અધિકારીઓને લાગ્યો `ટેલિગ્રામ’નો ચસ્કોઃ વાત `લીક’ થવાનો ભય ?
રાજકોટમાં બેઠેલી વ્યક્તિ અમેરિકા બેઠેલી વ્યક્તિ સાથે વાત કરવા ઈચ્છે તો ઘડીના છઠ્ઠા ભાગમાં આંગળીના ટેરવે તે તેની સાથે એક મેસેજથી વાત કરી શકે છે. આ માટે સોશ્યલ મીડિયા ઉપર અત્યારે અઢળક એપ્લીકેશન ઉપલબ્ધ છે. સૌથી વધુ વપરાશ જો કોઈ એપનો થતો હોય તો તે વૉટસએપનો થાય છે કેમ કે તેના મારફતે ચેટિંગ તેમજ ડોક્યુમેન્ટની આપ-લે સરળતાથી થઈ રહી હોય તેનો આગ્રહ મ્યુનિસિપલ કમિશનરથી માંડી તેમના પર્સનલ આસિસ્ટન્ટ સહિતના રાખતા હોય છે. જો કે છેલ્લા ઘણા સમયથી મહાપાલિકાની કચેરીમાં `કાનાફૂસી’ સાંભળવા મળી રહી છે કે હવે અધિકારીઓ તો ઠીક કોર્પોરેટરો પણ `ટેલિગ્રામ’ તરફ વળ્યા છે. આ પાછળનું કારણ પણ એવું જાણવા મળ્યું કે ઘણા ડોક્યુમેન્ટસ, ચેટ એવા હોય છે જે `ખાનગી’ રાખવાના હોવાથી વૉટસએપમાં મોકલવામાં આવે તો લીક થવાની શક્યતા વધી જતી હોય તેના માટે ટેલિગ્રામનો ઉપયોગ કરવો મુનાસિબ માનવામાં આવી રહ્યો છે કેમ કે ટેલિગ્રામ એન્ડ ટુ એન્ડ એનક્રિપ્ટેડ હોવાનો દાવો કરાઈ રહ્યો છે મતલબ કે તેને વૉટસએપની જેમ આંતરી શકાતું નથી ! વળી, ટેલિગ્રામ ઉપર ફિલ્મો, વેબસિરીઝ પણ આસાનીથી મળી જતી હોય તે જોવાનો શોખ ધરાવતા કોર્પોરેટરો, અધિકારીઓ સહિતનો સ્ટાફ પણ આ એપનો ઉપયોગ કરતો હોય તેવું બની શકે છે. હજુ સુધી મ્યુનિસિપલ કમિશનર `ટેલિગ્રામ’નો ઉપયોગ કરી રહ્યા નથી પરંતુ નાયબ મ્યુનિસિપલ કમિશનર ઉપરાંત ઈજનેરો, મહત્તમ કોર્પેારેટરો આ એપને યુઝ કરવાનું પસંદ કરે છે.
રાજકોટનું એવું કયુ પોલીસ સ્ટેશન છે કે જેનું પગથિયું ચડતાં ગુનેગાર ફફડે ? જવાબઃ એક પણ નહીં !!
રાજકોટમાં દિવાળીથી લઈ આજ સુધીમાં જે પ્રકારે હત્યા, ચોરી, લૂંટ, ફાયરિંગ સહિતના બનાવ નોંધાયા છે તેને લઈને શહેરીજનો ઉત્તરપ્રદેશ, બિહાર જેવો ભય અનુભવતા થઈ ગયા છે. આ ભય સ્વાભાવિક અને સહજ પણ છે કેમ કે ગુનાખોરીનો ગ્રાફ દિવસેને દિવસે ઉપર ચડી રહ્યો છે. આ પાછળ સ્થાનિક પોલીસ મથકની ઢીલી કામગીરી જવાબદાર હોવાનું લોકો રોષ સાથે જણાવી રહ્યા છે જે મહદ અંશે સાચું પણ છે. એક સમય હતો જ્યારે શહેરના પોલીસ મથકનું પગથીયું ચડતા પહેલા ગુનેગારના પગે પરસેવો ઉતરી જતો હતો પરંતુ હવે સ્થિતિ ઘણી બદલાઈ ગઈ છે. અત્યારે દસ લોકોને પૂછવામાં આવે કે શહેરનું એવું કયુ પોલીસ સ્ટેશન છે જ્યાં ગુનો કર્યા બાદ જતા પહેલા ગુનેગારે વિચાર કરવો પડે તો દસમાંથી નવ લોકો એમ કહેશે કે એક પણ નહીં ! આ જ ગુનેગારને ક્રાઈમ બ્રાન્ચ, એસઓજી, પીસીબીનું પૂછવામાં આવે તો તે થર થર ધ્રુજવા લાગે તે પણ નોંધનીય છે ત્યારે બ્રાન્ચ જેવી જ `ધાક’ પોલીસ મથક કેમ નહીં જમાવી શકતું હોય તે તો ત્યાંના થાણાધિકારી તેમજ સ્ટાફ જાણતો હશે પરંતુ ગુનાખોરી વકરવા પાછળ પોલીસ મથકોના સ્ટાફમાં રહેલો બદલી થઈ જવાનો, કાયદાકીય આંટીઘૂંટીમાં ફસાઈ જવાનો કે પછી `સાહેબ’નો ઠપકો મળવાનો છૂપો ડર જ કારણભૂત હોવાનું લોકોને લાગ્યા વગર રહેતું નથી.
પોલીસ કાર્યવાહી કરે તો પણ `સાંભળે’, ન કરે તો પણ `સાંભળે’…!
રાજકોટમાં કાયદાની સ્થિતિ કેટલે અંશે કથળી ગઈ છે તે કહેવાની અત્રે જરૂર લાગી રહી નથી. `ઘોડા નાસી ગયા પછી તબેલાને તાળા’ની માફક ગુનેગારોએ માથું ઉંચકતા જ પોલીસે લાઠી હાથમાં લીધી છે અને ધડાધડ કાર્યવાહી કરવાનું શરૂ કરી દીધું છે. રાજકોટની સ્થિતિના છેક ગાંધીનગર સુધી પડઘા પડતા ત્યાં સુધી કાર્યવાહીનો `મેસેજ’ પહોંચાડવા માટે પોલીસ દ્વારા નિયમિત પેટ્રોલિંગ, રાત્રીના 11 વાગ્યા બાદ ચા-પાનના ગલ્લા-હોટેલો બંધ કરાવવા, ટપોરીઓને દોડાવવા સહિતની કામગીરી શરૂ કરી દીધી છે. આ કામગીરીનું વીડિયો રેકોર્ડિંગ કરીને મુખ્યમંત્રી કાર્યાલય, નાયબ મુખ્યમંત્રી, ગૃહમંત્રી, ગુજરાત પોલીસવડા સહિતને ટેગ કરવામાં મતલબ કે મોકલવામાં આવી રહ્યું છે. ખેર, `ઉપર’તો આ કામગીરીની જે પ્રકારે નોંધ લેવાય તે સાચી પરંતુ શહેરીજનો કોમેન્ટ મારફતે પોલીસને સંભળાવી રહ્યા છે. અલગ-અલગ સોશ્યલ મીડિયા પેજ પર પોલીસની આ કામગીરીને કેવી રીતે `બિરદાવાઈ’ રહી છે તે જોવું હોય તો તમારે કોમેન્ટ સેક્શનમાં જઈને શબ્દો જોવાની તસ્દી લેવી પડશે કેમ કે અહીં અમુક કોમેન્ટ પ્રસિદ્ધ કરી શકાય તેમ નથી !!
કોંગ્રેસ ક્યારેય એક થશે જ નહીં ?
સ્થાનિક સ્વરાજ્યની ચૂંટણીઓ આવી રહી છે અને દર વખતની માફક આ વખતે પણ કોંગ્રેસ દ્વારા ચૂંટણીમાં ઝંપલાવવા માટે `ધાર’ સજાવવાનું શરૂ કરી દેવામાં આવ્યું છે. દિવાળીની રજાઓ પૂર્ણ થતાં જ કોંગ્રેસ પ્રદેશ પ્રમુખ સહિતના દિગ્ગજ નેતાઓએ રાજકોટમાં પત્રકાર પરિષદને સંબોધન કર્યું હતું પરંતુ ભૂતકાળની જેમ આ વખતે પણ તમામ નેતાઓની હાજરી એક મંચ ઉપર જોવા મળી ન્હોતી. કોંગ્રેસ માં વર્ષોથી એ સિલસિલો ચાલ્યો આવે છે જે પ્રમાણે એક નેતા હાજર હોય એટલે ઓફ ધ રેકર્ડ તેના હરિફ ગણાતા નેતા હાજર રહેતા નથી. આવું જ પત્રકાર પરિષદમાં જોવા મળ્યું હતું. કોંગ્રેસ ના રાજકોટમાં ચાર કોર્પોરેટર ચૂંટાયેલા છે પરંતુ આ પત્રકાર પરિષદમાં એક પણ હાજર રહ્યા ન્હોતા. જ્યારે આ પત્રકાર પરિષદ જ્યાં યોજાઈ હતી તે સ્થળ પણ આ વખતે બદલાયેલું જોવા મળ્યું હતું કેમ કે દર વખતે આ પ્રકારના કાર્યક્રમ કોંગ્રેસ ના જ નેતાની હોટેલમાં યોજાતા આવ્યા છે પરંતુ આ વખતે તેમાં પણ ફેરફાર જોવા મળતા લોકો `કાનાફૂસી’ કરતા સાંભળવા મળ્યા હતા કે શું રાજકોટમાં કોંગ્રેસ ક્યારે એક થશે જ નહીં ?
