મુખવાસમાં મિલાવટ કરનાર અમૃત મુખવાસ ઝપટે
નંદ ગ્વાલા અને કુંજ કાઉ ઘી હલકી ગુણવતાના, દંડ ફટકારાયો
મેટોડાના યુનિટી મિલ્ક પ્રોડક્ટ્નું પનીર ઉતરતી કક્ષાનું : પાંચ કિસ્સામાં 15.95 લાખનો દંડ
રાજકોટ શહેર અને જિલ્લામાં મિલાવટખોરી વચ્ચે લોકોને પુરા નાણાં ખર્ચવા છતાં શુદ્ધ ચીજવસ્તુઓ મળતી ન હોવાની હકીકત વચ્ચે રાજકોટ મહાનગર પાલિકા અને ફૂડ એન્ડ ડ્રગ વિભાગ દ્વારા લેવામાં આવેલા નમૂના ફેઈલ થતા અલગ અલગ પાંચ કિસ્સામાં અધિક જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા ફૂડ કેસ ચલાવી શુદ્ધ ઘીના નામે હલકી ગુણવત્તાનું ઘી વેચતી કંપની ઉપરાંત એક મુખવાસ નિર્માતા અને પનીર નિર્માતાને હલકી ગુણવત્તાવાળી ચીજોનું ઉત્પાદન અને વેચાણ કરવા મામલે કુલ રૂપિયા 15.95લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.
રાજકોટ ફૂડ એન્ડ ડ્રગ કચેરી દ્વારા તરઘડીયા નજીક આવેલ કૃષ્ણ ફેટ એન્ડ પ્રોટીન નામની કંપનીના નંદ ગ્વાલા અને કુંજ કાઉ ઘીના નમૂના લઇ પૃથ્થકરણમાં મોકલવામાં આવતા બન્ને ઘીના નમૂના સબસ્ટાન્ડર્ડ એટલે કે, હલકી ગુણવત્તાવાળા હોવાનો રિપોર્ટ આવતા રાજકોટ નિવાસી અધિક જિલ્લા મેજીસ્ટ્રટની કોર્ટમાં કેસ ચાલી જતા કુલ રૂપિયા 10.50 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો. આ ઉપરાંત મેટોડા ખાતે આવેલ યુનિટી મિલ્ક એન્ડ પ્રોડક્ટ્સ નામની પેઢીમાંથી પનીરનું સેમ્પલ લેવામાં આવ્યું હતું જે સબ સ્ટાન્ડર્ડ આવતા અધિક નિવાસી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા રૂપિયા 4.75 લાખનો દંડ ફટકારવામાં આવ્યો હતો.
આ ઉપરાંત રાજકોટ મહાનગર પાલિકા દ્વારા દિવાળીના તહેવાર દરમિયાન અમૃત મુખવાસ નામની પેઢીમાંથી પાન મિક્સ અને મીઠો મુખવાસ એમ બન્ને અલગ અલગ મુખવાસના નમૂના લઈ પૃથ્થકરણ માટે મોકલવામાં આવતા બન્ને નમૂના ફેઈલ થતા અધિક નિવાસી જિલ્લા મેજિસ્ટ્રેટ દ્વારા આ અંગેનો કેસ ચલાવી મુખવાસ નિર્માતા પેઢીને 35-35 હજારનો દંડ ફટકારી કુલ 70 હજાર રૂપિયા દંડ મળી પાંચેય કિસ્સામાં કુલ રૂપિયા 15.95 લાખનો દંડ ફટકારતો હુકમ કર્યો હતો.