રાજકોટમાં રખડતાં કૂતરાઓને પકડવામાં મનપાને રસ જ નથી! શ્વાનને પકડવા તો દૂર,પાલતું શ્વાન રજિસ્ટ્રેશનના પણ કોઈ ઠેકાણા નહીં
સુપ્રીમ કોર્ટ દ્વારા સમગ્ર દેશને લાગુ પડતો એક આદેશ આપવામાં આવ્યો છે કે રખડતાં કૂતરા કે જે ગમે તેને બટકા ભરી લેતા હોય તેમને પકડી-પકડીને શેલ્ટર હોમમાં ધકેલી દેવામાં આવે. ખાસ કરીને સ્કૂલ-કોલેજ અને હોસ્પિટલમાં શ્વાન દેખાય જ નહીં તેવી કાર્યવાહી કરવા આદેશ આપવામાં આવ્યા બાદ અન્ય રાજ્ય દ્વારા અમલવારી પણ શરૂ કરી દેવામાં આવી છે. જો કે રાજકોટ મહાપાલિકા દ્વારા રખડતાં શ્વાનને પકડવા તો દૂર પાલતું શ્વાનનું રજિસ્ટ્રેશન થઈ શકે તેની પણ કોઈ વ્યવસ્થા ન હોવાનું જાણવા મળ્યું છે.
અમદાવાદમાં રોટવિલર નામના ખૂંખાર ડોગ દ્વારા એક બાળકને ફાડી ખાધાં બાદ તાત્કાલિક પાલતું શ્વાનનું રજિસ્ટ્રેશન કરવાનો નિયમ અમદાવાદ મહાપાલિકા ઉપરાંત સુરત મહાપાલિકા દ્વારા અમલમાં મુકવામાં આવ્યો હતો. રજિસ્ટ્રેશન માટે અનેક નિયમ પણ નક્કી કરવામાં આવ્યા હતા. આના પરથી રાજકોટમાં પણ નિયમ અમલી બનશે તેવો દાવો વેટરનરી ઓફિસર ડૉ.ઉપેન્દ્ર પટેલે કર્યો હતો. આ વાતને ત્રણેક મહિના વીતી જવા છતાં હજુ સુધી `અભ્યાસ’ જ ચાલી રહ્યાનું તેમણે જણાવ્યું હતું. આ નિયમ મોરબીએ પણ અમલી બનાવી દીધો છે પરંતુ રાજકોટમાં કોઈ જ ઠેકાણા નથી.
રાજકોટમાં અત્યારે 26,000 જેટલા રખડતાં કૂતરા હોવાનો અંદાજ વેટરનરી ઓફિસરે વ્યક્ત કર્યો હતો. જો કે આટલી વસતી સીમિત રહે તે માટે 2.70 કરોડના ખર્ચે શ્વાનનું ખસીકરણ કરવા, હડકવા ઉપડેલા શ્વાનને ઠીક કરવા સહિત પ્રતિશ્વાનદીઠ 3150 રૂપિયા ચૂકવવાનું ટેન્ડર પણ પ્રસિદ્ધ કરી દેવાયું હતું. એકંદરે આ પાછળ 2.70 કરોડ જેટલો ખર્ચ થવાનો અંદાજ વ્યક્ત કરાયો હતો ત્યારે પ્રશ્ન એ થાય કે આટલો તોતિંગ ખર્ચ કરવા છતા વસતી શા માટે વધી રહી હશે ?
આ પણ વાંચો : રેલવે સ્ટેશન અને બસ સ્ટેન્ડમાંથી રખડતા કૂતરા હટાવો : સુપ્રીમ કોર્ટનો આદેશ, 8 અઠવાડિયામાં કાર્યવાહી પૂર્ણ કરવા નિર્દેશ
ડૉ.ઉપેન્દ્ર પટેલે વધુમાં ઉમેર્યું કે શ્વાનને `કેદ’ રાખી શકાય નહીં તેવો નિયમ અમલમાં હોવાને કારણે શેલ્ટર હોમમાં ત્રણ-ચાર દિવસ સુધી રાખી જ્યાંથી પકડ્યું ત્યાં જ છોડી દેવો પડે છે.
રાજકોટમાં રોજ 47 લોકોને શ્વાન બચકાં ભરે છે
શહેરમાં શ્વાનનો ત્રાસ કેટલી હદે વકરી ગયો છે તે વાતનો અંદાજ એ વાત પરથી આવી જાય છે કે શ્વાન દરરોજ 47 લોકોને બચકા ભરી રહ્યા છે. ચાલુ વર્ષના આઠ જ મહિનાની અંદર રખડતાં શ્વાને 11292 લોકોને બટકાં ભરી લીધાનું મહાપાલિકાના ચોપડે નોંધાયું છે આમ છતા તંત્ર દ્વારા શ્વાનની વસતી ઘટાડવા માટે કોઈ જ સચોટ કાર્યવાહી કરવામાં આવી નથી.
સુપ્રીમ કોર્ટનો ચુકાદો અલગ-અલગ માધ્યમો મારફતે વાંચ્યો છે, હજુ અમલ અંગે નિર્ણય નથી લેવાયો
વેટરનરી ઓફિસર ડૉ.ઉપેન્દ્ર પટેલે `વોઈસ ઓફ ડે’ સાથેની વાતચીતમાં જણાવ્યું કે સુપ્રીમ કોર્ટ દ્વારા રખડતાં શ્વાન અંગે જે ચુકાદો આપવામાં આવ્યો છે તે અલગ-અલગ માધ્યમો મારફતે મેં વાંચ્યો છે પરંતુ તેનો અમલ કેવી રીતે અને ક્યારથી કરવો તે અંગેનો નિર્ણય હજુ સુધી લેવામાં આવ્યો નથી.
વધુ એક આંધણઃ માધાપર પાસે 1.58 કરોડના ખર્ચે `ડોગ ફ્રેન્ડલી’ સેન્ટર બનશે
મહાપાલિકા દ્વારા ટેન્ડર પ્રસિદ્ધ કરવામાં આવ્યું છે જે પ્રમાણે માધાપર પાસે 1.58 કરોડના ખર્ચે ડોગ ફ્રેન્ડલી સેન્ટર બનાવવામાં આવશે. આ સેન્ટર અગાઉથી અહીં કાર્યરત છે પરંતુ તેમાં વધુ શ્વાનનો સમાવેશ થઈ શકે તે સહિતની વ્યવસ્થા વધારવામાં આવશે.
