ક્ષત્રિય આંદોલનનો કોઈ પ્રભાવ નહી પડે, પ્રજા મોદીની સાથે છે : અમિત શાહ
પુરુષોત્તમ રૂપાલાએ સાચા હ્રદયથી માફી માગી લીધી છે
ગુજરાતની તમામ ૨૬ બેઠક ઉપર ભાજપનો ભવ્ય વિજય નિશ્ચિત છે
ગાંધીનગરની લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર અને કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહે આજે સ્પષ્ટ કહ્યું હતું કે, પુરુષોત્તમ રૂપાલાએ સાચા હ્રદયથી ક્ષત્રિય સમાજની માફી માગી લીધી છે અને અને હવે આંદોલનનો કોઈ પ્રભાવ પડશે નહી કારણ કે પ્રજા નરેન્દ્રભાઈ મોદીની સાથે છે.
તેમણે કહ્યું હતું કે, ગુજરાતની તમામ ૨૬ બેઠક ફરી એક વખત ભાજપને મળવાની છે તે પ્રજાના ઉત્સાહ પરથી દેખાઈ આવે છે. વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના નેતૃત્વમાં ગુજરાત સહિત દેશભરમાં અનેક વિકાસ કામો થયા છે અને પ્રજા આ વાત જાણે છે.
અમિત શાહે કહ્યું હતુ કે 2024માં ભાજપ 400 પાર થશે. સમગ્ર દેશમાં નરેન્દ્ર મોદીના સમર્થનમાં પ્રચંડ લહેર છે. 2047માં પૂર્ણ વિકસિત ભારત બનાવવાનું લક્ષ્યાંક છે. પૂર્વ-પશ્ચિમ, ઉત્તર-દક્ષિણમાં મોદી લહેર છે.
અમિત શાહે આજે ગાંધીનગર મત વિસ્તારમાં ભવ્ય રોડ શો યોજ્યો હતો અને તેમાં મોટી સંખ્યામાં લોકો ઉપસ્થિત રહ્યા હતા. તેમણે સાણંદ અને ત્યાર બાદ કલોલમાં પણ રોડ શો કર્યો હતો. રોડ શોના રૂટમાં ભાજપ સમર્થકો ઉમટી પડ્યા હતા. કલોલમાં અમિત શાહના રથ પર નીતિન પટેલ સવાર થયા હતા. નીતિન પટેલે કહ્યું હતું કે અમિત શાહની 10 લાખ મતથી જીત નિશ્ચિત છે. ભાજપ 26માંથી 26 બેઠક પર જીતશે.
અમિત શાહે જય શ્રી રામના નારા લગાવ્યા હતા. જય શ્રી રામના નારા સાથે કલોલ શહેર ગૂંજ્યુ હતું. નરેન્દ્ર મોદીને ફરીથી વિજય બનાવો.