RMC દ્વારા અઢી કરોડ ચૂકવી મંગાવાયેલા જેટપેચર મશીનથી આ સપ્તાહથી ખાડા બૂરાશે : ત્રણેય ઝોનમાં સૌથી પહેલાં મોટા ખાડાનો ‘વારો’ લેવાશે
રાજકોટનો એક પણ એવો વિસ્તાર નહીં હોય કે જ્યાં રસ્તા પર અત્યારે ખાડા જોવા ન મળે. 500 મીટરના અંતરમાં પંદરથી પચ્ચીસ નાના-મોટા ખાડા ન પડ્યા હોય તો જ નવાઈ પામવા જેવું રહે. આશ્ચર્યની વાત તો એ છે કે રાજકોટમાં હજુ ધોધમાર વરસાદ પડયો જ નથી આમ છતાં ખાડાઓ વરસાદ કરતા પણ વધુ પડી જતા આખરે રસ્તો બનાવવા માટે શું વપરાયું હશે તે પ્રશ્ન પણ ઉપસ્થિત થયા વગર રહેતો નથી. બીજી બાજુ વરસાદી સીઝનમાં ખાડા રિપેર થાય તે માટે મહાપાલિકા દ્વારા અઢી કરોડ ચૂકવી જેટપેચર મશીન મંગાવાયા હતા જેનાથી આ સપ્તાહે ખાડા બૂરવાનું શરૂ કરવામાં આવનાર હોવાનું જાણવા મળે છે.

ઈજનેરોએ જણાવ્યું કે ત્રણેય ઝોનમાં સૌથી પહેલાં મોટા ખાડાનો વારો” લેવામાં આવશે. આ પછી નાના-નાના ખાડાઓનું પેચવર્ક કરવામાં આવશે. જો વરસાદ ન પડે તો આજ થી ४ પેચવર્ક સહિતની કામગીરી શરૂ કરવામાં આવશે. બીજી બાજુ ઈજનેરોને પૂછવામાં આવ્યું કે ખાડા બૂરવામાં આવ્યા બાદ ફરી વખત હોય છે તેના કરતા ઉંડા અને મોટા ખાડા શા માટે પડી જાય છે ? આ અંગે ઈજનેરોએ હાસ્યાસ્પદ જવાબ આપ્યો કે ‘એમાં અમે શું કરીએ’ આ પ્રકારનું વલણ શહેરીજનોની ‘પીડા’માં વધારો કરવા સિવાય કશું જ કરી રહ્યું નથી.
અત્રે ઉલ્લેખનીય છે કે ગત 22 ઓગસ્ટે સ્ટેન્ડિંગ કમિટી દ્વારા ત્રણેય ઝોનમાં જેટ પેચર મશીનથી ખાડા બૂરવા માટે 2.53 કરોડ રૂપિયાના ખર્ચની દરખાસ્તને મંજૂરી આપવામાં આવી હતી જેનો આ સપ્તાહથી જ ઉપયોગ શરૂ કરી દેવામાં આવશે.
