બે જિલ્લાની કડકાઇની અસર રાજકોટ શહેરમાં? વિદેશી દારૂના કેસ શોધવા પોલીસ પણ તરસે છે!
ગાંધીના ગુજરાતમાં બેશકપણે દારૂબંધી છે પણ સામે એટલી જ નરી વાસ્તવિક્તા છે કે ટ્રક, ટેન્કર, કન્ટેનર મોઢે દારૂ ઉતરે છે અને પકડાય પણ છે. રાજકોટથી લઈ સૌરાષ્ટ્રમાં સોમનાથ, પોરબંદર સુધીના શહેરમાં દારૂ ઘૂસાડવાના પ્રથમ પ્રવેશદ્વાર સમા સુરેન્દ્રનગર જિલ્લો અને રાજકોટ રૂરલ પોલીસની હદ બની રહે છે. આ બન્ને જિલ્લાની હદ અત્યારે દારૂ માટે ડ્રાય બોર્ડર બની જતાં સીધી જ અસર રાજકોટ શહેર સહિતના અન્ય શહેરમાં પડી છે.
રાજકોટ સિટીમાં પ્યાસીઓને ગોઠવણ કે ચોક્કસ સ્થળ પરથી મળી રહેતા નંગ તડપાવી રહ્યા છે એ મુજબ શહેર પોલીસ પણ હવે વિદેશી દારૂના કેસ શોધવા તરસી રહી છે. રાજકોટ સિટીમાં એક તબક્કે હાથ નાખો કે થોડી નજર કરો એટલે વિદેશી દારૂના મળી જતાં કેસ હવે પગે પાણી ઉતરતા માંડ મળી શકે તેવી સ્થિતિ બે જિલ્લાની બોર્ડર ટાઈટ થઈ પડી હોવાની પોલીસ બેડામાં ચર્ચા છે.
રાજકોટ સિટી પોલીસમાં ખાસ તો ક્રાઈમ બ્રાન્ચ અને પીસીબીનો એક સમય હતો કે સીધા ટ્રક માઢે કે જથ્થાબંધ અથવા તો વિદેશી દારૂ ભરેલા ગોડાઉન કે આવા સ્થળો પકડતી. તાજેતરમાં બદલાયેલા આઈપીએસમાં સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લાના એસ.પી. બદલાતા પોલીસના નજીકના સૂત્રો અને ધંધાર્થીઓમાંથી ચાલતી વાતો મુજબ બન્ને જિલ્લામાં સુરેન્દ્રનગર જિલ્લામાં લીં બડી, ચોટીલા કે આવા મુખ્ય પંકાયેલા પંથકમાં રેલા દારૂનું નેટવર્ક બંધ થયું. આવી જ રીતે રાજકોટ રૂરલમાં જસદણ, ગોંડલ, લોધીકા પંથકમાં પણ બ્રેક આવી ગઈ. સુરેન્દ્રનગર તથા રાજકોટ જિલ્લાને જોડતા રાજસ્થાન, હરિયાણા, મહારાષ્ટ્ર તરફથી લાખોના મોઢે આવતા વિદેશી દારૂ ભરેલા મોટા વાહનોને પ્રવેશવું આકરું બન્યું હશે અથવા તો આ બન્ને જિલ્લામાં લાખોનો દારૂ ઉતરતો કે ત્યાંથી થતું કટિંગ બંધ થયું હશે. જેને લઈને હવે રાજકોટ શહેરમાં પણ વિદેશી મદિરાનો જથ્થો આવતો બંધ થયો કે સાવ ચૂપકે-ચૂપકે આવતો હશે.
આ પણ વાંચો :પાણી ચોરાય જ ને! રાજકોટમાં 45000 ભૂતિયા નળ કનેક્શન, હવે કનેક્શન શોધવા સર્ચ ઓપરેશન શરૂ કરશે મહાપાલિકા
રાજકોટ શહેરમાં વિદેશી દારૂના સૌથી વધુ કેસ પીસીબી દ્વારા થતાં હતા. કામ પણ મળે પરંતુ ત્યાં અત્યારે વિદેશી દારૂના કેસ બાબતે મંદી દેખાઈ રહી છે જેનું કારણ ઉપરના બે જિલ્લાની અસર અને સ્થાનિક કક્ષાએ પણ બદલાયેલા અધિકારી હોઈ શકે તેવું પોલીસ વર્તુળોનું કહેવું કે ચર્ચા છે. આવી જ રીતે સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લા પોલીસને પણ ક્યારેક છૂટાછવાયા મળતા કે કરાતા વિદેશી દારૂના કેસ, કામ બંધ થયા જેવું બન્યું છે. દિવાળી, તહેવારોના સમયે લાવ-લાવ હોય કે એડવાન્સ સ્ટોક થતાં હોય તેના બદલે ઉપરથી જ ટ્રકો, માલની આવક સાવ નહીંવત કે બંધ જેવી થઈ જતાં માહોલ ઉલ્ટો થઈ ગયો હોવાનું બુટલેગરોમાં વાત ચાલે છે. બાકી ખરું-ખોટું કે વાસ્તવિક ચિત્ર શું છે એ તો પોલીસ અને ધંધાર્થીઓ જ જાણતા હશે, બાકી તો ચર્ચા જ માનવી પડે.
બુટલેગર્સ, પ્યાસીઓ અને પોલીસ ત્રણેયની દિવાળી બગડ્યા જેવું ?
ચોક્કસ તહેવારોની સિઝન બુટલેગર્સ માટે પણ ધંધાની સિઝન હોય છે. દિવાળીના તહેવાર અને મિનિ વેકેશન જેવા માહોલમાં વધુ વેચાતો કે પીવાતો હોય છે તેવી છાપ છે. જેને લઈને બુટલેગર્સ પણ માલનો ભરાવો કરી લે અને પ્યાસીઓ પણ સ્ટોક કરી લે અથવા મોજ માટે માંગે તેટલો ભાવ ચૂકવતા હોય છે જેથી બુટલેગર્સને – બખ્ખા બોલી જાય છે. સાથે પોલીસ માટે પણ સિક્કાની બે બાજુ જેવું રહે છે. જો લીલીઝંડી આપેલી હોય તો દિવાળી પેકેજ અલગથી રહેતા હોય છે અને જો મંજૂરી ન આપી હોય તો કેસ અને… બન્ને મળી રહે. બંધ બારણે ગોઠવણો થઈ જતી હોય તે તો બધું અલગ જ. જો આ વખતે બન્ને જિલ્લાની બોર્ડરો દિવાળીના દિવસોમાં પણ ટાઈટ જ રહેશે તો બુટલેગર્સ, પ્યાસીઓ અને પોલીસ ત્રણેયની દિવાળીને અસર પડશે. બુટલેગર્સ ધંધો નહીં મળે, પ્યાસીઓને પીવાનું અને પોલીસને કેસ નહીં થઈ શકે અને દિવાળીમાં કેસલેસ રહેશે અથવા ધાર્ય નહીં મળે
આ પણ વાંચો :દિવાળીનો અજવાસ: રાજકોટમાં રહેતા કિશોરભાઈ આંખે પાટા બાંધી 1 મિનિટમાં બનાવે છે 14 દીવા, ‘ઓપરેશન સિંદૂર’ના દીવડા આકર્ષણનું કેન્દ્ર
જથ્થાબંધના બદલે ધંધાર્થીઓએ અન્ય માર્ગ અપનાવ્યાની વાત !
સુરેન્દ્રનગર અને રાજકોટ જિલ્લામાં બદલાવથી બુટલેગર્સના પણ ચિત્રો બદલાતા જે જથ્થાબંધ ટ્રક કે આવા મોટા વાહનો મોઢે અન્ય પ્રાંતમાંથી માલ મંગાવતા ઉતારતા, કટિંગ કરી નાખતા તે હવે ટાઈટ થઈ જતાં બુટલેગર્સ, ધંધાર્થીઓ પણ અન્ય માર્ગો અપનાવ્યાની વાત છે. ટ્રાવેલ્સ કે ખાનગી બસો, ટ્રાન્સપોર્ટ અને રેલવેમાં પાર્સલ્સના નામે આડી અવડી ખોટી બિલ્ટી કે વસ્તુઓ બતાવીને દારૂના પાર્સલ મંગાવે છે અથવા તો કાર કે આવા નાના વાહનોમાં ખેપ મારી રહ્યા છે જેથી સાવ બંધ ન રહે નાનુ-નાનુ તો ચાલુ રહે તેમ આવા ગુચકા કરી રહ્યા છે. બીજી તરફ એવી આશ લઈને પણ બેઠા હશે કે જો બન્ને જિલ્લાની બોર્ડરો કુણી પડશે તો ફરી મોટું મંગાવવા લાગશું. રાજકોટ સિટીમાં પણ ક્રાઈમ ડીસીપી ટાઈટ છે જેથી હાલ તો ધંધાર્થી ઓના હાથ બધી બાજુથી હેઠા પડયા જેવું છે.
