કામગીરી કે ‘નાકામગીરી’ ? રાજકોટ પોલીસે 11:50એ બંધ કરાવેલી હોટેલ 12ઃ20એ ધમધમી! ‘વોઈસ ઓફ ડે’ના રિયાલિટી ચેકમાં સામે આવી હકીકત
રાજકોટમાં એક બાદ એક હત્યા, ચોરી, લૂંટ, મારામારી અને બાકી રહી ગયું હોય તેમ ધડાધડ ફાયરિંગની ઘટના પણ બની જતા પોલીસનો ખૌફ જ રહ્યો નથી તેવી વાત દરેક મોઢે સાંભળવા મળી હતી. આ જ વાત એક યા બીજા માધ્યમથી પોલીસ સુધી પણ પહોંચી જતાં છેલ્લા ચારેક દિવસથી ક્રાઈમ બ્રાન્ચે દોર હાથમાં લઈ દરરોજ અલગ-અલગ વિસ્તારમાં મોડી રાત સુધી ધમધમતી અને ન્યુસન્સ બની ગયેલા ચા-પાનના ગલ્લા, હોટેલ સહિતના સ્થળે ત્રાટકી બંધ કરાવવાનું શરૂ કરાયું છે સાથે સાથે કારણ વગર ઉજાગરા કરતા તત્ત્વોને દોડાવવામાં પણ આવી રહ્યા છે. દરમિયાન સોમવારે `વોઈસ ઓફ ડે’ દ્વારા પોલીસ દ્વારા બંધ કરાવાયેલી હોટેલ પર પોલીસના ગયા બાદ શું સ્થિતિ છે તે જાણવા રિયાલિટી ચેક કરવામાં આવતા કામગીરીની જગ્યાએ પોલીસની નાકામગીરી વધુ સામે આવી હતી !

સોમવારે ડીસીપી (ક્રાઈમ) જગદીશ બાંગરવા ઉપરાંત ક્રાઈમ બ્રાન્ચની દરેક ટીમ રાત્રે ધમધમતી હોટેલો ઉપર ત્રાટકી હતી અને બંધ કરાવવાનું શરૂ કરાયું હતું. આવી જ એક હોટેલ બાલાજી હોલ પાસે રવેચી હોટેલના નામે આવેલી છે જેને રાત્રે 11ઃ50 વાગ્યે બંધ કરાવવામાં આવી હતી. વળી, અહીં 20 મિનિટ સુધી ડીસીપી સહિતના અધિકારીઓએ રોકાઈને શંકાસ્પદ લોકોનું ચેકિંગ પણ કર્યું હતું. જો કે જેવો તેમનો કાફલો ત્યાંથી નીકળીને હજુ માલવિયાનગર પોલીસ મથક સુધી પણ નહીં પહોંચ્યો હોય કે તુરંત જ રવેચી હોટેલ ધમધમવા લાગી હતી. એકંદરે 11ઃ50 વાગ્યે બંધ કરાવાયેલી હોટેલ 12ઃ20 વાગ્યે શરૂ થઈ ગયાનું રિયાલિટી ચેકમાં સામે આવ્યું હતું.

આ જ પ્રમાણે કાલાવડ રોડ પર બ્રિજની નીચે આવેલા ખેતલા આપા ટી-સ્ટોલ, બી.ટી.સવાણી કિડની હોસ્પિટલ પાસે આવેલી જય દ્વારકાધીશ હોટેલ, કેકેવી બ્રિજ નજીક જય સીયારામ હોટેલ એન્ડ પાન ઉપર જોવા મળ્યું હતું. અહીં પોલીસ હતી ત્યાં સુધી હોટેલ બંધ રહી હતી પરંતુ જેવી ટીમ નીકળી કે ફટાફટ શટર ઉંચકાવી લેવામાં આવ્યા હતા અને ગ્રાહકો પણ આવવાનું શરૂ થઈ ગયું હતું. એકંદરે પોલીસની માત્ર ફોટોજેનિક-વીડિયોજેનિક કામગીરીને કારણે ખુલ્લી હોટેલ-રેસ્ટોરન્ટ જઈને જમવા-નાસ્તો કરવા આવનારા લોકો કે જેમણે ભાગવું પડ્યું હતું તેમાં ખાસ્સો રોષ જોવા મળ્યો હતો.

એકંદરે હોટેલ-ચા-પાનના ધંધાર્થીઓ પણ હવે એક વખત પોલીસ આવી જાય એટલે બીજી વખત એ જ દિવસે કે રાત્રે ન આવે તેવી `પેટર્ન’થી વાકેફ થઈ ગયા હોય પોલીસ હોય ત્યાં સુધી જડબેસલાક બંધ પાળતા થઈ ગયા હોવાનું સામે આવ્યું હતું. પોલીસે આ પ્રકારે સાગમટે ધોંસ બોલાવી હોય તેવું પહેલીવાર નથી બન્યું એટલા માટે અગાઉની `કામગીરી’ને ધ્યાનમાં લઈ ધંધાર્થીઓ ધંધો કરી રહ્યાનો ગણગણાટ પણ સાંભળવા મળ્યો હતો.
આ પણ વાંચો : મહાપાલિકાની ચૂંટણીઓ ઉપર SIRની શું અસર પડશે? રાજ્ય ચૂંટણી પંચે અભ્યાસ શરુ કર્યો

હાશ ! એક વખત આવી ગયા, હવે આખી રાત હોટેલ-ચાલુ રહેશે !
પોલીસ દ્વારા જે-જે હોટેલ બંધ કરાવાઈ તેના સંચાલકો દ્વારા એવું પણ કહેવામાં આવ્યું હતું કે હાશ ! એક વખત પોલીસ આવી ગઈ એટલે આજે બીજી વખત આવશે નહીં એટલા માટે હવે આખી રાત હોટેલ, ચા-પાનનો ગલ્લો ચાલુ રહેશે. જો આ પ્રકારે કાર્યવાહી કરવામાં આવશે તો પછી ડ્રાઈવનો કોઈ જ મતલબ નહીં રહે તેવું શહેરીજનોનું કહેવું છે.
આ પણ વાંચો : કોહલીનું ‘વિરાટ’ કરિયર : પિતાનું અવસાન અને એ રણજી ટ્રોફીની મેચ જેમાં…કિંગ કોહલીના 37માં બર્થડે પર જાણો અદ્ભુત રેકોર્ડ્સ વિશે

કાયદેસર વેપાર કરતા ધંધાર્થીઓ નંદવાઈ ન જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી
પોલીસ દ્વારા નાઈટ ડ્રાઈવ કરવામાં આવી રહી છે અને આડેધડ પાર્કિંગ કરી ચાની ચુસ્કી અને પાનની પીચકારી મારી રહેલા લોકો તેમજ ધંધાર્થીઓ ઉપર તવાઈ ઉતારવામાં આવી રહી છે તેને એક વર્ગ આવકારી રહ્યો છે સાથે સાથે એવું પણ કહી રહ્યો છે કે શહેરના રેસકોર્સ રિંગરોડ સહિતના અનેક વિસ્તારો એવા છે જ્યાં લોકો પરિવાર સાથે નાસ્તા તેમજ આઈસ્ક્રીમ સહિતની મિજબાની માણવા આવતા હોય છે અને અહીં કોઈ પ્રકારનું ન્યુસન્સ થયાનું ધ્યાન પર આવી રહ્યું નથી એટલા માટે રેસકોર્સ રિંગરોડ જ નહીં બલ્કે શહેરમાં કાયદેસર, નીતિ-નિયમના દાયરામાં રહીને વેપાર કરતા ધંધાર્થીઓ નંદવાઈ મતલબ કે પોલીસની હડફેટે ન ચડી જાય તેનું પણ ધ્યાન રાખવું જરૂરી બની જાય છે.
