સાતમ-આઠમની ઉજવણીનો ઉમળકો : રાજકોટમાં તહેવારોની રંગત ખીલી, ફલાઈટનાં ભાડામાં 50% વધારો,ઉદયપુર-સાપુતારા તરફ પ્રવાસીઓનો પ્રવાહ
આ વર્ષે રક્ષાબંધનનાં પર્વથી રાજકોટમાં તહેવારોની રંગત છવાઈ ગઈ છે. સાતમ-આઠમની ઉજવણીનો ઉલ્લાસ જોવા મળી રહ્યો છે. રંગીલા રાજકોટવાસીઓના હૈયે હૈયે તહેવારોની ઉજવણીની ખુશાલીનું અનુભૂતિ થઈ રહી છે. આ વખતે રક્ષાબંધનનો તહેવાર શનિ-રવિની રજા દરમિયાન આવતાં અને સાતમ આઠમ તેમજ 15મી ઓગસ્ટ સ્વાતંત્ર્ય પર્વ આ સપ્તાહનાં આખરી પડાવમાં આવતાં લોકોને 10 દિવસની રજાનો લાભ મળ્યો છે.
આજે બોળચોથનો પવિત્ર દિવસ છે. આજથી જન્માષ્ટમીનાં તહેવારોની શ્રૃંખલા શરૂ થઈ જતાં રાજકોટ સહિત સૌરાષ્ટ્રભરમાં પર્વોત્સવનો ઉજાસ જોવા મળી રહ્યો છે. રાજકોટની મોટાભાગની સ્કૂલોમાં 13મી ઓગસ્ટથી સાતમ આઠમનું વેકેશન પડી રહ્યું છે તો અમુક સ્કૂલો અને કોલેજોમાં તહેવારને લીધે વિદ્યાર્થીઓની પાખી હાજરી જોવા મળી છે.સળંગ રજાઓને કારણે ઘણાં પરિવારો ફરવા માટે નીકળી ગયા છે. આજે બોળચોથ, બુધવારએ નાગપાંચમ, ગુરુવારે રાંધણછઠ, શુક્રવારે શીતળા સાતમ અને શનિવારે જન્માષ્ટમી, રવિવારે નોમ સાથે આ સપ્તાહ સળંગ તહેવારોના દિવસો હોવાથી રજાની મજા માણવામાં લોકો મશગુલ થયા છે.
જન્માષ્ટમીએ ઉદયપુર, દ્વારિકા, સાપુતારા તરફ પ્રવાસીઓનો પ્રવાહઃ 40% બુકીંગ વધુ

સાતમ આઠમની ઉજવણી અને મહત્વ સૌરાષ્ટ્રમાં વધુ હોય છે.જ્યારે આ વખતે લગાતાર 8 થી 10 દિવસની રજાઓ સરકારી કચેરીઓ અને સ્કૂલોમાં મળી હોય મીની વેકેશન માટે ગુજરાત સાથે દેશભરમાંથી સહેલાણીઓ જઈ રહ્યા છે. દુબઇ અને વિયેતનામનાં પ્રવાસે તો મોટાભાગના પરિવારો રક્ષાબંધન પૂર્વે જ નીકળી ગયા છે.રાજકોટની ટ્રાવેલ ઇન્ડસ્ટ્રીઝને ગત વર્ષ કરતાં 40 ટકા વધુ સિઝન હોવાનું ટ્રાવેલ ઓપરેટર જણાવી રહ્યા છે.

આ વિશે નવભારત ટુરનાં નિમેષ કેસરિયા જણાવી રહ્યા છે કે, આ જન્માષ્ટમી વેકેશનમાં ઈન્ટરનેશનલ ટ્રીપમાં જનારાં પ્રવાસીઓની સંખ્યા ઘટી છે, જ્યારે નજીક સ્થળો જેમ કે બાય રોડ જઈ શકે તે રીતે પેકેજ લોકોએ પ્લાન કર્યા છે.જેમાં આ વખતે ઉદયપુર, દ્વારિકા, સોમનાથ, સાપુતારા, ગોવા, ઉજ્જૈન, કોડાઈ કેનાલ, ઉંટી, બેંગ્લોર, માથેરાન, મહાબળેશ્વર, લોનાવાલાનાં બુકીંગ વધુ છે. જેમાં રિસોર્ટમાં એક નાઈટનાં રૂ.5000 થી 15,000 સુધીનાં પેકેજ ચાલી રહ્યા છે. આ ઉપરાંત શ્રાવણ મહિનો ચાલી રહ્યો હોય ઘણા ભાવિકો ચાર ધામની જાત્રાના બદલે અલગ અલગ જ્યોતિર્લિંગનાં દર્શન માટે પેકેજ બુક કરાવ્યાં છે.
રાજકોટની માર્કેટ મંગળવાર સુધી બંધ રહેશે
હાલમાં તો શહેરની મુખ્ય બજાર લાખાજીરાજ રોડ, સાંગણવા ચોક, ધર્મેન્દ્ર રોડ, ધી કાંટા રોડ દિવાનપરા, બંગડી બજાર, યાજ્ઞિક રોડ, ગુંદાવાડી, કેવડાવાડી, સોનિબજાર સહિતની બજારોમાં શનિવારથી રજા શરૂ થશે. જે મંગળવાર સુધી જન્માષ્ટમીનું વેકેશન રાખશે. વેપારીઓએ કહ્યું હતું કે, રક્ષાબંધનથી ખરીદીનો માહોલ શરૂ થાય છે. જે વેપારીઓ બહારગામ નથી જતાં તેઓ સવારએ અર્ધો દિવસ દુકાનો ખુલી રાખતાં હોય છે. કોરોનાકાળ પછી વેપાર કરવાની પદ્ધતિ બદલાઈ છે. આથી બજાર મંગળવાર સુધી સ્વૈચ્છિક બંધ રહેશે.
આ પણ વાંચો : ક્રિકેટ રમ્યા બાદ 22 વર્ષીય યુવાનની જિંદગીની ઇનિંગ પણ પૂરી થઈ! એકના એક પુત્રનું હાર્ટ એટેકથી મોત,પરિવાર પર આભ ફાટી પડયું
આ સપ્તાહમાં રાજકોટથી ફલાઈટનાં ભાડામાં 50% વધારો, ગોવાનું 15,000 એરફેર

જો આ સપ્તાહમાં ગોવા જવું હશે તો સૌરાષ્ટ્રવાસીઓને મોંઘું પડશે. સાતમ આઠમનાં મીની વેકેશનને લીધે ગોવા માટે સારો ટ્રાફિક હોય આ ફલાઈટની એરટિકીટમાં 50 ટકા વધારો થયો છે. ગોવા વન ટાઈમમાં 15,000 જયારે મુંબઈ અને દિલ્હી 10,000 બેંગ્લોર 9 થી 10,000 અને હૈદરાબાદ, પુના 8 થી 10,000 સુધી હવાઇભાડા છે. જયારે અમદાવાદમાં ગોવાની એરટીકીટ 32,000 વન ટાઈમનાં નોંધાતા દેકારો બોલી ગયો છે. આથી ઘણાં પેસેન્જરોએ રાજકોટથી ટીકીટ બુક કરાવી હોવાનું ટ્રાવેલ એજન્ટો જણાવી રહ્યા છે. આવી જ રીતે ખાનગી ટ્રાવેલ્સ બસો, કાર્સના ભાડા પણ બમણા જેવા થઇ ગયા છે.
વર્ષો બાદ રાજકોટની ઇન્ડસ્ટ્રીઝમાં 8 દિવસનું વેકેશન
રાજકોટ નજીક આવેલી શાપર-વેરાવળ, મેટોડા, ખીરસરા, આજી, કુવાડવા, બામણબોર જી.આઈ.ડી.સી.માં આવેલી ઇન્ડસ્ટ્રીઝમાં વર્ષો બાદ 8 દિવસનું વેકેશન પડ્યું છે. આ વખતે બુધવારે ફેકટરીઓ ઘમઘમશે, જ્યારે શુક્રવારથી આવતાં ગુરુવાર સુધી રજા રહેશે. આજી જીઆઇડીસીનાં પ્રમુખ નરેશભાઈ શેઠ એ જણાવ્યું હતું કે, 15 ઓગસ્ટ પછી બીજા દિવસે આઠમ, નોમ, દશમ સુધી રજા રહેશે. જ્યારે મંગળવારે એક દિવસ વધારાની રજા આપી બુધવાર સુધી જન્માષ્ટમી વેકેશન રહેશે. ગુરુવારથી ઉદ્યોગો રાબેતા મુજબ શરૂ થઈ જશે.
