કાયમ રેડી રહેતા કોટડા સાંગાણીના નાયબ મામલતદારે કરી હાથની સફાઈ : મહિલા કર્મચારીના પર્સમાંથી 5 હજાર સેરવી લીધા
સામાન્ય રીતે સરકારી કચેરીઓમાં લાંચ માંગવાના બનાવો તો છાસવારે બનતા હોય છે પરંતુ મહિને 80થી 90 હજાર જેટલો તગડો પગાર લેતા નાયબ મામલતદાર પોતાના જ સાથી કર્મચારીના પર્સમાંથી 5 હજાર જેટલી મામૂલી રકમ સેરવી લે તો ? અને આવી ગંભીર બાબત મામલતદાર સુધી અને ત્યાંથી આગળ કલેકટર સુધી પહોંચે તો ? આવી જ એક ઘટના સપ્તાહ પહેલા કોટડા સાંગાણી મામલતદાર કચેરીમાં બની હતી જેમાં જિલ્લા કલેકટર સુધી ફરિયાદ પહોંચ્યા બાદ સીસીટીવી પુરાવા સાથેનો ધગધગતો રિપોર્ટ આવી જતા આકરા પગલાના સંકેત મળી રહ્યા છે. હાલમાં પોતાની કારકિર્દી દાવ ઉપર લગાવી દેનાર નાયબ મામલતદાર જિલ્લાના મહેસુલી કર્મચારીઓમાં ચર્ચાનું કેન્દ્ર બન્યા છે.
સુમાહિતગાર વર્તુળોમાંથી જાણવા મળતી વિગતો મુજબ રાજકોટ જિલ્લાના કોટડા સાંગાણી તાલુકા મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા અને કાયમ કામગીરી માટે રેડી રહેતા રાજા જેવા સ્વભાવના નાયબ મામલતદાર પોતાની હરકતો માટે મહેસુલી કર્મચારીઓમાં ખુબ જ જાણીતા છે. એકાદ સપ્તાહ પૂર્વે આ નાયબ મામલતદારે અજુગતું કહી શકાય તેવું કૃત્ય કરી કચેરીમાં જ કામ કરતા સાથી મહિલા કર્મચારીના પર્સમાંથી રૂપિયા 5000 સેરવી લેતા મહિલા કર્મચારીએ કચેરીમાંથી પૈસા ચોરાઈ જવા મામલે મામલતદારને જાણ કરી હતી. બીજી તરફ મામલતદાર દ્વારા કચેરીમાં લાગેલા સીસીટીવી ચેક કરતા ચોકાવનારો ઘટસ્ફોટ થયો હતો અને કાયમી રેડી નાયબ મામલતદારે જ આ કૃત્ય કર્યું હોવાનું સામે આવ્યું હતું.
દરમિયાન કોટડા સાંગાણી મામલતદાર દ્વારા આ ગંભીર બાબતે રાજકોટ જિલ્લા કલેકટર કચેરીમાં જાણ કરી હતી સાથે જ જે મહિલા કર્મચારીના પર્સમાંથી પૈસા સેરવી લેવાયા હતા તેમને પણ ઉચ્ચ અધિકારીને રજુઆત કરતા સમગ્ર મામલે જિલ્લા કલેકટર દ્વારા તપાસના આદેશ કરવામાં આવ્યા હતા. નોંધનીય છે કે, કોટડા સાંગાણી મામલતદાર કચેરીમાં ઘટેલી આ ઘટનામાં સીસીટીવીએ દૂધનું દૂધ અને પાણીનું પાણી કરી નાખ્યું હોય સમગ્ર મામલે આક્ષેપિત નાયબ મામલતદાર સામે તપાસનીશ અધિકારીએ જિલ્લા કલેક્ટરને રિપોર્ટ કર્યો હોય નવાજૂનીનાં એંધાણ મળી રહ્યા છે.
ઉલ્લખનીય છે કે, મહિલા કર્મચારીના પર્સમાંથી નાણા સેરવી લીધા બાદ કચેરીમાં દેકારો બોલી જતા એક કાગળમાં 3000 રૂપિયા જેટલી રકમ વીટી કચેરીમાં જ એક જગ્યાએ આ મહાશયે ફેંકી દીધી હોવાનું પણ સૂત્રો જણાવી રહ્યા છે.જો કે, પોતાની અનોખી આદતો અંગે મહેસુલી કર્મચારીઓમાં જાણીતા આ નાયબ મામલતદાર ગોંડલ ખાતે ફરજ દરમિયાન વગર રજાએ લાંબો સમય સુધી ગાયબ થઇ જતા હોવાનું અને પોતાની મનપસંદ જગ્યાએ જ બદલી કરાવવામાં પાવરધા હોવાનું પણ સામે આવ્યું છે. જો કે, સુખી સંપન્ન નાયબ મામલતદાર ડ્રાઇવર સાથે ગાડી લઈને કચેરી આવતા હોવાનું અને સંતાન પણ સુખી હોવા છતાં આવું કૃત્ય કેમ કર્યું તે મહેસુલી કર્મીઓમાં ચર્ચાનો વિષય બન્યો છે.
