દેશના સૌથી મોટા ‘ડિજિટલ અરેસ્ટ’ કાંડનો છેડો રાજકોટમાં નીકળ્યો : ઠગ ટોળકીને બેન્ક એકાઉન્ટ ભાડે આપનાર બે પકડાયા
તાજેતરમાં જ ગાંધીનગર ખાતે દેશનું સૌથી મોટું ડિજિટલ અરેસ્ટ કાંડ પ્રકાશમાં આવ્યું હતું. કંબોડિયાની ઠગ ટોળકી દ્વારા મહિલા તબીબને નાણાંની હેરફેર સહિતના ગુનામાં તેઓ સામેલ હોવાની ધમકી આપી ત્રણ મહિના સુધી ઘરમાં જ કેદ રાખવામાં આવ્યા હતા અને આ સમય દરમિયાન તેમની પાસેથી 19.14 કરોડ જેવી માતબર રકમ પડાવી લીધી હોવાનું ધ્યાન પર આવતાં આખા રાજ્યની પોલીસ દોડતી થઈ હતી. આ અંગે સ્ટેટ સાયબર ક્રાઈમ પોલીસની તપાસમાં રાજકોટનો છેડો નીકળતા રાતોરાત ગાંધીનગરથી ટીમ રાજકોટ દોડી આવી હતી અને રાજકોટ SOGની મદદથી બે શખસોની ધરપકડકરી તેને વધુ પૂછપરછ માટે ગાંધીનગર લઈ જવાયા હતા.

આ અંગે વધુમાં જાણવા મળેલી વિગત પ્રમાણે વૃદ્ધ મહિલા ગાયનેકોલોજિસ્ટને ડિજિટલ અરેસ્ટ કરી તેમની પાસેથી પડાવાયેલી 19.14 કરોડની રકમ અલગ-અલગ અઢી હજારથી વધુ એકાઉન્ટમાં જમા થઈ હતી. આ એકાઉન્ટના મુળ સુધી પહોંચવા માટે મથી રહેલી સ્ટેટ સાયબર ક્રાઈમ પોલીસના ધ્યાન પર આવ્યું હતું કે અઢી હજાર પૈકી બે એકાઉન્ટ રાજકોટના બે યુવકના નામે ખૂલેલા છે.
આ અંગેની જાણ રાજકોટ SOGને કરાતા જ SOG પીઆઈ એસ.એમ.જાડેજા સહિતની ટીમે મવડીના બાપા સીતારામ ચોકમાં રહેતા અને રિક્ષા ચલાવતાં નિલેશ જમનભાઈ રાંક તેમજ સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાસે લક્ષ્મણ ટાઉનશિપમાં રહેતા રાજ સુમરાની ધરપકડ કરી ગાંધીનગરની પોલીસને સોંપ્યા હતા.તપાસમાં ખુલ્યા પ્રમાણે આ બન્નેએ 6-6 હજાર રૂપિયા માટે પોતાનું એકાઉન્ટ ડિજિટલ અરેસ્ટ કરતી ગેંગને આપ્યું હતું. જે કે આ બન્નેનો એકાઉન્ટ ભાડે આપવા માટે કોની સાથે, કેવી રીતે સંપર્ક થયો, કેટલા મહિનાથી એકાઉન્ટ ભાડે આપ્યા હતા તે સહિતના મુદ્દાની તપાસ કરવા માટે ગાંધીનગરથી આવેલી પોલીસ બન્નેને લઈ ગઈ હતી જ્યાં ટૂંક સમયમાં જ આ મુદ્દે વધુ ખુલાસા થવાની શક્યતા છે.
આ પણ વાંચો : ત્રણ મહિનાથી બંધ રાજકોટનો યાજ્ઞિક રોડ આખરે 15 ઓગસ્ટથી શરૂ થશે : ગણેશોત્સવ પહેલાં તમામકામ પૂર્ણ કરી લેવાશે
બન્નેના એકાઉન્ટમાં લાખો રૂપિયા જમા થયા’તા
પોલીસ સૂત્રો પાસેથી પ્રાપ્ત વિગતો પ્રમાણે નિલેશ અને રાજે માત્ર 6-6 હજાર રૂપિયા માટે પોતાનું બેન્ક એકાઉન્ટ ઠગ ટોળકીને ભાડે આપ્યું હતું. ગાંધીનગર સ્ટેટ સાયબર ક્રાઈમ પોલીસ દ્વારા જ્યારે એક-એક ખાતાની તપાસ કરવામાં આવી ત્યારે આ બન્નેના એકાઉન્ટમાં પણ છેતરપિંડીના લાખો રૂપિયા જમા થયાનું ધ્યાન પર આવ્યું હતું જેના આધારે જ આ કાંડમાં બન્ને પણ સામેલ હોવાનું ખુલતાં ધરપકડ કરવામાં આવી હતી.