‘સાહેબ’ની ચેમ્બર બહાર વેઈટિંગમાં બેઠેલા કોર્પોરેટરો હવે કહેવા લાગ્યા, અમારા ઉપર ‘દાઝ’ નીકળતી હોય એવું લાગે છે! વાંચો કાનાફૂસી
સમયનું ચક્ર ક્યારેય એકસરખું હોતું નથી અને ફર્યા જ કરે છે. રાજકોટ મહાપાલિકાની વાત કરવામાં આવે તો પાછલા ઘણા વર્ષથી ભાજપનું જ શાસન છે અને હવે આગામી ચૂંટણી પણ બહુ દૂર નથી. જો કે આટલા વર્ષના શાસનમાં ક્યારેય જોવા ન મળ્યા હોય તેવા દૃશ્યો આ ટર્મના છેલ્લા છેલ્લા મહિનાઓમાં જોવા મળી રહ્યા છે. એક સમય એવો હતો કે જ્યારે અધિકારીઓ શાસકોની ચેમ્બરમાં જ ઘણો સમય પસાર કરતા હતા. ઘણીવાર તો નેતા આવ્યા ન હોય તો તેની રાહ જોઈને પણ બેસી રહેવું પડતું હતું. હજુ પણ ગણ્યાગાંઠ્યા અધિકારીઓ અમુક શાસકોની ચેમ્બરમાં બેઠેલા જોવા મળે જ છે. જો કે વાસ્તવિકતા એ પણ છે કે જેટલા અધિકારીઓ હવે નેતાઓની ચેમ્બરમાં નથી આવતા એટલા નેતાઓ અને કોર્પોરેટરોએ અધિકારીની ચેમ્બર બહાર `વેઈટિંગ’માં બેસવાનો વખત પણ આવ્યો છે. નાનું-મોટું કોઈ પણ કામ હોય કોર્પોરેટરોએ અધિકારીની ચેમ્બર બહાર બેસીને રાહ જોવી પડે છે. ઘણીવાર એવું પણ બને છે કે અધિકારીની ચેમ્બરમાં કોઈ અરજદાર કે અન્ય વિભાગના અધિકારી બેઠા હોય અને મિટિંગ લાંબી ચાલે તો જ્યાં સુધી `સાહેબ’ની ઓફિસ ખાલી ન થાય ત્યાં સુધી અનેક ટર્મથી જીતતાં આવતાં કોર્પોરેટરે વેઈટિંગમાં બેસીને વાતોના વડાં કરવા પડી રહ્યા છે. `વેઈટિંગ’માં બેસવાથી ગુસ્સો તો આવતો જ હોય છે પરંતુ ચહેરો હસતો રાખીને મોઢા ઉપર ગુસ્સો આવવા નથી દેવાતો. જો કે મોઢામાંથી જે શબ્દો નીકળે છે તેમાં ઉભરો ઠલવાયા વગર રહેતો પણ નથી ! અમુક કોર્પોરેટરો તો એવું પણ કહેવા લાગ્યા છે કે જાણે અમારા ઉપર `દાઝ’ નીકળતી હોય તેવું લાગી રહ્યું છે !
`હિસાબી’ કોર્પોરેટરે ગણિત માંડતાં કહ્યું, આ તો અમને (તંત્રને) ખોટ જઈ રહી છે !
રાજકોટ ખૂબ જ ઉત્સવપ્રિય છે તે વાતનો ઈનકાર કોઈ કરી ન શકે. દિવાળી હોય, સંક્રાંત હોય કે ધૂળેટી હોય દરેક તહેવારને મન ભરીને માણવા માટે અહીંના લોકો જાણીતા છે. વળી, પર્વપ્રિય તંત્ર પણ તહેવાર આવે એટલે નાના-મોટા કોઈને કોઈ કાર્યક્રમ ગોઠવ્યા વગર રહેતું નથી. તહેવારોની વચ્ચે છેલ્લા ઘણા સમયથી રાજકોટમાં ધાર્મિક કાર્યક્રમો યોજાવાની સંખ્યામાં પણ માતબર વધારો થઈ રહ્યો છે જે પૈકી મહત્તમ કાર્યક્રમ ફનવર્લ્ડની બાજુમાં આવેલા ગ્રાઉન્ડ ઉપર જ આયોજિત થાય છે. આયોજન પાછળ `ધાર્મિક’ શબ્દ લાગે એટલે લ્હાણી કરવા જાણીતી મહાપાલિકા વિનામૂલ્યે અથવા ટોકનદરે ગ્રાઉન્ડની ફાળવણી પણ કરે છે એટલા માટે જ આ ગ્રાઉન્ડ ખાલી ઓછું, બુક વધુ હોય છે. હવે આ વાતથી એક કોર્પોરેટર કે જેઓ `હિસાબ’ના એકદમ પાક્કા છે તેમણે ગણિત માંડવાનું શરૂ કરી દીધું હતું અને સાથે સાથે એમ પણ ટાંક્યું કે જો આ જ પ્રમાણે વિનામૂલ્યે અથવા ટોકનદરે ધાર્મિક કાર્યક્રમો કે ઉજવણી માટે ગ્રાઉન્ડ આપ્યે રાખશું તો તંત્રની તિજોરીમાં આવક ક્યાંથી થશે ? હવે ગ્રાઉન્ડ ભાડે આપવા માટે ધાર્મિક હોય કે અન્ય કોઈ પણ કાર્યક્રમ હોય તેના માટે ભાડાનો નિશ્ચિત દર કે જે સૌને પરવડે તે નક્કી કરવાનો સમય પાકી ગયો છે અને બને એટલો ઝડપથી પરિપત્ર કરવાની જરૂર છે અન્યથા ગ્રાઉન્ડનો `ઘસારો’ વધતો જશે અને આવકના નામે તંત્રની તિજોરી ખાલી જ રહેશે !!
માર્ગ સલામતિ સમિતિની બેઠકો તો મળે છે પણ ખરેખર તેમાં સજ્જડ નિર્ણયો લેવાયા તેવું લોકો ક્યારે અનુભવી શકશે ?
પોલીસ કમિશનર કચેરીમાં સમયાંતરે શહેર માર્ગ સલામતિ સમિતિની બેઠક મળે છે જેમાં દરેક તંત્રના અધિકારીઓ ઉપસ્થિત રહી માર્ગ સલામતિ માટે શું કરી શકાય તે સહિતના મુદ્દે લાંબી લાંબી ચર્ચાઓ કરે છે. આ બેઠકમાં શું શું કામગીરી કરાઈ તેનો `હિસાબ’ પણ આપવામાં આવે છે પરંતુ જ્યારથી આ બેઠકનો સિલસિલો શરૂ થયો ત્યારથી લઈ આજ સુધી મળેલી આ બેઠક માત્ર ઔપચારિકતા પૂરતી જ મળી રહ્યાનું અને બેઠક થકી ઉમદા પરિણામ મળ્યું હોય તેવું લોકોને લાગી રહ્યું નથી. લોકો હવે કહી રહ્યા છે કે કમિશનર કચેરીના કોન્ફરન્સ રૂમના તમામ એ.સી.ચાલુ કરીને અધિકારીઓ અંદાજે એકથી દોઢ અથવા તો બે કલાક સુધી તરેહ-તરેહની વાતો કરીને ટ્રાફિક, માર્ગ અકસ્માત સહિતના મુદ્દે ચર્ચા તો કરે છે પરંતુ ગ્રાઉન્ડ ઉપર મતલબ કે રસ્તા ઉપર સ્થિતિ એકદમ વિપરિત છે ત્યારે આ પ્રકારની બેઠકનો ફાયદો પણ શું ? ખરેખર બેઠકો કરવાની જગ્યાએ તેમાં બેઠેલા અધિકારીઓ જો રસ્તા ઉપર ઉતરી સ્થિતિ નિહાળે તો જ લોકોને પડતી હાલાકીનો ખ્યાલ આવી શકે અન્યથા `ખાધું-પીધું’ને રાજ કર્યું’ની માફક હળ્યા-મળ્યા, હસ્યા-બોલ્યા કરીને છૂટા પડી જવાથી શહેરની ટ્રાફિક સમસ્યા, અકસ્માતો સહિતમાંથી ક્યારેય છૂટકારો મળવાનો નથી !!
આ પણ વાંચો :લાખો રેશનકાર્ડ ધારકોને રાશન લેવા માટે અંગુઠામાંથી મળશે મુક્તિ! હવે QR કોડ આવશે,કાર્ડધારકને પોતાના ફોનમાં જ દેખાશે કે કેટલો જથ્થો મળશે
સપ્તાહમાં બે-ત્રણ નેતાઓના ક્રાઈમ બ્રાન્ચની કેટલીક કચેરીઓમાં બેસણાઃ શુભેચ્છા મુલાકાત તો નહીં જ હોય !
એવું એક પણ સપ્તાહ નહીં ગયું હોય જ્યારે શહેરના જામનગર રોડ ઉપર આવેલી ક્રાઈમ બ્રાન્ચ, સાયબર ક્રાઈમ કે આર્થિક ગુન્હા નિવારણ શાખા (ઈઓડબલ્યુ)ની કચેરીમાં મહત્ત્વપૂર્ણ કામગીરી થતી રહે છે. આવી કચેરીઓમાં નેતાઓના સપ્તાહમાં બે-ત્રણ વખત બેસણા થતાં રહે છે. આ નેતાઓની વૈભવી કાર જેવી ગેઈટમાં પ્રવેશે એટલે સીધા કેટલીક કચેરીઓમાં અધિકારીઓની ચેમ્બરમાં તેમની એન્ટ્રી થાય છે અને પછી લાંબો સમય બંધ બારણે ચર્ચા થયા બાદ નેતાઓ એકલા અથવા તો તેમની સાથે આવેલા વ્યક્તિઓ સાથે હસતાં મુખે બહાર નીકળતાં જોવા જ મળે છે. નેતાઓના મુખેથી ડિપ્લોમેટિક રીતે એક જ શબ્દ નીકળે કે `શુભેચ્છા મુલાકાત હતી’ જો કે જોનારાઓને આશ્ચર્ય થાય કે આ નેતાઓની વારંવાર શુભેચ્છા મુલાકાત કેવી હશે ? શું નેતાઓને કચેરીઓના ખીલા સૂંઘ્યા વગર ગાંઠતું નહીં હોય ? કે પછી પોતે જાહેરજીવનના વ્યક્તિઓ હોવાના કારણે તેમના વિસ્તારના અથવા ટેકેદારોના કે કોઈને કોઈ ભોગ બનેલા વ્યક્તિઓના હકારાત્મક કામ માટે કે જેઓને પોલીસ તરફથી સહકાર મળે તેવા શુભઆશય સાથે પ્રજાભિમુખ અભિગમ માટે આવતા હશે ? જાણકારોનો એવો પણ મત છે કે વારંવાર મુલાકાત લેવી એ અત્યારે કોઈ એવા નેતા નથી કે લોકો માટે પોતાની મોંઘી કાર લઈને સમય અને નાણાં બન્ને ખર્ચ કરવા આવે ! તેમના કોઈ અંગત કામ માટે આવતા હોય શકે અને જો ખરેખર પ્રજાના કામ માટે આવતા હોય તો આવા નેતાઓ બધા બને અને પ્રજાને પણ સારા નેતા મળ્યાની રાહત મળી શકે છે.
આ પણ વાંચો :રાજકોટમાં PM મોદીનો રોડ શો કેન્સલ: ડે.સીએમ હર્ષ સંઘવીની વાઇબ્રન્ટ સમિટને લઈને અધિકારીઓ સાથે બેઠક,તૈયારીઓની સમીક્ષા
એક પ્રકરણમાં `દાઝેલા’ પોલીસ અધિકારીના પત્નીએ કહ્યું, ઉપરવાળો બધો જ હિસાબ રાખે છે !
પોલીસ કમિશનર કચેરીમાં થોડા દિવસ પહેલાં પોલીસ અધિકારીની એક ચેમ્બરમાં બે અધિકારી બેઠેલા જોવા મળ્યા હતા. આ બે પૈકી એક અધિકારી સ્વભાવે એકદમ સરળ હોવાથી અલક-મલકની વાતો કરતા હોવાથી મહત્તમ સ્ટાફ તેમની પાસે બેસવાનો આગ્રહ રાખે છે. જો કે આ પીઆઈની સામે બેઠેલા એક પીઆઈના પતિ બે વર્ષ પહેલાં એક પ્રકરણમાં દાઝી ગયા હતા જેના કારણે તેમની સામે શિક્ષાત્મક કાર્યવાહી પણ કરવામાં આવી હતી. જો કે તેમના પત્ની હાલ પીઆઈ તરીકે રાજકોટમાં જ કાર્યરત છે ત્યારે આ મહિલા પીઆઈ તેમની સામે બેઠેલા પીઆઈને એવું કહેતાં સાંભળવા મળ્યા હતા કે `ઉપરવાળો બધો જ હિસાબ રાખે છે’ તેમના આ શબ્દોમાં રીતસરનો ગુસ્સો જોવા મળ્યો હતો અને તેમના આ ગુસ્સાનો મતલબ એવો પણ નીકળી રહ્યો હતો કે તેમના પતિ સામે જે શિક્ષાત્મક કાર્યવાહી કરવામાં આવી છે તેમાં તેઓ એકલા જ જવાબદાર ન્હોતા પરંતુ સજા તેમને એકને જ મળી હતી. આ જ કારણથી તેઓ પોતાના હૈયાનો રોષરૂપી `ઉભરો’ અન્ય અધિકારી સામે ઠાલવી રહ્યા હતા.
