પ્રસંગોની રંગત બગડશે! રાજકોટમાં રાત્રે 10 વાગ્યા પછી પાર્ટી પ્લોટસ ઉપર તવાઈ, બે સંચાલકો સામે નોંધાયો ગુન્હો
રાજકોટ શહેરમાં પાર્ટી પ્લોટ્સ કે અન્ય કોઈ આવા સ્થળોએ યોજાતા કાર્યક્રમોમાં રાત્રે 10ના ટકોરા બાદ માઈક બંધ કરવા પડશે અથવા તો સાવ ધીમા કરી દેવા પડશે. ગઈકાલથી રાજકોટ શહેર પોલીસ અને ગુજરાત પોલ્યુશન કન્ટ્રોલ બોર્ડ (GPCB) દ્વારા ચેકિંગ હાથ ધરવામાં આવ્યું છે જેમાં ગત રાત્રે તાલુકા પોલીસ મથક વિસ્તારના બે પાર્ટી પ્લોટમાં એક સ્થળે સીમંત તથા અન્ય એક જગ્યાએ શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમમાં માઈક બંધ કરાવવામાં આવ્યા હતા અને બન્નેના સંચાલકો સામે તાલુકા પોલીસે જાહેરનામા ભંગનો ગુનો નોંધ્યો હતો.

માઈક બંધ થતાં ધીમા અવાજે પ્રસંગ આટોપાયો
ગત રાત્રે પ્રદૂષણ નિયંત્રણ કચેરીના મદદનીશ પર્યાવરણ ઈજનેર એમ.બી. જાદવ અને એમ.આર. કુબાવત દ્વારા તાલુકા પોલીસને સાથે રાખીને 150 ફૂટ રિંગરોડ પરના અર્જુન પાર્ટી પ્લોટમાં ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું જ્યાં રાત્રીના 10 વાગ્યા બાદ મોટા અવાજે સ્પીકરો ચાલુ હતા. ધ્વની માપક સાધનથી તપાસ કરતાં 75 ડેસીબલથી વધુ અવાજમાં માઈક ચાલુ હતા જેને લઈને સાથે રહેલા ASI હરપાલસિંહ જશુભા જાડેજા દ્વારા સરકાર પક્ષે ફરિયાદ બનીને ડી.જે. ઈવેન્ટ ચલાવતા કુનાલ બિપીનભાઈ ખોખર (રહે. મોટામવા, આદર્શ હાઉસિંગ સોસાયટી) સામે ગુનો નોંધી 15 હજારની કિંમતનું માઈક એમ્પલીફાઈર કબજે કર્યું હતું. આ સ્થળે સીમંતનો પ્રસંગ ચાલુ હતો. માઈક બંધ થતાં ધીમા અવાજે પ્રસંગ આટોપાયો હતો.
કાર્યક્રમો વહેલા શરૂ કરીને વહેલા પૂર્ણ કરવા પડશે
અન્ય એક બનાવમાં મવડી-કણકોટ રોડ પર આવેલા સમન્વય પાર્ટી પ્લોટમાં શ્રીનાથજીની ઝાંખી કાર્યક્રમ ચાલુ હતો ત્યાં રાત્રે 10 વાગ્યા બાદ મોટેથી સ્પીકર વાગતા હોવાથી પાર્ટી પ્લોટના સંચાલક સાહિલભાઈ નરોત્તમભાઈ ડોબરિયા (રહે. સોમનાથ સોસાયટી,મવડી) તેમજ માઈક બાબતે સ્પીડવેલ પાર્ટી પ્લોટ પાછળ, સાંનિધ્ય બી-1301માં રહેતા હિરેન હસમુખભાઈ પાંચાણી સામે હેડ કોન્સ્ટેબલ એ.બી. ભૂંડીયાએ સરકાર પક્ષે ફરિયાદી બનીને ગુનો નોંધ્યો હતો. જાણવા મળ્યા મુજબ પાર્ટી પ્લોટમાં રોજીંદા મોડીરાત સુધીના અવાજ સંદર્ભે ઉચ્ચસ્તરીય થયેલી ફરિયાદ બાદ કલેક્ટરના આદેશને અનુસરીને GPCBની ટીમ દ્વારા રાત્રે 10 વાગ્યા બાદ આવા પાર્ટી પ્લોટ પર તવાઈ બોલાવવાનું પોલીસને સાથે રાખીને ચાલુ કર્યું છે જેને લઈને હવે રાત્રે 10 વાગ્યા બાદ પાર્ટી પ્લોટમાં માઈક વિનાના પ્રસંગમાં રંગત બગડશે અથવા તો કાર્યક્રમો વહેલા શરૂ કરીને વહેલા આટોપી લેવા પડશે. કારણ કે, નિયમનું પાલન કરવું બધા માટે ફરજિયાત છે.

કોઈ મોટા માથા કે રાજકીય માંધાતાઓના પ્રસંગમાં થશે પરીક્ષા ?
10 વાગ્યા પછી માઈક બંધ રાખવા ફરજિયાત છે જે નિયમનું હવે GPCB દ્વારા પોલીસને સાથે રાખીને પાલન કરાવાઈ રહ્યું છે. ગત રાત્રે બે ગુના નોંધ્યા અને નિયમ મુજબ કામગીરી કરી તે સારી બાબત છે પરંતુ જ્યારે આવા પાર્ટી પ્લોટમાં કોઈ મોટા માથાઓ, રાજકારણીઓ કે લાગતા-વળગતાઓ ઉચ્ચ અધિકારીઓના પ્રસંગો હશે ત્યારે પણ આવી રીતે જ નિયમ મુજબ કામગીરી થશે કે નાના સામે કાયદો અને મોટા માટે વ્યવસ્થા જેવું કાયદો-વ્યવસ્થાની વ્યાખ્યા મુલવવામાં આવશે ? મોટા માથાઓના પ્રસંગ સમયે પોલીસ અને GPCBની ખરી પરીક્ષા થશે.