રાજકોટ : રાજ્યમાં માવઠાની આગાહી વચ્ચે સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું છે અને સોમવારે સવારથી રાજકોટ સહિત રાજ્યભરમાં વાદળો છવાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે નલિયા સિવાય રાજ્યભરમાં ડબલ ડિજીટમાં લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં લઘુતમ તાપમાન 15.4 ડિગ્રી નોંધાયું હતી. હવામાન વિભાગે ઠંડીમાં વધારો થવાના સંકેત આપી આગામી 24 કલાકમાં લઘુતમ તાપમાનમાં 2થી 4 ડિગ્રીનો ઘટાડો થવાની શક્યતા વ્યક્ત કરી હતી.
શિયાળાની વિદાયની ઘડીએ જ વાતાવરણમાં બદલાવ આવી રહ્યા છે. હાલમાં વેસ્ટર્ન ડિસ્ટર્બનસને પગલે માવઠાની શક્યતા હવામાન વિભાગે વ્યકત કર્યા બાદ હાલ પૂરતો કમોસમી વરસાદનો ખતરો ટળ્યો છે પરંતુ હજુ પણ સાયક્લોનિક સર્ક્યુલેશન છવાયું હોય સોમવારે સવારથી રાજકોટ સહિત રાજ્યભરમાં વાદળો છવાતા મહત્તમ તાપમાનમાં ઘટાડો નોંધાયો હતો. સોમવારે રાજ્યમાં નલિયામાં સૌથી નીચું 8.4 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું.જયારે ભુજમાં 13.8, પોરબંદરમાં 14.9, ડીસામાં 15.2, રાજકોટમાં 15.4, ગાંધીનગરમાં 15.5, અમરેલીમાં 15.8, જામનગરમાં 16.1 અને અમદાવાદમાં 17 ડિગ્રી લઘુતમ તાપમાન નોંધાયું હતું. રાજકોટમાં સોમવારે મહત્તમ તાપમાન એક ડિગ્રી જેટલું ઘટીને 29.7 ડિગ્રી નોંધાયું હતું.