ધ બર્નિંગ ટ્રેન !! મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં ભરૂચ પાસે લાગી આગ : સળગતા ડબ્બામાંથી પેસેન્જરને અધવચ્ચે ઉતાર્યા
મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનમાં આગ લાગી હોવાની ઘટના સામે આવી છે. મળતી માહિતી મુજબ મુંબઈ-અમૃતસર એક્સપ્રેસ ટ્રેનના એક ડબ્બામાં અંકલેશ્વરથી ભરૂચ આવતા જૂના બોરભાઠા નજીક આગ લાગી હતી, જેને લઇને પેસેન્જરોને ઉતારી દેવામાં આવ્યા હતા. ટ્રેનમાં આગ લાગતાં ભારે દોડધામ મચી જવા પામી હતી. મુસાફરોના જીવ તાળવે ચોટયા હતા. ત્યારે ટ્રેન ભરૂચ સ્ટેશન પર પહોંચતાં જ ફાયરની ટીમ દ્વારા આગ બુઝાવવાની કામગીરી શરૂ કરી દેવામાં આવી હતી.
મુંબઈથી અમૃતસર તરફ દોડતી અમૃતસર એક્સપ્રેસ ટ્રેન અંકલેશ્વરથી ભરૂચ તરફ દોડી રહી હતી,તે દરમિયાન અચાનક કોઈ કારણોસર ટ્રેનના એક ડબ્બામાં આગ લાગી હતી,જેના કારણે ટ્રેનમાં સવાર રેલ યાત્રીઓમાં ફફડાટ વ્યાપી ગયો હતો,જોકે સમય સુચકતા વાપરીને ટ્રેનને ભરૂચના સિલ્વર બ્રિજ પહેલા રોકી દેવામાં આવી હતી, . આગના પગલે મુસાફરોમાં અફરાતફરીનો માહોલ જોવા મળ્યો હતો. મુસાફરો ટ્રેનમાંથી નીચે ઉતારી દેવાયા હતા. પ્રાથમિક તબક્કે શોર્ટ સર્કિટના કારણે આગ લાગી હોવાનું અનુમાન છે.
શોર્ટ સર્કિટના કારણે ટ્રેનમાં આગ લાગી હોવાનું અનુમાન
જો કે તાત્કાલિક ટ્રેન ઉભી રાખીને તમામ મુસાફરોને ટ્રેનની બહાર ઉતારી દેવામાં આવતા મોટી જાનહાની ટળી હતી. આ ઘટનામાં કોઈ ઈજાગ્રસ્ત થયું નથી. શોર્ટ સર્કિટના કારણે ટ્રેનમાં આગ લાગી હોવાનું અનુમાન લગાવવામાં આવી રહ્યું છે. તમને જણાવી દઈએ કે આ ટ્રેનમાં મોટી સંખ્યામાં પેસેન્જરો સવાર હતા અને આગની ઘટના બનતા જ લોકો ગભરાઈ ગયા હતા અને ફટાફટ ટ્રેનની નીચે ઉતરી ગયા હતા.