ધ બર્નિંગ ફેક્ટરી ! મિતાણા નજીક જીનિંગ ફેકટરીમાં આગ લાગતાં ત્રણ કલાકમાં રૂ.2 કરોડનું નુકસાન
રાજકોટ-મોરબી હાઈવે ઉપર ટંકારા તાલુકાના મિતાણા નજીક આવેલ જિનિંગ ફેક્ટરીમાં ગુરુવારે બપોરે ત્રણેક વાગ્યાના અરસામાં અચાનક આગ લાગતા પળવારમાં જ આગે વિકરાળ રૂપ ધારણ કરી લીધું હતું. આગની ઘટના અંગે મોરબી હાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મોરબીની ટીમો બનાવ સ્થળે પહોંચી હતી. જો કે, આ આગ અત્યંત વિકરાળ હોવાથી મેજર કોલ આપવામાં આવતા રાજકોટ ફાયર બ્રિગેડ ઉપરાંત શાપરની ખાનગી ટીમની મદદ લેવાઈ હતી અને ત્રણેક કલાક પાણીનો મારો ચલાવતા આગ બુઝાઈ હતી. આગને કારણે બે કરોડની નુકસાનીનો અંદાજ સેવાઈ રહ્યો છે.
પ્રાપ્ત વિગતો અનુસાર ટંકારા તાલુકાના મિતાણા ગામથી વાંકાનેર તરફ જતા રોડ ઉપર આવેલ ઇન્ડિયન કોટન ઈન્ડસ્ટ્રીઝ નામની જિનિંગ ફેક્ટરીમાં ગુરુવારે બપોરના સમયે ફેક્ટરીના ગ્રાઉન્ડમાંથી પસાર થતી વીજલાઈનનો વાયર તૂટી જતા સ્પાર્ક થતા આગ લાગી હતી. આગની આ ઘટના અંગે મોરબી હાયર બ્રિગેડને જાણ કરવામાં આવતા મોરબી ફાયર ટીમોએ મોરચો સંભાળી આગ બુઝાવવા પ્રયાસ શરૂ કર્યા હતા. જો કે, જિનિંગ મિલમાં રૂનો વિશાળ જથ્થો પડયો હોવાની સાથે આગ વધુ પ્રસરતા આગને મેજર કોલ આપવામાં આવ્યો હતો. જેથી આગ બુઝાવવા માટે
મોરબીથી એક, રાજકોટથી ત્રણ હાયર બ્રિગેડની ટિમો ઉપરાંત શાપર-વેરાવળની ખાનગી ટીમની મદદ લેવાતા ત્રણેક કલાક બાદ આગ બુઝાઈ હતી.
બીજી તરફ આ ઇન્ડિયન કોટન ઇન્ડસ્ટ્રીઝ રાજકોટના મુખ્તારભાઈ સિપાઈની માલિકીની હોવાનું સામે આવ્યું છે. આગની આ દુર્ઘટનામાં ફેકટરીના
મેદાનમાં પડેલો કપાસનો જથ્થો ભસ્મીભૂત થઈ જતા પ્રાથમિક અંદાજ મુજબ ભે કરોડથી વધુ રકમનું નુકસાન પહોંચ્યું હોવાનું જાણવા મળે છે. દરમિયાન ફેકટરીના ગ્રાઉન્ડમાંથી પસાર થતી વીજલાઈનમાંથી તિખારો ખર્યા બાદ કપાસના જથ્થામાં આગ લાગતા વીજતંત્રની બેદરકારીથી આગ લાગ્યાનું હાલમાં સામે આવ્યું છે.