રાજ્યના ઈતિહાસનું સૌથી મોટું રૂ. 3.70 લાખ કરોડનું ઐતિહાસિક બજેટ : અનેક મોટી જાહેરાત, જાણો શું છે ખાસ
ગુજરાતના નાણામંત્રી કનુભાઈ દેસાઈએ વિધાનસભામાં વર્ષ ૨૦૨૫-૨૬નું વિકસિત ગુજરાતનો રોડમેપ દર્શાવતુ અને રાજ્યના અત્યાર સુધીના ઇતિહાસનું સૌથી મોટુ એટલે કે ૩.૭૦ લાખ કરોડનું બજેટ રજૂ કર્યું હતું. આ બજેટમાં વડાપ્રધાનના વિકસિત ભારત-૨૦૪૭નાં લક્ષ્યને સાકાર કરવા માટે વિકસિત ગુજરાત-૨૦૪૭ની પરિકલ્પનાને ધ્યાનમાં લેવામાં આવી છે અને એ મુજબ યોજનાઓ જાહેર કરવામાં આવી છે.
સરકારે આ માટે ૫૦ હજાર કરોડનું વિકસિત ગુજરાત ફંડ ઉભું કરવાની જાહેરાત પણ કરી છે. સરકારે આ બજેટમાં કોઈ પ્રકારનો નવો કરબોજ નાખ્યો નથી પરંતુ થોડી રાહત જરૂર આપી છે. સરકારે સ્ટેમ્પ ડ્યુટી, ગીરોખત, ભાડાપટ્ટા લેખ અને ઇલેક્ટ્રિક વાહનોની ડ્યુટીમાં રાહત આપવાની જાહેરાત કરી છે. રાજ્યના સર્વિસ સેકટરને વેગ આપવા માટે કમિશનરેટ ઓફ સર્વિસીઝની નવી કચેરી ઉભી કરવાની જાહેરાત પણ કરવામાં આવી છે.
અન્ય એક મહત્વની જાહેરાતમાં રાજ્યને સમૃદ્ધ બનાવવા માટે કુલ છ ગ્રોથ હબ વિકસાવવાનો નિર્ણય લેવામાં આવ્યો છે. આ માટે અમદાવાદ ક્ષેત્ર, વડોદરા ક્ષેત્ર, સુરત ક્ષેત્ર, રાજકોટ ક્ષેત્ર, સૌરાષ્ટ્રના દરિયા કાંઠાનો વિસ્તાર અને કચ્છ માટે રીજનલ ઇકોનોમિક પ્લાન બનાવવામાં આવશે અને તેમાં બાકી તમામ જિલ્લાઓનો સમાવેશ કરવામાં આવશે.
આ બજેટમાં ભારે ટ્રાફિક ધરાવતા રસ્તાઓ માટે હાઈસ્પીડ કોરીડોર અને એક્સપ્રેસ વે વિકસાવવા માટે ૧૦૨૦ કરોડ રૂપિયાની ફાળવણી કરવામાં આવી છે. ગરવી ગુજરાત હાઇસ્પીડ કોરીડોર પ્રોજેક્ટ હેઠળ ૧૩૬૭ કિલોમીટરનાં ૧૨ નવા હાઇસ્પીડ કોરીડોર ડેવલપ કરાશે. સરકારે ૨૦૨૫-૨૬નાં વર્ષને શહેરી વિકાસ વર્ષ તરીકે ઉજવવાનું નક્કી કર્યું છે અને વિભાગના બજેટમાં ૪૦ ટકાનો વધારો કર્યો છે.